બિહારના ગયા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રોન હુમલાની ધમકી મળી છે. ગયા એરપોર્ટના ડાયરેક્ટરને એક અનામી પત્ર મળ્યો છે જેમાં બિહારના 21 લોકોના નામ અને સરનામા છે જેમને ધમકી આપવામાં આવી છે. આ પત્ર SSP આશિષ ભારતીને ગુરુવારે મોડી રાત્રે સોંપાયો હતો. આ પત્ર મળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે.
ગયા ઈન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેક્ટર બંગજીત શાહે આ મામલે જણાવ્યું કે 2 માર્ચે તેમને ગયા ઈન્ટરનેશનલ એરપોર્ટ અને અન્ય સ્થળોએ હુમલાની ધમકી આપતો પત્ર મળ્યો હતો. આ પત્રમાં 21 લોકોના નામ અને સરનામાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં ગયા જિલ્લાના ત્રણ લોકોના નામ અને સરનામા લખવામાં આવ્યા છે. આ સિવાય ઝારખંડના બે અને આસામના એક વ્યક્તિના નામ અને સરનામા લખવામાં આવ્યા છે.
આ મામલે ગયાના એસએસપી આશિષ ભારતીએ જણાવ્યું કે પોલીસ તંત્ર આ મામલાને ગંભીરતાથી લઇ રહ્યું છે. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે. ગયામાં બે મહિલાઓના નામ અને સરનામાના સંબંધમાં તપાસ કરવામાં આવી છે, જેમાં એક મહિલા ડૉક્ટર અને એક મહિલા શિક્ષકનું નામ છે. તપાસ દરમિયાન કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. પોલીસ બાકીના નામ અને સરનામાની ખરાઈ કરવામાં વ્યસ્ત છે.
પત્રમાં ગયા ઇન્ટરનેશનલ એરપોર્ટને 8 માર્ચે ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ અંગે એસએસપીએ કહ્યું કે ધમકી પાછળ કોઈ સંગઠન છે કે પછી કોઈ તોફાની તત્વોનો હાથ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં આ ધમકીને ગંભીરતાથી લઈને એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. એરપોર્ટ પર તૈનાત CISF જવાનોને એલર્ટ મોડમાં રાખવામાં આવ્યા છે.