વિશ્વના ત્રીજા અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીને કોઇ ઓળખની જરૂર નથી. તેઓ તેમની ઉત્તમ બિઝનેસ કુશળતા માટે જાણીતા છે, પરંતુ, જે ઘણાને ખબર નથી તે હકીકત એ છે કે તેઓ એક વાર નહીં, પરંતુ બે વાર મૃત્યુના મુખમાંથી બચી ગયા છે. તાજેતરમાં એક ખાનગી ચેનલ પર તેમનો ઇન્ટરવ્યુ પ્રસિદ્ધ થયો હતો, જેમાં ગૌતમ અદાણીએ વ્યવસાય સિવાય જીવનની ઘણી ન સાંભળેલી વાતો કરી હતી. એ સમયે ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, તેમણે પોતાના જીવનમાં બે વાર મોતનો સામનો કર્યો છે.
90ના દાયકા પહેલાની વાત કરતા અદાણીએ જણાવ્યું હતું કે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. “અપહરણકર્તાઓએ પકડાયાના બીજા દિવસે મને કંઇ પણ ઇજા કર્યાવિના છોડી દીધો હતો, પરંતુ તે રાત્રે પણ હું શાંતિથી સૂઈ શક્યો હતો.” પરિસ્થિતિ અનુસાર મારી જાતને ઝડપથી ઢાળી દેવી એ મારો સ્વભાવ છે, એમ તેમણે જણાવ્યું હતું.
26 નવેમ્બર 2008 ના રોજ જ્યારે આતંકવાદીઓએ મુંબઈની તાજ હોટેલ પર હુમલો કર્યો ત્યારે ગૌતમ અદાણીને બીજી વખત મૃત્યુનો સામનો કરવો પડ્યો હતો. સશસ્ત્ર આતંકવાદીઓ હોટલમાં ઘૂસી ગયા હતા અને ફાયરિંગ કરી રહ્યા હતા. એ વખતે તેઓ તાજ હોટેલમાં જ હતા.
અદાણીએ જણાવ્યું કે તે દિવસે તેમનો એક મિત્ર દુબઈથી આવ્યો હતો જેની સાથે તેઓ તાજ હોટેલમાં જમવા ગયા હતા . રાત્રિભોજનનું બિલ ચૂકવીને અદાણી જવાના જ હતા, પરંતુ તેમનો મિત્ર કંઇક વાત કરવા માંગતો હતો, તેથી તેઓ રોકાયા અને કોફી પીવા બેઠા. આ ઘટનાને યાદ કરતાં અદાણીએ કહ્યું કે જો હું ભોજન કર્યા પછી રોકાયો ન હોત અને ચાલવા લાગ્યો હોત તો કદાચ હું ત્યાં (ક્રોસફાયરમાં) ફસાઈ ગયો હોત. આ દરમિયાન અદાણીએ તાજ ગ્રુપના કર્મચારીઓની પ્રશંસા કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે તાજ હોટલનો સ્ટાફ તેમને પાછળના માર્ગેથી ઉપરની ચેમ્બરમાં લઈ ગયો. બીજા દિવસે સવારે 7 વાગ્યે જ્યારે કમાન્ડો આવ્યા ત્યારે તેઓ તેમને સંપૂર્ણ સુરક્ષા આપીને હોટલની બહાર લઈ ગયા. અદાણી સવારે 8 વાગ્યાની આસપાસ હોટેલમાંથી બહાર આવી શક્યા હતા.