Homeધર્મતેજખીલતી કળીઓના માળી

ખીલતી કળીઓના માળી

પ્રમુખ ચિંતન -સાધુ આદર્શજીવનદાસ

પ્રિય વાચકો ! આજે ૧૪મી નવેમ્બરનો દિવસ ભારતમાં ‘બાળ દિન’ તરીકે ઊજવાશે. શ્રી જવાહરલાલ નહેરુની સ્મૃતિમાં થતી આ ઉજવણી પ્રસંગે બાળવિકાસ સંબંધી અનેકવિધ કાર્યક્રમો યોજાતા આવ્યા છે, કારણ કે જેમ મૂળમાં સીંચેલું પાણી છોડનાં પાંદડે પાંદડે પહોંચે તેમ બાળવિકાસ માટે ફાળવેલા સમય, શક્તિ, સંપત્તિ અંતે દેશના વિકાસનું ફળ આપે છે. તેથી બાળકોની ઉપેક્ષા કરવાનું કોઈ સમાજને ન પરવડે. આ સભાનતાને સંકોરતાં પ્રમુખસ્વામી મહારાજ ઘણીવાર કહેતા : ‘જો તમે તમારા બાળકોને સંસ્કાર નહીં આપો તો તમારે સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે.’
તેથી તેઓએ તા. ૧૫/૬/૧૯૯૪ના રોજ ટોરોન્ટોમાં એક સભાને સંબોધતાં વેધક સવાલ ઉઠાવેલો કે અત્યારે ‘ટાઈમ ઈઝ મની’ છે, ત્યાં હવે ‘ચાઈલ્ડ ઈઝ મની’ થાય ખરું ? પૈસા ન કમાવ તેવું નથી, પણ તેની જ મહત્તા સમજીને સવારથી રાત સુધી પૈસાનું જ ભજન થાય પછી બાળકોને સંસ્કાર ક્યારે આપવા ? ‘મિલકતને સાચવીએ તેટલું જ બાળકો તરફ ધ્યાન આપવું જોઈએ. જે તે દિ’ આ કર્યા વગર છૂટકો નથી.’
પ્રમુખસ્વામી મહારાજને મન શિશુઓ સમાજની સંપત્તિ સમાન હતા. તેથી જ તેની નાની-શી ઇચ્છાને પણ તેઓ કદી ન ઉવેખતા.
તા. ૨૪/૧૨/૧૯૮૨ના રોજ સ્વામીશ્રીની ૬૨મી જન્મજયંતી ભાવનગરમાં ધામધૂમપૂર્વક ઉજવાયા બાદ તેઓ સૌને વ્યક્તિગત દર્શન અને આશીર્વાદનો લાભ આપવા બિરાજેલા. આ કાર્યવાહીમાં બપોરના અઢી વાગી ચૂક્યા. છતાં હજી બાકી દર્શનાર્થીઓની હરોળ નાખી નજર ન પહોંચે તે રીતે ઊભેલી. તે સમયે જ આવી ચડેલા એક બાળકે સ્વામીશ્રી સમક્ષ ચબરખી અને કલમ ધરતાં કહ્યું : બાપા ! આશીર્વાદ લખી આપો.’
તેનો આ ટહુકો જેણે સાંભળ્યો તેને કર્કશ લાગ્યો, પણ બપોરનો તાપ, સતત સાડા પાંચ કલાક પલાંઠી વાળીને બેસી રહેવાથી સ્વામીશ્રીને લાગેલો થાક, તેઓનું બાકી ભોજન, દર્શન માટે હજી ઊભેલી બેસુમાર ગિરદી વગેરે પરિબળોનો અંદાજ અને અનુભવ તો એ અબુધ બાળમાનસને ક્યાંથી હોય ?
પરંતુ સ્વામીશ્રીએ બપોરે અઢી વાગ્યાની એ ગિરદી અને ગરમીમાં બાળકના કલમ-કાગળ પ્રેમથી પોતાના હાથમાં લીધા અને આશીર્વાદ લખી આપ્યા ત્યારે મહોત્સવના વિરાટ મંચ પરથી વામનની દરકાર લેવા ઝૂકેલા તેઓનું આ દર્શન સૌ માટે અમૂલ્ય બની ગયું.
આ જ રીતે તા. ૧૮/૭/૧૯૯૦ની બપોરે ન્યૂયોર્કમાં સોફા પર બિરાજેલા પ્રમુખસ્વામી મહારાજે તેઓની પાસે આવેલા એક બાળકને પીઠ પર ધબ્બો મારી આશીર્વાદ આપ્યા. તેઓની આ ચેષ્ટાનું અનુકરણ કરતાં એ બાળકે પણ સ્વામીશ્રીની પીઠ થાબડી ! તે જોઈ કો’કે તેને પ્રેમથી કહ્યું : ‘આપણે બાપા’ને આશીર્વાદ ન અપાય. ભૂલ થઈ ગઈ. હવે દંડવત્ કરી લે.’
આ સૂચનાને અનુસરતાં એ બાળક દંડવત્ કરવા નમ્યો, પણ તેના પક્ષકાર બનતાં સ્વામીશ્રી જ બોલ્યા : ‘ના, હં.. આશીર્વાદ અપાય.’
આ સાંભળતાં જ દંડવત્ કરવાનું પડતું મૂકી સ્વામીશ્રી પાસે દોડી ગયેલા એ બાળકે તેઓની પીઠ પર પુન: ધબ્બો માર્યો. આ જોઈ પેલી વ્યક્તિએ ફરી પૂછ્યું : ‘કેમ આશીર્વાદ આપ્યા ?’
‘મેં ક્યાં આશીર્વાદ આપ્યા છે ? મેં તો એમણે કહ્યું એમ કર્યું છે.’ બાળક નિર્દોષતાથી બોલ્યો.
ત્યારે સ્વામીશ્રીએ પણ કહ્યું : ‘આ
તો મિત્રતા હતી, કેમ ?’
સાત વર્ષના બાળક અને સિત્તેર વર્ષના સંત વચ્ચે મિત્રતા ! દુનિયામાં દુર્લભ આવાં દૃશ્યો સ્વામીશ્રીની સરળતા અને પ્રેમાળતાને લીધે પળે પળે સર્જાતાં રહેતાં.
સ્વામીશ્રીના આવા સ્નેહવારિ પીને ઊછરતાં બાળકો અભ્યાસ, સંસ્કાર, વિવિધ કૌશલ્યો વગેરેમાં પ્રવીણ બનતાં. શક્તિ અને સદ્ગુણોથી મઘમઘતો આ ફાલ જોઈ સરદાર પટેલ યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. આર. એમ. પટેલ તો બોલી ઊઠેલા : ‘ચોપાનિયાંમાં વાંચીએ છીએ કે સત્યુગ આવી રહ્યો છે, પણ આ બાળકોની પ્રવૃત્તિમાં તેની નિશાની દેખાય છે.’
બી.એ.પી.એસ. સંસ્થાની આવી બાળપ્રવૃત્તિને જ્યારે સન ૨૦૦૪માં પચાસ વર્ષ પૂર્ણ થયાં ત્યારે ગાંધીનગરના અક્ષરધામને આંગણે દબદબાભર્યો મહોત્સવ ઊજવાયેલો. તેમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવેલું : ‘હું સ્પષ્ટ માનું છું કે પુન: એકવાર વિશ્ર્વગુરુ બનવાનું સામર્થ્ય પેદા કરવા માટે ભારતની સાંસ્કૃતિક પીઠિકા તૈયાર કરવાનું કાર્ય સ્વયં પ્રમુખસ્વામી મહારાજ દ્વારા થઈ રહ્યું છે. મેં આ સંસ્થાના બાળમિત્રોને ભૂકંપપીડિતોની સેવા કરતા જોયા છે. આ બાળમિત્રો દ્વારા વિરાટ મહોત્સવનું સંચાલન પણ મારી આંખોથી જોયું છે. મેં આ બાળકોમાં કરુણા, શિસ્ત, વિવેક, નમ્રતા અને પ્રેમનાં દર્શન કર્યાં છે.’
આમ, બાળદિનની યથાર્થ ઉજવણી પ્રમુખસ્વામી મહારાજ ન કેવળ તા. ૧૪/૧૧ના રોજ, પરંતુ કાયમ કરતા રહેલા. તેઓના આ ઉપકાર બદલ સમગ્ર દેશ અને દુનિયા સદાય તેઓની ઋણી રહેશે.

RELATED ARTICLES

Most Popular