એલ્યુમિનિયમ અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ સિવાયની તમામ ધાતુઓમાં ગાબડાં

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી તેમ જ વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિ અંગેની ચિંતા સપાટી પર રહેતાં લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે વિવિધ ધાતુઓના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને વધુ ભાવઘટાડાના આશાવાદે સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં માત્ર એલ્યુમિનિયમ અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપમાં ખપપૂરતી માગને ટેકે ભાવમાં જોવા મળેલાં ટકેલાં વલણને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓના ભાવમાં કિલોદીઠ રૂ. ૪થી ૬૦ સુધીનાં ગાબડાં પડ્યાં હતાં.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે માત્ર કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૫૮૦, રૂ. ૧૫૪ અને રૂ. ૨૦૫ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે અન્ય તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ તેમ જ વધુ ભાવઘટાડાના આશાવાદે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની લેવાલી ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું, જેમાં કિલોદીઠ ધોરણે નિકલના ભાવ રૂ. ૬૦ ઘટીને રૂ. ૧૮૨૦, ટીનના ભાવ રૂ. ૧૮ ઘટીને રૂ. ૧૮૨૦, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ રૂ. ૧૨ ઘટીને રૂ. ૪૫૦, કોપર વાયરબારના ભાવ રૂ. ૧૧ ઘટીને રૂ. ૬૭૪, કોપર સ્ક્રેપ હેવીના ભાવ રૂ. ૯ ઘટીને રૂ. ૬૩૭, કોપર કેબલ સ્ક્રેપના રૂ. ૮ ઘટીને રૂ. ૬૪૨, બ્રાસ શીટ કટિંગ્સના ભાવ રૂ. ૭ ઘટીને રૂ. ૪૯૦, ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સના ભાવ રૂ. પાંચ ઘટીને અનુક્રમે રૂ. ૨૮૨ અને રૂ. ૧૮૫ અને કોપર આર્મિચરના ભાવ રૂ. ચારના ઘટાડા સાથે રૂ. ૬૩૪ના મથાળે રહ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.