લીડ સિવાયની તમામ ધાતુઓમાં ₹ ૩થી ૮૩ સુધીનાં ગાબડાં

વેપાર વાણિજ્ય

મુંબઈ: વિશ્ર્વમાં બીજા ક્રમાંકના અર્થતંત્ર ગણાતા ચીનના બીજા ત્રિમાસિકગાળામાં આર્થિક વૃદ્ધિ દર મંદ પડીને ગત સાલના સમાનગાળાની તુલનામાં માત્ર ૦.૪ ટકાના સ્તરે અથવા તો વર્ષ ૧૯૯૨માં જ્યારથી ડેટા જાહેર કરવાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીનો સૌથી ધીમો દર રહ્યો હોવાના અહેવાલ સાથે આજે લંડન ખાતે કોપર અને નિકલ સહિતની ધાતુઓમાં ઓલફોલ ડાઉનનું વલણ રહ્યું હતું. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિકમાં પણ એકમાત્ર લીડ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગને ટેકે ભાવમાં આવેલા કિલોદીઠ રૂ. એકના સુધારાને બાદ કરતાં તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલી અને માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૩થી રૂ. ૮૩ સુધીના ગાબડાં પડ્યાં હતાં.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે ચીનના આર્થિક ડેટા નબળા આવતાં આજે લંડન ખાતે કોપરના ત્રણ મહિને ડિલિવરી શરતે ભાવ એક તબક્કે ઘટીને ટનદીઠ ૭૦૦૦ ડૉલરની સપાટીની અંદર ઊતરી ગયા બાદ સાધારણ સુધારા સાથે ૭૦૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને નિકલના ભાવ ઘટીને નવ મહિનાની નીચી ટનદીઠ ૧૮,૨૩૦ ડૉલરની સપાટીએ પહોંચ્યા હતા. આ સિવાય ઝિન્કના ભાવમાં ૦.૪ ટકાનો અને ટીનના ભાવમાં ૧.૫ ટકાનો ઘટાડો દર્શાવાઈ રહ્યો હતો, જ્યારે લીડના ભાવ ૩.૩ ટકા વધીને ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.
દરમિયાન સ્થાનિક ધાતુ બજારમાં આજે એકમાત્ર લીડ ઈન્ગોટ્સમાં છૂટીછવાઈ વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ કિલોદીઠ સાધારણ રૂ. એક વધીને રૂ. ૧૮૧ના મથાળે રહ્યા હતા. આ સિવાયની તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો અને સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું, જેમાં નિકલના ભાવ કિલોદીઠ રૂ. ૮૩ ઘટીને રૂ. ૧૯૨૫, ટીનના ભાવ કિલોદીઠ રૂ. ૬૩ ઘટીને રૂ. ૨૩૨૫, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ રૂ. ૩૦ ઘટીને રૂ. ૫૪૫, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. ૨૬ ઘટીને રૂ. ૫૯૫, કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૨૫ ઘટીને રૂ. ૬૦૦, બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ૨૦ ઘટીને રૂ. ૪૭૦, કોપર આર્મિચર અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૧૯ ઘટીને અનુક્રમે રૂ. ૫૯૧ અને રૂ. ૬૧૧, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૧૦ ઘટીને રૂ. ૪૩૫, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૯ ઘટીને રૂ. ૧૫૯, ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને રૂ. ૨૭૦ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. ૩ ઘટીને રૂ. ૨૧૨ના મથાળે રહ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.