Homeઉત્સવહિમાલયનું વિરાટ રૂપ સમા કાંચનજંઘાની ગોદમાં વસેલ નાનકડું પણ સુંદર નગર -...

હિમાલયનું વિરાટ રૂપ સમા કાંચનજંઘાની ગોદમાં વસેલ નાનકડું પણ સુંદર નગર – ગેંગટોક

ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી

વિશ્ર્વ પ્રસિદ્ધ કાંચનજંઘા પર્વત જાણે આ શહેરનો રક્ષક બનીને બેઠો હોય એવું લાગે. અવિરત વહેતો તીસ્તા નદીનો અમૃત સરીખો પ્રવાહ, ચારે દિશામાં પ્રકૃતિનો અપાર વૈભવ આ સઘળું સિક્કીમની એક અલગ જ ઓળખ ઊભી કરે છે પ્રાચીન સમયમાં સિકિકમ ઓલ્ડ સિલ્ક રૂટનો ભાગ હતું. તેથી અહીંની સંસ્કૃતિ પણ ખૂબ વૈવિધ્યસભર છે. શિયાળાની શરૂઆત થતા જ વાદળો નહિવત થવા લાગે કે કાંચનજંઘા વિરાટ રૂપ ધારણ કરીને મંદ મંદ હસતો દેખાય. બરફની ચાદર ઓઢેલ પહાડીઓની ઠંડક અને નદીઓના પ્રવાહ લોકોને જાણે તેની તરફ ખેંચીને લઈ જતા હોય તેવું લાગે. આજે આપણે એવા જ એક હિલ સ્ટેશન જ્યાં પ્રકૃતિ સાથે મોર્ડન અને ટ્રેડિશનલ કલ્ચર સાથે માણવા મળે ત્યાં ફરીશું. કાંચનજંઘાની ગોદમાં વસેલું નાનકડું સિકિકમ રાજ્ય અનન્ય સૌંદર્ય ધરાવે છે. તેનું પ્રાકૃતિક સૌંદર્ય, સંસ્કૃતિ, રીત રિવાજો અને ખાણીપીણી વગેરે અનોખું છે. આમ જોઇએ તો સિકિકમ ચાર ભાગમાં વિભાજિત રાજ્ય છે. ઇસ્ટ, વેસ્ટ, નોર્થ અને સાઉથ સિકિકમ જેમાં આજે આપણે સિકિકમની કેપિટલ ગેંગટોકની સફર કરીશું.
ગેંગટોકમાં ઘણું બધું માણવા લાયક છે. જ્યારે બે થી ત્રણ દિવસનો સમય હોય અને બસ એમ જ નીકળી પડવું હોય ત્યારે આ બેસ્ટ ઑપશન રહે. ગેંગટોક શહેર આધુનિકીકરણમાં પણ પાછળ નથી રહ્યું. ત્યાંની મહાત્મા ગાંધી રોડની ગલીઓમાં ભમીને તમે એ જાણી શકો. એમ. જી. રોડ માર્કેટ એ સિકિકમનું સૌથી મોટું શોપિંગ પોઈન્ટ છે. અહીં તમે શોપિંગ, રેસ્ટૉરન્ટ, કૅફે વગેરે એક્સપ્લોર કરી શકો. અહીંની ગલીઓ યુરોપિયન દેશોની થોડી ઝલક પણ અપાવી જાય. અહીંની ગલીઓમાં વાહનો પર પ્રતિબંધ છે જેથી ન તો ટ્રાફિકની સમસ્યાઓ રહે છે ન તો ઘોંઘાટની તકલીફ પડે. અહીં આસપાસ રહેવા માટે હૉટેલ્સ પણ બહુ જ નજીકમાં મળી રહે છે. અહીં તમે સિકિકમના ટ્રેડિશનલ ફૂડને એક્સપ્લોર કરી શકો. સાથે સાથે નેપાળી, તિબેટિઅન અને ઇન્ડિયન ફૂડ તો ખરું જ. સિકિકમ જઈએ અને મોમોઝ ન ખાઈએ એવું તો બને જ નહીં. અહીંની ખાસ વાત એ છે કે આ સમગ્ર શોપિંગ રોડ સ્મોકિંગ ફ્રી વિસ્તાર છે અને આ વિસ્તારની ગણના દેશની સૌથી સ્વચ્છ શોપિંગ સ્ટ્રીટ તરીકે થાય છે. સિકિકમ રાજ્ય ઓર્ગેનિક ખેતી માટે જાણીતું છે. જો તમને અહીંના અલગ અલગ શાકભાજી અને ફળોને જાણવાની ઈચ્છા હોય તો લોકલ માર્કેટમાં જઈ શકાય.
અહીં જવાહરલાલ નહેરુ બોટનિકલ ગાર્ડન આવેલું છે. ત્યાં સમય કાઢીને એકવાર જરૂરથી જવું જોઈએ. અહીંની હરિયાળી અને રંગબેરંગી ફૂલો કોઈપણને આનંદિત કરી દે છે. અહીંથી દેખાતા બરફાચ્છદિત પહાડોની હરિયાળી મનને પ્રફુલ્લિત બનાવી દે છે. જો તમે રંગીન ફૂલો જોવાના શોખીન હોય તો અહીં એક ફ્લાવર એક્ઝિબિશન સેન્ટર છે જ્યાં અઢળક પ્રકારના સુંદર ફૂલો જોવા મળે છે. સિક્કીમની ઓળખ એટલે કાંચનજઘાં. ગેંગટોક શહેરમાં આવેલા તાશી વ્યૂ પોઇન્ટની કાંચનજંઘા રેન્જ જો વેધર સારું હોય તો જોઈ શકાય છે. ખાસ કરીને સૂર્યાસ્તના રંગો અહીં ખીલી ઊઠે છે. અહીં ગેંગટોક સિટીનો વ્યુ અને આસપાસની પર્વતમાળાઓ જોઈ શકાય. અહીં સિકિકમના ટ્રેડિશનલ ડ્રેસમાં લોકો ફોટોગ્રાફી પણ કરાવે છે. તાશી વ્યૂ પોઈન્ટ ટૂરિસ્ટમાં ખૂબ જ ફેમસ છે. અહીં ટેલિસ્કોપની પણ સુવિધા ઉપલબ્ધ છે.
સિકિકમમાં બૌદ્ધ ધર્મનો સારા પ્રમાણમાં વિકાસ થયો છે. અહીં ઘણી મોનાસ્ટ્રી આવેલી છે. શાંતિ અને અધ્યાત્મનો અનુભવ અહીંના વાતાવરણમાં છે. લામાઓનો મંત્રોચ્ચાર અને બાળ બોદ્ધ ભીક્ષુઓ અહીંની જીવતતામાં વધારો કરે છે. પવનના સુસવાટા વચ્ચે લહેરાતા પ્રેયર ફ્લેગ્સ દૂર દૂર સુધી જાણે શાંતિ અને પ્રેમનો સંદેશો ફેલાવી રહ્યા હોય એવું લાગે. મોનાસ્ટ્રીની બહાર લાગેલા મોટા પ્રેયર વિલ્સ, વાઇબ્રન્ટ કલર્સ તેમ જ મોનાસ્ટ્રીનું આર્કિટેક્ચર કંઈક અલગ જ અનુભવ કરાવે છે. ગેંગટોકથી નજીક આવેલ રૂમતેક મોનાસ્ટ્રી ખૂબ જ સુંદર છે. ધર્મ સાથે અહીં ઇતિહાસ પણ અહીંના મ્યુઝિયમમાં સચવાયેલ છે. ગેંગટોક સિટીથી દૂર શાંત વાતાવરણમાં પહાડોની વચ્ચે આ બહુ જ સુંદર મોનાસ્ટ્રી આવેલી છે જેની મુલાકાત ચૂકવી ન જોઈએ. રૂમતેક ધર્મ ચક્ર સેન્ટર પણ કહેવાય છે. આ ઉપરાંત ગેંગટોકથી થોડા અંતરે ઈંચે મોનાસ્ટ્રી આવેલી છે. ત્યાં પહોંચવા માટેના રસ્તાઓ ખૂબ સુંદર છે. રસ્તામાં કોઈ લોકલ રેસ્ટૉરન્ટમાં બ્રેક લઈને ટ્રેડિશનલ ડીશ થુકપાની મજા લઈ શકાય. ઓર્ગેનિક વેજિટેબલમાંથી એકદમ હેલ્ધી થોડું ડિફરન્ટ અને સિમ્પલ ફૂડની મજા માણવાની વાત જ કંઈક અલગ છે. આસપાસના કુદરતના નજારાઓ કોઈને પણ આનંદીત કરી દે તેવા સુંદર. ગેંગટોક સિટીમાં આવેલી ગોન્જાગ મોનાસ્ટ્રી ખૂબ જ વાઇબ્રન્ટ કલર ધરાવે છે. ત્યાંનું સ્થાપત્ય અને કોતરણી ખૂબ જ બારીકાઈથી થયેલ છે.
આ ઉપરાંત હનુમાન ટોક અને ગણેશ ટોક મંદિર આવેલ છે જે ભારતીય સેના દ્વારા વ્યવસ્થિત રીતે સંચાલિત કરવામાં આવે છે. હનુમાન ટોક પર નાનું પરંતુ યુનિક મંદિર આવેલું છે. સ્થાનિકો દ્વારા એવું કહેવાય છે કે સંજીવનીબુટ્ટીનો પર્વત લઈને નીકળેલા હનુમાનજી ત્યાં થોડીવાર માટે આરામ કરવા રોકાયા હતા. હિમાલયની વિશાળ પર્વતમાળાનો ભાગ એવું વિશ્ર્વનું ત્રીજા નંબરનું સૌથી ઊંચું શિખર કાંચનજંઘાનો મનમોહન અંદાજ અહીંથી જોઈ શકાય. ગણેશ ટોક મંદિરથી આસપાસનો ૩૬૦ઓ ડિગ્રી વ્યૂ જોઈ શકાય એમાં પણ જો વેધર ક્લીન હોય તો પૂરી રેન્જ જોઈ શકાય. અહીં સિકિકમના ટ્રેડિશનલ ડ્રેસ હોંજુ પહેરીને ફોટોગ્રાફી કરાવી શકો. ગેંગટોક સિટીનો વ્યૂ જોવો હોય તો તેના માટે રોપવેની સુવિધા છે. તેમાં બેસીને રંગબેરંગી ગેંગટોક સિટીને જોઈ શકાય. ગેંગટોકમાં હોવ તો બનજાકડી વોટરફોલને ભૂલવો ન જોઈએ. ચારે બાજુથી હરિયાળી વચ્ચેથી પડતો આ ધોધ જોવા ખૂબ ટૂરિસ્ટ આવે છે. ગેંગટોકમાં ફાસ્ટફૂડ વગેરે મળી રહે પણ બને ત્યાં સુધી જ્યાં હોઈએ ત્યાંના લોકલ ફૂડને પ્રાધાન્ય આપવું જોઈએ. અહીંની લોકલ વેજિટેબલ સિસનુંની ભાજી, જલકુંભીનું સૂપ, સીલ રોટી, આલુદમ વગેરે અલગ અલગ સ્વાદ માણવા જોઈએ. વેજ અને નોનવેજ બને માટે સારા પ્રમાણમાં ઑપશન મળી રહે.
ગેંગટોકથી અંદાજિત બે કિલોમીટર દૂર નામગ્યાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ તિબેટોલોજી આવેલું છે. અહીં બુદ્ધના જીવન, તિબેટીયન આર્ટ ઍન્ડ કલચર વગેરેની માહિતી ઉપલબ્ધ છે. અહીં પ્રાચીન મૂર્તિઓ અને ચિત્રોનું પ્રદર્શન છે. તે ઉપરાંત ગેંગટોક શહેરથી ખૂબ જ નજીક વિપશ્યના કેન્દ્ર આવેલું છે. એકાંત અને કુદરતનો સાથ માણવો હોય તો આ જગ્યા શ્રેષ્ઠ છે. અહીંથી કાંચનજઘાંનો સુંદર વ્યૂ જોવા મળે સાથે વિપશ્યના જાત સાથે મુલાકાત કરાવે. ગેંગટોક આસપાસ બીજા ઘણા બધા સ્થળ છે દરેક પોતાની ઈચ્છા મુજબ એક્સપ્લોર કરી શકે છે. અહીં તો આપણે માત્ર ગેંગટોક સિટીની જ વાત કરી સમગ્ર સિકિકમની સુંદરતા અને સાદગી આપણી કલ્પનાઓથી પર છે તેને હકીકત બનાવવા માટે બસ નીકળી જવું પડે. ખાસ કરીને સિકિકમના નાના નાના ગામડાઓ માણવા સમય કાઢીને નીકળવું પડે.

RELATED ARTICLES

Most Popular