ગંગસાહેબનું સાધકને માટે ચેતવણી ભજન

ધર્મતેજ

ભજનનો પ્રસાદ – ડૉ. બળવંત જાની

ગંગસાહેબની રચનાઓ ગંગારામ નામછાપથી પણ પ્રાપ્ત છે. ગંગસાહેબ ભાણસાહેબના પુત્ર ખીમસાહેબના પુત્ર તરીકે જાણીતા છે. ખીમસાહેબે રવિસાહેબ સાથે ખૂબ સાથે ખૂબજ સત્સંગ અને યોગવિદ્યાનો વિમર્શ કરેલો. પુત્ર ગંગસાહેબને રવિસાહેબ પાસે દીક્ષ્ાા ગ્રહણ કરાવરાવેલી. વધુ સમય તેમણે સાધના ઉપાસનામાં પિતાશ્રી ખીમસાહેબની જગ્યા કચ્છના રાપરમાં નિવાસી બનીને સાધનામાં ક્રિયાશીલ રહેલા. ઈ.સ.૧૮ર૭માં એમણે મોરારસાહેબની નીશ્રામાં આમરણ ગામની જગ્યાને સ્થાનકે સમાધિ લીધેલી.
યોગમાર્ગના મરમી ખીમસાહેબ અને યોગસાધનાના મોટા યોગી રવિસાહેબના શિષ્ય તરીકે તેમણે પોતાની શક્તિ પ્રમાણે પોતાની રીતે યોગસિદ્ધિ પ્રાપ્ત કરેલી.
ગંગસાહેબની ભજન રચનાઓ વિષ્ાયે બહુ ઓછો સ્વાધ્યાય થયો છે. બાલ્યાવસ્થાથી જ તેઓ પિતાશ્રી ખીમસાહેબની યોગિક સિદ્ધિઓથી સુપરિચિત થતાં જીજ્ઞાસાથી એ પથમાં સેવાકાર્યમાં સહયોગ આપતા રહ્યા અને સાધનામાં આગળ વધીને સિદ્ધિ મેળવી ચૂકેલા. તેઓ રવિસાહેબના શિષ્ય પણ સાધનાની અનુભૂતિની પોતીકી અભિવ્યક્તિ એમણે સ્થાપી. ગંગસાહેબ રવિ-ભાણ પરંપરાનો મહત્ત્વનો અવાજ પ્રસરાવનાર હોવા છતાં એને એ રીતે બહુ મૂલવ્યા પણ નહીં. મકરંદભાઈએ અમને ભજનશિબિરમાં, નંદિગ્રામમાં એની એક પંક્તિ અમારા સમક્ષ્ા ટાંકેલી. ભાયાણીસાહેબને શ્રોતા તરીકે મેં વર્ષ્ાો સુધી અનેક કાર્યક્રમમાં જોયા છે. કાર્યક્રમમાં પૂર્તિ રૂપે લગભગ કશુંક ઉમેરણ કરતા સાંભળ્યા છે. પણ એ દિવસે મકરંદભાઈએ ભજનના અભ્યાસમાં એની વાણીને સમજવામાં રાખવાની સાવધાની તરીકે ગંગસાહેબની ભજનરચનાનો સંદર્ભ ટાંકીને કહેલું કે,
‘મન ગાળીને સંતોને મળીએ
ભ્રાંતું ભાંગીને ભળીએ,
જેમ પાણીમાં પાણી….’
મકરંદભાઈ તો ભજનનાં મરમી સંત હતા. સંત કેરી વાણીમાં આસ્વાદ માટે એમણે સિતેરથી વધુ ભજનો રવિભાણ પરંપરાના સંતોના પસંદ ર્ક્યા છે. એમનો આસ્વાદ અને અર્થઘટન મને દિશા દર્શક જણાયા છે. એમણે પ્રવેશકમાં જ પ્રેમલક્ષ્ાણા ભક્તિ ઉપરાંત યોગમાર્ગની ઉપાસનાની અનુભૂતિને-આત્મપ્રતીતિને ગાનારા કવિઓની વાણી વિગતે તપાસાવી જોઈએ. મને એ કારણે મધ્યકાલીન જ્ઞાનમાર્ગી ધારાની વાણીનો અભ્યાસ કરવાની પ્રેરણા થયેલી. અને રવિભાણ પરંપરાનું તત્ત્વદર્શન અવલોક્વા ઉદ્યુક્ત થવાની સ્પૃહા પ્રગટેલી.
ગંગારામ-ગંગસાહેબની એક ખૂબ જ પ્રચલિત પરંપરિત-ભજન પરંપરાને આસ્વાદીએ-
‘હે મનવા, રામ સમર હૈયે હેત આણી
પ્રેમે પૂજા કરીને થાવને પાવન પ્રાણી, અંતરમાં સમરોને સારંગપાણિ. ….(ટેક)…૧
મન ગાળીને સંતોને મળીએ,
ભ્રાંતું ભાંગીને ભળીએ, જેમ પાણીમાં પાણી. હે મનવા…ર
તન મન ધન અરપીને સેવા કીજે,
હરિને હરદે રાખો, જુઠી માયાને જાણી. હે મનવા…૩
હે તે પ્રીતે હળતા ને ભળતા,
જશ રાખી ચાલ્યા, જગમેં વરતી વાણી. હે મનવા…૪
ભજન પ્રતાપે પતિત ઓધારણ,
અવિચળ પદને પામ્યા, મહારસને માણી. હે મનવા…પ
ગંગારામ ગુરુ ખીમ, ભાણ રવિ
શરણે સદાય રાખો, જન આપનો જાણી. હે મનવા…૬’
ગંગારામ નામછાપથી મળતી ગંગસાહેબની આ રચનામાં એમણે ખીમસાહેબ અને રવિસાહેબ એમ બન્નેનો નિર્દેશ કરેલ છે. પણ સાથે-સાથે યોગ સાધકે રાખવાની જાળવવાની કેટલીક વિગતો કથી છે. એ રીતે મને આ ચેતવણીનું ભજન જણાયું છે. ગંગસાહેબ ગાય છે કે-
હે મનુષ્ય-ભક્ત-રામનામ સ્મરણ કરવું પણ હૈયામાં સ્નેહ-હેત ધારણ કરીને, પ્રેમથી પૂજા કરીને પાવન-પવિત્ર થવાનું છે. અંત:કરણથી, હૃદયભાવથી ઈશ્ર્વરને સ્મરવાના છે.
શરીર, મન અને વ્ય બધું જ એમને અર્પણ કરીને હરિને હૃદયમાં ધારણ કરીને એમની સેવા-પૂજા-સાધના આરાધનામાં તલ્લીન થવું. માયા-મોહતત્ત્વને જુઠું માનીને એની આસક્તિ છોડીને હે માનવ હૈયામાં સ્નેહાસક્ત ભાવ ધારણ કરીને રામનામનો જપ કરો. હેત, પ્રેમ રાખીને બધાની સાથે હળીને-મળીને સમરસતા-સમભાવ અને સદ્ભાવ ધારણ કરીને યશ ફેલાવતા રહો કે જેથી જગતમાં-સમાજમાં તમારી વાત-વાણી અન્યને પણ સ્પર્શી જાય. બધા સાથે ભળવાની સમરસતાની વિગત અહીં છે.
આવા ભક્તિભાવથી, ભજનપ્રભાવથી જ અનેક સાધકો અવિચળ પદને પામ્યા છે. તેઓએ ભક્તિરૂપી મહારસને ખરા અર્થમાં માણ્યો છે. માટે હે માનવ તું રામનામ સ્મરણમાં જ લીન રહે.
ગંગસાહેબ પણ કહે છે કે ભાણના શિષ્ય ખીમસાહેબ અને રવિસાહેબ તમો સદાય મને આપનો જન-આત્મજ માનીને આપના શરણમાં જ રાખો.
ગંગસાહેબ ગુરુકૃપાર્થી છે અને એની પાછળનું પરિબળ એમનું સહજ પ્રકારનું ભક્ત હૃદય કારણભૂત છે. સાધકે સાધના, સાધનાક્રિયા અને સિદ્ધિ પ્રાપ્તિ પછી પણ જે ઘટકો જાળવવાના છે. એનો હૃદયસ્પર્શી વાણીમાં પરિચય કરાવતી આ રચના. અજપાજાપની ક્રિયાને કથે છે. ગંગસાહેબે સનાતન સત્ય, સત્ત્વ અને તત્ત્વ અહીં આલેખેલું અવલોક્વા મળે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.