સાવધાન! SOBOના મોટરિસ્ટોને લૂંટવાનો નવો પેંતરો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

એન્જિનમાં આગ લાગી હોવાનું દર્શાવી પાર્ટ બદલી કરવાને બહાને રૂપિયા પડાવનારી ટોળકી સક્રિય

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: દક્ષિણ મુંબઈમાં મોટરિસ્ટોને લૂંટવા સક્રિય ટોળકી નવો પેંતરો અજમાવી રહી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. ટાયર પંક્ચરને બહાને કારને રોકી એન્જિનમાં આગ લાગી હોવાનું જણાવીને પાર્ટ બદલી કરવાને બહાને મોટી રકમ પડાવવામાં આવી રહી છે. આ મામલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હોઈ આવી ટોળકીથી નાગરિકોએ સાવધ રહેવાની જરૂર છે.
પવઈના હીરાનંદાની ગાર્ડન ખાતે રહેતા સિનિયર સિટીઝન શબ્બીર તાંબાવાલા (૭૪) સાથે રવિવારની સાંજે આવી જ ઘટના બની હતી. મેટલનો વ્યવસાય ધરાવતા તાંબાવાલા પત્ની સાથે દક્ષિણ મુંબઈથી પવઈ જવા નીકળ્યા હતા. પી ડિમેલો રોડ પરથી તેમની કાર પસાર થઈ રહી હતી ત્યારે બાઈક પર બે શખસ તેમનો પીછો કરી રહ્યા હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું હતું.
શબ્બીરભાઈએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે કારનું ટાયર પંક્ચર થયું હોવાનું જણાવીને બન્ને બાઈકસવારે ડોક્યાર્ડ રોડ સ્ટેશન નજીક તેમની કારને રોકી હતી. ત્યાર બાદ કારના એન્જિનમાંથી ધુમાડો નીકળી રહ્યો હોવાનું કહેવાતાં તેમણે કારનો બોનેટ ખોલ્યું હતું. બોનેટ ખોલતાં તેમાં કંઈ સળગી રહ્યું હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું હતું.
સેન્સરની વાયર ઉંદરે કતરી નાખી હોવાથી કાર સ્ટાર્ટ કરતાં સેન્સર સળગતું હોવાનું બન્ને જણે તાંબાવાલાને કહ્યું હતું. સંબંધિત કારનો ડીલર તેમનો મિત્ર હોવાથી તાત્કાલિક પાર્ટ બદલી નાખવાની ખાતરી તેમણે આપી હતી. તાંબાવાલાએ બેથી ત્રણ વાર કાર સ્ટાર્ટ કરી જોઈ અને તેટલી વાર એન્જિનમાંથી આગ નીકળતી હોવાનું જણાયું હતું. વળી, બાઈકસવારે કૉલ કર્યાના પાંચ જ મિનિટમાં તેમનો એક સાથી પાર્ટ સાથે આવી પહોંચ્યો હતો. પાર્ટની કિંમત સાડાછ હજાર રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું.
શબ્બીરભાઈએ માત્ર હજાર રૂપિયા આપવાની તૈયારી દાખવી હતી. બાઈકસવારોએ રકઝક કરતાં તેમની પત્નીએ વધુ હજાર રૂપિયા આપ્યા હતા. બાદમાં શબ્બીરભાઈએ તપાસ કરતાં એ પાર્ટ માત્ર ૭૦૦ રૂપિયાનો હોવાનું જણાયું હતું. આ રીતે મોટરિસ્ટોને છેતરી રૂપિયા પડાવવામાં આવતાં હોવાનું લાગતાં તેમણે ભાયખલા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.