Mumbai ના આ બ્રિજ પર ડાન્સ કર્યો તો તમારું આવી બનશે! ગણેશમંડળોને BMC એ આપી ચેતવણી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈના ૧૩ જોખમી પુલોની યાદી જાહેર કરી છે. ગણેશમૂર્તિના વિસર્જન દરમિયાન આ પુલ પરથી સરઘસ કાઢતા સમયે જોઈ અહીં ભીડ કરી કે પછી જોર જોરથી અહીં ડીજે વગાડ્યો અને ડાન્સ કર્યો તો એ ભક્તોનું અને ગણેશમંડળોનું આવી બનશે.

મુંબઈમાં રેલવે પાટા ઉપરથી પસાર થતા આ પુલોને પાલિકાએ જોખમી જાહેર કર્યા છે. આ પુલ વધુ વજન સહન કરી શકે એવી હાલત નથી. તેથી વિસર્જન દરમિયાન આ પુલ પરથી ફટાફટ પસાર થઈ જવું અને આ પુલ પર નાચ-ગાન કરવા નહીં એવી અપીલ પાલિકાએ કરી છે.

મુંબઈના આ ૧૩ જોખમી પુલમાં મધ્ય રેલવે પરના ચાર તો પશ્ર્ચિમ રેલવે પરના નવ પુલનો સમાવેશ થાય છે. આ પુલ જોખમી હોવાથી અમુકના સમારકામ ચાલી રહ્યા છે. તો અમુકના ચોમાસા બાદ બાંધકામ કરવામાં આવવાના છે. આ પુલો વધુ વજન સહન કરી શકે એવી હાલતમાં નથી.

પાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા જોખમી પુલમાં મધ્ય રેલવે પર ચાર પુલ છે, જેમાં ઘાટકોપર રેલવે ઓવરબ્રિજ, કરી રોડ રેલવે ઓવરબ્રિજ, સાને ગુરુજી માર્ગ (આર્થર રોડ) રેલવે ઓવરબ્રિજ અને ભાયખલા રેલવે ઓવરબ્રિજનો સમાવેશ થાય છે. તો પશ્ર્ચિમ રેલવે પરથી પસાર થનારા નવ પુલમાં મરીન લાઈન્સ રેલ ઓવરબ્રિજ, ગ્રાન્ટ રોડ અને મુંબઈ સેન્ટ્રલની વચ્ચે રહેલા ફૉકલેંડ રેલ ઓવરબ્રિજ, મુંબઈ સેન્ટ્રલ પાસે આવેલો બેલાસિસ પુલ, મહાલક્ષ્મી સ્ટીલ રેલ ઓવરબ્રિજ, પ્રભાદેવી કૅરોલ રેલ ઓવરબ્રિજ, દાદર ટિળક રેલ ઓવરબ્રિજ સહિત ગ્રાન્ટ રોડ અને ચર્ની રોડ દરમિયાન રહેલો સૅંડહર્સ્ટ રોડ રેલવે ઓવરબ્રિજ, ફ્રેંચ રેલ ઓવરબ્રિજ અને કેનડી રેલ ઓવરબ્રિજ આ પુલોનો સમાવેશ થાય છે.

કરી રોડ રેલવે ઓવરબ્રિજ, સાને ગુરુજી માર્ગ (આર્થર રોડ) રેલ ઓવરબ્રિજ અથવા ચિંચપોકળી રેલ ઓવરબ્રિજ અને ભાયખલા રેલ ઓવરબ્રિજ આ પુલ પર એકી સમયે ૧૬ ટન કરતા વધુ વજન થાય નહીં તેની કાળજી લેવાની અપીલ પણ પાલિકાએ કરી છે.

પાલિકાએ ગણેશભક્તોને ખાસ સૂચના પણ આપી છે કે મધ્ય રેલવે પરની ચિંચપોકલી રેલ ઓવરબ્રિજ (આર્થર રોડ) અને કરી રોડ રેલ ઓવરબ્રિજ પાર કરતા સમયે પાલિકા અને પોલીસે આપેલી સૂચનાનું સખતાઈપૂર્વક પાલન કરવું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.