પ્રમુખ ચિંતન – સાધુ આદર્શજીવનદાસ

અત્યારે ગણેશ ઉત્સવના દિવસો ચાલી રહ્યા હોવાથી સર્વત્ર ગણેશજીની ભક્તિનું સામ્રાજ્ય જોવા મળે છે. જનમાનસમાં રહેલા ગણેશજીના આવા આગવા સ્થાનના મૂળમાં તેઓનો ગુણગણ છે. જેમ કે તેઓની ઝીણી આંખો ચોકસાઈથી કાર્ય કરવાની પ્રેરણા આપે છે. તેઓના મોટા કાન સૌને સહાનુભૂતિથી સાંભળવાની શીખ આપે છે. તેઓનું વિશાળ ઉદર જગતની વિષમતાઓને પચાવી ઉદારતા દાખવવાનું શીખવે છે. તેઓની સૂંઢ જીવનમાર્ગમાં વાતાવરણને સૂંઘીને પગલાં મૂકવાનું સમજાવે છે.
ગણેશજીના ગુણોનો આ ચંદરવો આજના માનવજીવનને શાતા પમાડવા માટે ઘણો પ્રસ્તુત છે, કારણ કે આજે કાર્યને ચીવટથી કરવાની વૃત્તિને લૂણો લાગવાથી સમાજને ઘણી હાલાકી ભોગવવી પડે છે. તેનો દાખલો આપતાં જાણીતા લેખક ફાધર વાલેસે લખ્યું છે કે એક પાયલોટ બદલાતા હવામાન અનુસાર વિમાનના ઉડ્ડયનની તૈયારીરૂપ એક ગણતરી ચૂકી ગયો. તેથી તે હવાઈયાને સમયસર યોગ્ય ઊંચાઈ ન પકડતાં મકાન સાથે ટકરાઈ પડ્યું. આમ, કાર્યમાં ચોકસાઈ રાખવી તે માનવજીવનને ધબકતું રાખવા અને સમાજજીવનને ઉન્નત કરવા જરૂરી છે.
આવી ચીવટના ભંડાર સમા પ્રમુખસ્વામી મહારાજ તા. ૧૮/૩/૧૯૯૨ની સવારે ગાંધીનગરમાં અક્ષરધામની મુલાકાતે નીકળેલા. અહીં મુખ્ય સ્મારકમાં ભોંય પર પથરાયેલા આરસની વચ્ચે પિત્તળની પટ્ટીઓ જડવામાં આવેલી. ત્યાં આરસ અને પિત્તળનો સાંધો બરાબર લાગ્યો છે કે નહીં તે જોવા સ્વામીશ્રીએ ચંપલ કાઢીને ચરણને ફર્શના સાંધા પર ફેરવી જડતરકામની ચોકસાઈ તપાસી લીધી.
ગણેશજીની બીજી શીખ છે – સૌને સાંભળો, કારણ કે અન્યને સાંભળવાથી તેને સારી રીતે સમજી શકાય છે. અન્યને સારી રીતે સમજી શકવાથી તેને સારી રીતે સંભાળી શકાય છે. તેથી માનવીય સંબંધોમાં ઘર્ષણ ઘટે છે અને સંવાદિતા વધે છે.
આવી શ્રવણકળાના પણ સ્વામી હતા – પ્રમુખસ્વામી મહારાજ. તેઓએ પોતાના જીવનકાળ દરમ્યાન પચાસ લાખથીયે વધુ વ્યક્તિઓની સમસ્યાઓ વ્યક્તિગત સાંભળીને ઉકેલેલી. ઘણીવાર તો તેઓ જેવા સંતને ન છાજે તેવી વિગતો અંગે પણ લોકો તેઓ પાસે માર્ગદર્શન લેવા આવતા. જેમ કે તા. ૨૭/૧/૧૯૯૨ના રોજ પોતાના પુત્રને લઈ આવેલા એક આગંતુકે સ્વામીશ્રીને પૂછેલું : ‘બાપા! આ છોકરાને સંડાસ જવાની સેન્સ જ નથી. આપણે કહીએ ત્યારે જાય નહિ. પોતેય ના જાય ને પછી ચડ્ડી બગાડે.’
કોઈને પણ કંટાળો ઉપજે એવી આ વાતનો શાંતિથી પ્રતિભાવ આપતાં સ્વામીશ્રીએ પેલા નાદાન બાળકને સમજાવેલું કે હવે એવું ના કરતો, હોં! જાજરૂ જવાની ઇચ્છા થાય તો તરત કહેવું અને તેં જોયું હોય તો ત્યાં પહોંચી જવું ને કામ પતાવી દેવું. દબાવી ન રાખતો.’
આમ, માનવીની વાજબી કે વાહિયાત વાતોને પૂરા પ્રેમથી સાંભળનારા પ્રમુખસ્વામી મહારાજ કોઈપણ વિષમતાને પણ સહજતાથી પચાવી શકતા.
તા. ૨૨/૮/૧૯૯૧ની સવારે ન્યૂયોર્કમાં અલ્પાહાર લઈ રહેલા તેઓ સમક્ષ બી.એ.પી.એસ. સંસ્થા વિરુદ્ધ એક વ્યક્તિએ બહાર પાડેલી પત્રિકાની વાતો નીકળી. પરંતુ અપશબ્દોથી ભરેલા એ ફરફરિયાનું
આઘાતજનક મથાળું જ વંચાયું ત્યાં તો સ્વામીશ્રી ખડખડાટ હસી પડ્યા! એ હાસ્ય એવું મુક્ત હતું કે તેઓના મુખમાંથી ખાખરાનો ટુકડો પણ પડી ગયો.
સામાન્ય રીતે પોતાના અપમાનની વાત સાંભળી માનવી અકળાઈ જાય, મુરઝાઈ જાય, પણ અહીં તો મલકી ઊઠેલા સ્વામીશ્રીને જોઈ સંતોએ કહ્યું : ‘સ્વામી! આપણે આ લખનારાને કહેવું જોઈએ કે તે આવું શા માટે કરે છે ?’
‘ના. આપણે આપણું કાર્ય કરતા જવું. કોઈનોય વિરોધ કરવો નહીં. ભગવાન બધું જુએ છે.’
‘પણ આપણે કહીએ તેમાં વિરોધ ક્યાં છે ? તેને જાણ તો થવી જોઈએ ને કે તે ખોટું કામ કરે છે. ફૂંફાડો તો રાખવો.’
‘ફૂંફાડામાં પણ મોઢું દુખે. આપણે પહેલેથી જ વિરોધ કર્યો નથી. કોઈ કહે, મારે પણ સામે પ્રતિકાર કરવો નહીં. આપણે તો ક્ષમા..’ સ્વામીશ્રીએ જણાવેલું.
આ ઉદારતા સાથે વર્તતા તેઓ ઘણીવાર કહેતા : ‘પાંચને પૂછીને કામ કરવું.’
સ્વામીશ્રીના આ વિધાનમાં વિચારીને પગલાં ભરવાનો અનુરોધ છે.
આમ, ગણેશજીના જેવો ગુણગણ ધરાવતા તેઓને જોઈ એક મહારાષ્ટ્રીયન ધારાસભ્ય તા. ૨૮/૪/૨૦૦૯ના રોજ મુંબઈમાં બોલી ઊઠેલા કે ‘ઘળજ્ઞ પવળણ વ્રરુુ વળજ્ઞટજ્ઞ વે ઈલઇંજ્ઞ ઇંળણ બબ્રૂજ્ઞ વળજ્ઞટજ્ઞ વે ઉંઞજ્ઞયઘિ ઇંજ્ઞ ઇંળણ ઘેલજ્ઞ બબ્રૂજ્ઞ ઠજ્ઞ ઈલિ ટફવ શ્ર્નમળપઘિિ ઇંજ્ઞ ઇંળણ રૂવળ્ટ ર્બૈરૂજ્ઞ વે, શ્ર્નમળપઘિિ ધિ પવળણ વે’
વાચકો ! આપણે પણ ગણેશજીની મૂર્તિ સાથે તેઓના ગુણગણની પૂજા કરવાનું ન ચૂકીએ; એટલે કે તેઓના જેવા ગુણો આત્મસાત્ કરવા પ્રયત્ન કરીએ. આ તત્પરતા એ જ યથાર્થ ગણેશ પૂજન.

Google search engine