તન-દુરસ્તી મન-દુરસ્તી-મુકેશ પંડ્યા

આજે ‘તરોતાજા’ પૂર્તિનો પહેલો અંક તમારા હાથમાં આવશે ત્યારે ગણપતિ બાપ્પાની આગતાસ્વાગતાની તૈયારી પુરજોશમાં ચાલી રહી હશે. શરદઋતુની બીમારીવાળી ઋતુમાં ગણેશોત્સવ મનાવાય એ ખરેખર આપણા તન-મન માટે હિતકારી છે. આપણે આ દિવસો દરમ્યાન ગલીએ ગલીએ, મિત્રો કે સગાં-સ્નેહીઓના ઘરે દર્શન કરવા જઈએ છીએ, પણ ગણપતિનું ધ્યાનપૂર્વક દર્શન કરીએ છીએ ખરા? જો ધ્યાનથી દર્શન કરીએ તો શરદઋતુમાં જે બીમારીઓ આવે છે તેનું નિરાકારણ પણ તેમાંથી મળી શકે છે.
ગણેશજીને પ્યારી દૂર્વા આપણે તેમના મસ્તક પર ચઢાવીએ છીએ, પરંતુ જો ભાદરવાના પ્રખર તાપથી મસ્તક અને પૂરા શરીરને બચાવવું હોય તો આ દૂર્વાનું સેવન આપણે પણ કરવું જોઈએ. દૂર્વામાં થોડું પાણી નાખી તેને પીસી શુદ્ધ કપડામાં ગાળી આ પાણી પીવાથી પિત્તનું શમન થાય છે. ભાદરવાનો તડકો કે જેને અંગ્રેજો ઓક્ટોબર હીટ કહેતા હતા એની ગરમીથી શરીરમાં પિત્ત વધી જાય છે. એનાથી શરીરમાં એસિડિટી, માથાનો દુખાવો જેવી તકલીફો ભોગવવી પડે છે. શરીરને આવાં વિઘ્નોથી બચાવવું હોય તો વિઘ્નેશ્ર્વરે આપેલો આ દૂર્વાનો પ્રસાદ લેવો જ રહ્યો. દૂર્વાને આયુર્વેદમાં ગર્ભસ્થાપક ઔષધિનો પણ દરજ્જો આપવામાં આવ્યો છે. શરીરની ખોટી ગરમી દૂર કરીને તે ગર્ભસ્થાપન અને ગર્ભના પોષણ માટે ઉપયોગી બની રહે છે.
તમને વળી લાગતું હશે કે દૂર્વાથી વળી પિત્ત કે એસિડિટીનું શમન કેવી રીતે થાય? ચાલો એ પણ જોઈ લઈએ. અષાઢ-શ્રાવણના વરસાદથી ધરતી પર ઠેર ઠેર આ ઔષધિયુક્ત ઘાસ ઊગી નીકળે છે. ધરતીમાંથી ઉદ્ભવતા આ ઘાસને ધરો પણ કહેવાય છે. આ ધરોની પૂજા કરવાનો દિવસ પણ ગણેશોત્સવ દરમ્યાન આવે છે જેને ધરો આઠમ કહેવાય છે. ગરમીમાં શાતા આપનારી આ ધરોમાં પૃથ્વીમાંથી શોષેલા ક્ષાર જ હોય છે, જેમ કે કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયમ વગેરે વગેરે. આવી ક્ષારયુક્ત દૂર્વાનું પાણી આલ્કેલાઇન વોટર બની જાય છે.
કોઈ પણ ડોક્ટર કે વૈજ્ઞાનિકને પૂછશો તો કહેશે કે શરીરમાં આલ્કેલાઇન વોટર કેટલું ઉપયોગી છે. ખાસ કરીને ગરમીના દિવસોમાં તે શરીરમાં પ્રવેશી વધારાના પિત્તનો ક્ષય કરે છે. આ જ ઋતુમાં ગણેશોત્સ્વ અને ધરો આઠમ (દૂર્વાષ્ટમી) જેવા તહેવારો ઊજવાય એ કેટલું સુસંગત અને આપણી સંસ્કૃતિની શાન વધારનારું છે નહીં?
આપણે ત્યાં તહેવારોની ઉજવણીમાં અંધશ્રદ્ધા ઘૂસી ગઈ છે તેની પણ થોડી વાત કરી લઈએ, કારણ કે તેને સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ છે. આ દિવસો ગરમી વધારનારા હોઈ ઠંડું ખાવું એવો નિયમ તહેવારો અને વ્રતો સાથે જોડી દેવામાં આવ્યો હતો, પરંતુ કાળક્રમે તેનું ખોટુ અર્થઘટન થયું હોય એમ લાગે છે. શીતળા સાતમ કે ધરો આઠમ જેવા આ ઋતુમાં આવતાં વ્રતવિધાનોમાં શરીરની પ્રકૃતિ ઠંડી રહે તેવા પદાર્થ ખાવાના હતા, જ્યારે આપણે ઉષ્ણતામાનમાં ઠંડું ખાઈને વધુ બીમાર પડવા લાગ્યા. દૂધ ગરમ હોય તો પણ તેનું સેવન શરીરને ઠંડક જ પહોંચાડે છે. જ્યારે લસણની ચટણી ફ્રિજમાંથી કાઢીને ઠંડી ખાધી હોય તો પણ શરીરમાં ગરમી જ વધારે છે. શરદઋતુમાં એટલે જ તો ગરમ તાસીરવાળાં કાંદા-લસણ ખાવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે.
ગણપતિને કાંદા-લસણને બદલે લાડુ-મોદક ધરાવવાની પ્રથા પણ આ ઋતુને પારખીને જ બનાવવામાં આવી છે. ઘી, ગોળ અને ઘઉંના લોટમાંથી બનેલા લાડુ પિત્તનો નાશ કરી શરીરને પોષણ અને ઠંડક આપે છે. તો ચોખાના લોટ તેમ જ નાળિયેરમાંથી બનેલા મોદક આપણા શરીર-મસ્તકને ગણપતિ બાપ્પા જેવા શાંત અને શીતળ રાખે છે.
બાપ્પાના હાથી સ્વરૂપનું દર્શન કર્યું હોય તો ઘણી માનસિક ચિંતા કે વ્યાધિથી પણ દૂર રહી શકાય છે. તમે કાલે ગણપતિનાં દર્શન કરવા જાઓ તો તમારાં નયનોથી ગણપતિની બારીક આંખોનાં દર્શન અવશ્ય કરજો. તેમની બારીકાઈથી નિરીક્ષણ કરતી આંખોથી શીખવા મળે છે કે કોઈ પણ સંજોગોનું સૂક્ષ્મપણે અવલોકન કરી પછી યોગ્ય નિર્ણય લો તો દુ:ખી થવાનો વારો નહીં આવે. સૂપડું અનાજને માટી કે કચરાથી દૂર તારવે છે તેમ સૂપડા જેવા કાન સૂચવે છે કે કામની વાતો, હકારત્મક વાતો સાંભળો. નકામી વાતોને બહાર જ રાખો. નાનું મોં સૂચવે છે કે બોલવાનું ઓછું રાખશો અને સાંભળવાનું વધુ રાખશો તો તન-મનને ફાયદા જ થશે. તેમની લાંબી સૂંઢ પણ પરિસ્થિતિને બરાબર સૂંઘી લઈને પછી જ નિર્ણય લેવાનું કહે છે. મોટું પેટ કહે છે ઉદારતા રાખો. ક્યારેક નોકરી-ધંધામાં તમને ઓછું મળ્યું તો તેનો મોટું પેટ રાખી સ્વીકાર કરો. બીજાને વધુ મળ્યું, બીજો નોકરી-ધંધામાં ફાવી ગયો એ જોઈને ખોટો કચવાટ ન કરો. તેનાથી તો તમારી જ તબિયત બગડશે. કાલે ગણેશ દર્શન કરવા જાઓ તો માત્ર બાપ્પાનાં દર્શન ન કરતાં તેમનું નિરીક્ષણ અને અનુસરણ કરજો અને હા, આજથી જ જીવનમાં સકારાત્મકતા લાવો. શરદઋતુ આવી, બીમારી લાવી એવું ન વિચારતા, પણ ગણપતિ આવ્યા, તંદુરસ્તી લાવ્યા એવું વિચારજો.
વિઘ્નેશ્ર્વર તન-મનનાં વિઘ્નો દૂર કરવા જ પધારી રહ્યા છે.

Google search engine