ગાંધીનો જુનવાણી અભિગમ વૈજ્ઞાનિક સાબિત થઇ રહ્યો છે

ઉત્સવ

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

બ્રિટિશ લેખક-ચિંતક આલ્ડસ હક્સલે, અન્ય અજ્ઞાની અંગ્રેજોની જેમ, ભલે એકવાર મહાત્મા ગાંધીને પોતડી પહેરીને સાધુનું નાટક કરનાર ગણાવ્યા હતા, પરંતુ જેમ-જેમ એ ગાંધીને સમજતા થયા હતા, તેમ-તેમ તેમના મતમાં બદલાવ આવ્યો હતો. ૧૯૪૫માં ‘સાયન્સ, લિબર્ટી ઍન્ડ પીસ’ નામના પુસ્તકમાં હક્સલેએ કબૂલ કર્યું કે, ગાંધીના સામાજિક અને આર્થિક વિચારો વ્યવહારુ છે અને માનવ સ્વભાવને અનુકૂળ છે. વૈજ્ઞાનિકોએ નાના પ્રોજેક્ટો દ્વારા સૌર ઊર્જા અને હવા-પાણી જેવી પ્રાકૃતિક સંપદા પર સહકારી ધોરણે કામ કરવું જોઇએ. ૧૯૩૧માં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ગાંધી લંડન જઇ રહ્યા હતા, ત્યારે રોઇટર સમાચાર સંસ્થાના પત્રકારે એમને પૂછ્યું હતું કે તમારો પ્રોગ્રામ શું છે? ત્યારે ‘અળવીતરા’ ગાંધીએ કાગળમાં લખીને જવાબ આપ્યો હતો: ‘મારા સ્વપ્નનું ભારત. જે સ્વતંત્ર હોય, જે લોકોનું હોય, જ્યાં ઊંચ અને નીચ જાત ન હોય, જ્યાં સ્ત્રીઓ પ્રત્યે ભેદભાવ ન હોય, જ્યાં નશીલી ચીજો ન હોય અને જ્યાં નાનામાં નાનું લશ્કર હોય.’
આજે આપણે દેશમાં અને દુનિયામાં જે સામાજિક અને પર્યાવરણીય સમસ્યાઓ જોઈએ છીએ, ત્યારે એવું કુતૂહલ જરૂર થાય કે ગાંધીજી જીવતા હોત તો તેમણે સ્વતંત્ર ભારતની સરકાર કેવી હોવી જોઈએ અને તેનું બંધારણ કેવું હોવું જોઈએ તેના વિશે શું કહ્યું હોત અને કર્યું હોત?
ભારતના બંધારણનું શ્રેષ્ઠ ‘જીવનચરિત્ર’ લખનાર ગ્રેનવીલે ‘ઓસ્ટિન કોર્નર સ્ટોન ઑફ અ નેશન’માં લખે છે કે તે વખતે વૈકલ્પિક બંધારણનું સૂચન પણ થયું હતું, જેના કેન્દ્રમાં ભારતનું ગામડું હતું અને વિકેન્દ્રીય તથા અપ્રત્યક્ષ સરકારની ભલામણ હતી. મહાત્મા ગાંધી આ બંધારણના પક્ષકાર હતા. ગાંધી માનતા હતા કે ગામડાની જિંદગી આદર્શ નથી અને એમાં પરિવર્તન-સુધારની જરૂર છે, પરંતુ ગામડામાં જ સાદાઇ અને નીતિથી જીવી શકાય છે એ પણ એટલી જ સચ્ચાઇ છે.
ગાંધીએ ગ્રામસ્વરાજ કેન્દ્રિત બંધારણની બે યોજનાઓ ૧૯૪૬ અને ૧૯૪૮માં પેશ કરી હતી. બીજી દરખાસ્ત તો એ જ દિવસે આવી હતી જે દિવસે એમને ગોળી મારવામાં આવી હતી. કૉંગ્રેસને વિખેરી નાખવાનો ગાંધીનો ‘પ્રસિદ્ધ’ વિચાર આ બીજી પેશકશમાં હતો. તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસે રાજકીય વેશભૂષા ત્યજીને સામાજિક સેવા સંગઠન બની જવું જોઇએ અને પંચાયતોના દેશવ્યાપી નેટવર્કનું સંચાલન કરવું જોઇએ. અફકોર્સ, કૉંગ્રેસી નેતાઓએ આ સૂચન ફગાવી દીધું હતું.
૧૯૬૭થી ૧૯૭૩ સુધી ગુજરાતના રાજ્યપાલ રહેલા શ્રીમન નારાયણ અગ્રવાલે ‘સ્વતંત્ર ભારતનું ગાંધીવાદી બંધારણ’ લખ્યું હતું. આ શ્રીમન નારાયણ અર્થશાસ્ત્ર ભણેલા હતા અને ગાંધીના ચિંતનનું અર્થશાસ્ત્રની દૃષ્ટિએ અર્થઘટન કર્યું હતું. તેમનું આ બંધારણ ગાંધીજીના એ વિચારની આસપાસ હતું કે, હિંસાથી કેન્દ્રીયકરણ જન્મે છે. અહિંસાનો સાર વિકેન્દ્રીયકરણમાં છે.
તેમની આ યોજનામાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પ્રદેશ પંચાયત અને અખીલ ભારતીય પંચાયતના નેટવર્કની ભલામણ હતી. એમાં વિચાર એવો હતો અનિવાર્ય એવી બાબતો સિવાય રાજ્ય બીજી કોઇ બાબતોમાં દખલઅંદાજી ન કરે અને એની જવાબદારી પંચાયતના શિરે રહેવી જોઇએ. ગાંધીના આ બંધારણમાં નીતિવિષયક અને આર્થિક બાબતો પંચાયતના હાથમાં મૂકવાનું સૂચન હતું, જ્યારે અંગ્રેજોના વહીવટ અને સોવિયત સમાજવાદથી પ્રભાવિત તત્કાલીન નેતાગીરી કેન્દ્રીય સંગઠનના પક્ષમાં હતી.
બંધારણીય સભામાં ચર્ચા દરમિયાન ગાંધીવાદી સભ્યોએ પંચાયતોનું નેટવર્ક ઊભું કરવા માગણી કરી હતી, પરંતુ ડૉ. આંબેડકરે દેહાત અથવા ગામને યુનિટ માનવાના બદલે વ્યક્તિને યુનિટ માની હતી. આંબેડકરનું કહેવું એવું હતું કે ગામડું સંકીર્ણતા, અજ્ઞાનતા, અંધવિશ્ર્વાસ, સાંપ્રદાયિકતા અને સ્વાર્થ પૂરા કરવાનો અડ્ડો છે. બાબાસાહેબ કહેતા હતા કે રાજકીય અને સામાજિક સ્તરે ગ્રામીણ ગણતંત્રની નિષ્ક્રિયતાના કારણે જ ભારતનો નાશ થયો છે. આ દેશમાં હિન્દુ, પઠાણ, મોગલ, મરાઠા, શીખ અને અંગ્રેજોએ વારાફરતી રાજ કર્યું છે, પરંતુ પંચાયતો જેવી અને તેવી જ રહી છે. એમણે શત્રુઓનો પ્રતિકાર પણ નથી કર્યો, એમ આંબેડકરે કહ્યું હતું.
કૉંગ્રેસ કારોબારી સમિતિએ નીમેલી એક્સપર્ટ સમિતિએ જુલાઇ ૧૯૪૬માં સંધીય (ફેડરલ) અને સંસદીય સરકારની ભલામણ કરી હતી જેમાં ગાંધી કે શ્રીમન નારાયણના કોઇ વિચારને સ્થાન ન હતું. સંવિધાનની ડ્રાફ્ટિંગ ટીમે ઑક્ટોબર ૧૯૪૭થી ફેબ્રુઆરી ૧૯૪૮ સુધી ચાર મહિના બેઠક કરી હતી જેમાં અમેરિકન અને બ્રિટિશ બંધારણ તથા ૧૯૩૫ના ભારત સરકાર અધિનિયમમાંથી ઘણી બાબતો સમાવવામાં આવી હતી. ત્યાં સુધી કે સંવિધાનના એ ડ્રાફ્ટમાં ‘પંચાયત’ શબ્દનો પણ ઉલ્લેખ ન હતો. નવેમ્બર ૧૯૪૮માં ફેરવિચાર કરીને ડૉ. આંબેડકરે એક સુધારો માન્ય રાખ્યો હતો અને માર્ગદર્શક તત્ત્વોમાં ગ્રામ પંચાયતની સ્થાપનાનું ‘પ્રાવધાન’તરીકે સંવિધાનની કલમ ૪૦ અમલમાં આવી.
આંબેડકર હોય કે નહેરુ, સરદાર હોય કે અબ્દુલ કલામ આઝાદ, તે વખતની નેતાગીરી ગાંધીવાદી બંધારણના વિરોધમાં એકમત હતી. ભારતની ત્યારની ગરીબી અને સદીઓની પાયમાલી ગાંધીવાદી મોડલથી દૂર થઇ જશે એવું તે માનતા ન હતા. એમાંય ખાસ કરીને વિભાજનની ભયાનક હિંસા અને પાકિસ્તાનના ઉદયના કારણે એક વિશાળ સહમતી એવી બની હતી કે દેશને મજબૂત અને અખંડ રાખવો હોય તો શક્તિશાળી કેન્દ્રીય સરકાર અને તેજ ઔદ્યોગિક આર્થિક નીતિ અનિવાર્ય છે. ગાંધીજીએ છેલ્લે છેલ્લે રિસાઇ ગયા હતા તેનું કારણ આ હતું.
કેન્દ્રીય રાજ અને અર્થવ્યવસ્થા ભારત માટે સંપૂર્ણપણે કારગત નીવડી છે એવું આજે કોઇ કહી શકે તેમ નથી. સંદેહની એ શરૂઆત નહેરુથી જ થઇ ગઇ હતી. તેમના અંતિમ દિવસોમાં, દુનિયા જોઇ અને જાણી ચૂકેલા નહેરુ ગાંધીની ભાષામાં બોલતા થઇ ગયા હતા. ગાંધીએ વર્ષો અગાઉથી જે વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક અભિગમની વાત કરી હતી નહેરુ એનું રટણ કરવા લાગી ગયા હતા. ભારતમાં સામ્યવાદી પક્ષોના જનક એમ. એન. રોય, જે ગાંધીના તીખા ટીકાકાર હતા, તેમણેય કબૂલ કર્યું હતું કે ગાંધીના ધાર્મિક વચન તળેના બિનસાંપ્રદાયિક અભિગમને સમજવામાં તેણે ભૂલ કરી હતી અને ગાંધીના ચિંતનમાં ખરેખર તો નૈતિક, માનવીય અને સાર્વત્રિક ગુણ હતો.
રવીન્દ્રનાથ ટાગોરે આગાહી કરી હતી કે, પૂર્વ પહેલાં પશ્ર્ચિમ ગાંધીને સ્વીકારી લેશે. ભૌતિકવાદમાંથી પસાર થઇને પશ્ર્ચિમનો મોહભંગ થઇ ગયો છે. એટલે એમને ગાંધીની વાતો ગળે ઊતરતા વાર નહીં લાગે. પૂર્વ હજુ ભૌતિકવાદના મોહપાશમાં છે એટલે ગાંધી અપ્રાસંગિક લાગે છે, પણ ક્યાં સુધી?
આલ્ડસ હક્સલે, અ નોટ ઓન ગાંધી નામની એક પુસ્તિકામાં, મહાત્માના અંતિમ સંસ્કારને યાદ કરીને લખે છે, ગાંધીના શરીરને શસ્ત્રો લાવવા-લઇ જવાના વાહનમાં ચિતા પર લાવવામાં આવ્યું હતું. અંતિમયાત્રામાં ટેન્કો, સશસ્ત્ર વાહનો, સૈનિકો અને પોલીસો હતા. ઉપર ભારતીય હવાઈ દળનાં લડાકુ વિમાનો ચક્કર મારતાં હતાં. હિંસક જોર-જુલમનાં આ ઓજારો એ વ્યક્તિના સન્માનમાં પરેડ કરતાં હતાં જે અહિંસાની પૂજારી હતી. એ એક અનિવાર્ય વિડંબના હતી.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.