Homeઆપણું ગુજરાતગાંધીનગર: ખાનગી બસે સ્કૂલવાનને ટક્કર મારી, 10 બાળકો ઈજાગ્રસ્ત, એકની હાલત ગંભીર

ગાંધીનગર: ખાનગી બસે સ્કૂલવાનને ટક્કર મારી, 10 બાળકો ઈજાગ્રસ્ત, એકની હાલત ગંભીર

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત થયો હતો. પુરપાટ ઝડપે આવતી ખાનગી બસે સ્કૂલવાનને ટક્કર મારી હતી. સ્કૂલવાન પલટી જતાં 10 બાળકોને ઈજાગ્રસ્ત થયા છે. જે પૈકી એક બાળકને ગંભીર હાલતમાં અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
વહેલી સવારે એક સ્કૂલવાન કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓને લઈને જઈ રહી હતી ત્યારે ચ-6 સર્કલ પાસે ખાલી રોડ પર પુરપાટ ઝડપે આવતી ખાનગી બસે ટક્કર મારી હતી. સ્કૂલવાન પલટી જતાં વાતાવરણ બાળકોની ચિચિયારીઓથી ગુંજી ઉઠયું હતું. અકસ્માતના પગલે રાહદારીઓ અને સ્થાનિકો દોડી આવ્યા હતા અને બાળકોને બહાર કાઢ્યા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે બાળકોને હોસ્પિટલ લઇ જવાયા હતા.
સ્કૂલવાનમાં 12 બાળકો સવાર હતા. જેમાંથી 10 બાળકોને ઈજા પહોંચી છે. બાળકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જે પૈકી એકની હાલત ગંભીર જણાતાં તેને વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે એકને હાઇટેક અને એકને કે.ડી હોસ્પિટલમાં લઇ જવાયો છે. સદભાગ્યે હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી.
સ્થાનિકોએ બસના ડ્રાઇવરને પકડી પોલીસને હવાલે કર્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular