ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરતની ભાજપ સરકારની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધતી જાય છે. ખેડૂતો, તલાટીઓ, શિક્ષકો, વનકર્મીઓ બાદ હવે માજી સૈનિકો અને શહીદોના પરિવારજનોએ પડતર માંગણીઓને લઈને સરકાર સામે ફરીથી મોરચો માંડ્યો છે. રાજ્ય સરકારને અનેક વાર રજુઆતો કરવા છતાં યોગ્ય નિર્ણય ન લેવાતા માજી સૈનિકો અને શહીદોના પરિવારજનોમાં રોષની લાગણી છે. મોટી સંખ્યામાં માજી સૈનિકો આજે સવારથી ગાંધીનગર વિધાનસભા તરફ કૂચ કરી રહ્યા છે.ગાંધીનગર ચિલોડા ખાતે હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં માજી સૈનિકો ભેગા હતા. પોલીસે રસ્તો કોર્ડન કરી પ્રદર્શનકારીઓને શેહેરમાં જતા અટકાવ્યા છે.
નોંધનીય છે કે આ અગાઉ પણ માજી સૈનિકોએ 14 માંગણીઓને લઈને સરકાર સામે આંદોલન કર્યું હતું. અગાઉ રાજ્ય સરકારે માજી સૈનિકોની 5 માગણી સ્વીકારી લેવામાં આવી હતી. જોકે હજુ પણ બાકીની પડતર માગણીઓ બાબતે કોઈ હકારાત્મક નિરાકરણ નહીં આવતાં ફરીવાર માજી સૈનિકોએ સરકાર સામે મોરચો માંડ્યો છે, શહીદો જવાનના પરિવારો પણ આંદોલનમાં જોડાયા છે.
માજી સૈનિક તેમજ તેમના પરિવારો ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ જેવા સૂત્રોચ્ચાર કરતા હાથમાં તિરંગો લઇ ચિલોડા સર્કલ પાસે એકઠા થયા હતા. શહેરમાં પ્રવેશવાના માર્ગો પર ચુસ્ત પોલીસ- બંદોબસ્ત ગોઠવી દઈ વિધાનસભાને પોલીસ-છાવણીમાં ફેરવી દેવામાં છે.
ફરજ પર હાજર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પડતર માગણીઓને લઇને આર્મી કેમ્પ ખાતે માજી સૈનિકો એકઠા થયા છે. હાલમાં કોઈની પણ અટકાયત કરવામાં આવી નથી. ગાંધીનગરમાં થોડા દિવસ અગાઉ કલેક્ટરે 144ની કલમ લાગુ કરી છે. જેને લઇને માજી સૈનિકોને આગળ જતાં અટકાવી દેવાયા છે.

Google search engine