ભારતની વીરાંગનાઓ -ટીના દોશી
એ સ્ત્રી ગાંધીજીની માનસપુત્રી તરીકે જાણીતી થઇ, રાષ્ટ્રીય ચળવળના દરેક કાર્યક્રમમાં એણે ભાગ લીધેલો, પોતાનું સઘળું જરઝવેરાત મહાત્મા ગાંધીજીને એણે દાન કરી દીધેલું, બાલવિવાહ, બહુપત્નીત્વ અને દેવદાસીની પ્રથાને નાબૂદ કરવા એણે સરાહનીય કામ કરેલું, સ્ત્રીઓના સંપત્તિના અધિકાર અને સામાન્ય અધિકારોની સુરક્ષા માટે પ્રશંસનીય પ્રયાસ કર્યો, વિનોબા ભાવે સાથે ભૂદાન આંદોલનમાં પ્રશંસનીય કામગીરી કરી અને ૧૯૬૪માં પદ્મશ્રી પુરસ્કારથી ભારત સરકારે એને સન્માનિત કરી…
એનું નામ અંબુજામ્મલ… ભારતની સ્વતંત્રતામાં તમિળનાડુની અંબુજામ્મલનો સિંહફાળો રહ્યો છે. આ તમિળ સ્વતંત્રતા સેનાનીએ પોતાનું જીવન આઝાદી કાજે સમર્પિત કરી દીધું. સ્ત્રીઓના કલ્યાણને પ્રાથમિકતા આપી. તે નિયમિત રીતે ખાદીનું વણાટકામ કરતી. આર્થિક રીતે અત્યંત ધનાઢ્ય અને સંપન્ન હોવા છતાં માત્ર ગાંધીજીથી પ્રભાવિત થઈને તમામ ભૌતિક સુખસુવિધાઓનો એણે ત્યાગ કરેલો.
અંબુજામ્મલ સામાજિક અને રાજકીય સુધારક હતી. ભારતની સ્વતંત્રતામાં અમૂલ્ય પ્રદાન કરેલું એણે. તમિળનાડુના માયલાપુરના રૂઢિચુસ્ત કુટુંબમાં ૮ જાન્યુઆરી ૧૮૯૯ના જન્મ. માતા રંગાનાયકીમ્મલ અને પિતા શ્રીનિવાસ આયંગારની લાડકી ક્ધયા. એક માત્ર સંતાન. કૌટુંબિક મૂળિયાં રામનદ જિલ્લામાં.
શ્રીનિવાસ આયંગાર મદ્રાસમાં અગ્રણી વકીલ હતા. સ્વાતંત્ર્ય સૈનિક હતા. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના નેતા હતા. તત્કાલીન રિવાજ મુજબ, ૧૯૧૦માં નાની ઉંમરે અંબુજામ્મલનાં લગ્ન કુંબકોનમના સામાન્ય ખેડૂત પરિવારના એસ. દેસિકાચારી સાથે થયાં. દેસિકાચારી વ્યવસાયે વકીલ હતા. અંબુજામ્મલે શિક્ષક તરીકેની તાલીમ લીધી. શારદા વિદ્યાલય ક્ધયાશાળામાં ખંડ સમયની શિક્ષિકા બની. પણ દેશ માટે કાંઈક કરી છૂટવાની ભાવનાને કારણે પિતાને પગલે ચાલીને રાષ્ટ્રીય ચળવળમાં ઝુકાવ્યું.
મહાત્મા ગાંધીએ સ્ત્રીઓને આઝાદી આંદોલનમાં જોડાવાની દેશવ્યાપી હાકલ કરેલી. ગાંધીવિચારથી પ્રેરાઈને અંબુજામ્મલ સ્વતંત્રતા સંગ્રામમાં જોડાઈ. ગાંધીજી મદ્રાસ આવતા ત્યારે શ્રીનિવાસ આયંગાર એમને ઘેર તેડાવતા.. ૧૯૨૦ના અરસામાં ગાંધીજી અને કસ્તૂરબાએ શ્રીનિવાસને ઘેર ઉતારો રાખેલો. દંપત્તીના સત્સંગનો લાભ અંબુજામ્મલને મળ્યો. ગાંધીજી અને કસ્તૂરબાની સાદગી જોઇને પ્રભાવિત થઇ. અંબુજામ્મલ એ જ ઘડીએ એમની ભક્ત બની ગઈ.
આ ગાળામાં અસહકાર આંદોલન શરૂ થયેલું. અંબુજામ્મલ આંદોલનમાં જોડાઈ ગઈ. ખાદીને અપનાવી લીધી. ચરખો કાંતવાનું શરૂ કર્યું.. અંબુજામ્મલના રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણમાં રાજકીય રસ નહીં, પણ અંગત વિચારોએ ઇંધણ પૂરેલું, એક દિવસ માદીકરી થોડા સમય માટે સાબરમતી આશ્રમમાં રહેવાં ચાલ્યાં ગયાં.
આશ્રમથી બન્ને પાછાં ફર્યાં એને કેટલોક સમય વીતી ગયો. દરમિયાન, ગાંધીજી ફરી એમના મહેમાન બન્યા. વર્ષ ૧૯૨૫. વાયકોમ સત્યાગ્રહ ચરમસીમાએ હતો. વંચિતોના મંદિરપ્રવેશ મુદ્દે થયેલા વાયકોમ સત્યાગ્રહમાં પ્રવાસ કરતી વેળાએ ગાંધીજી અંબુજામ્મલને ઘેર રોકાયા. રોકાણ દરમિયાન ગાંધીજીએ અંબુજામ્મલને એક પુસ્તક વાંચવા અને અભિપ્રાય વ્યક્ત કરવા માટે આપ્યું. મધર ઇન્ડિયા શીર્ષક ધરાવતા આ પુસ્તકનાં લેખિકા મિઝ માયો અમેરિકન હતાં. લેખિકાએ પુસ્તકમાં ભારતીય સ્ત્રીનું અભણ, નિરક્ષર, રસોડાની ચાર દીવાલમાં ગોંધાઈ રહેતી અને બહારની દુનિયા વિશે સાવ અજ્ઞાત હોવાનું ચિત્રણ કરેલું. અંબુજામ્મલે પુસ્તકના વર્ણનને વાહિયાત ગણાવ્યું. ગાંધીજીએ કહ્યું, ‘ભારતીય સ્ત્રીઓને સાચો રાહ બતાડે આવો કોઈ માર્ગદર્શક કે આગેવાન નથી. એથી ભારતની સ્ત્રીની શક્તિ નિષ્ક્રિય બનીને વેડફાઈ રહી છે.’ આમ કહીને ગાંધીજીએ અંબુજામ્મલને સ્ત્રીઓના ઉદ્ધાર માટે કાર્યરત થવાનું કહ્યું. અંબુજામ્મલે પીડિત સ્ત્રીઓના કલ્યાણ માટે કામ કરવાનો સંકલ્પ કર્યો.
સામાજિક કાર્યો કરવાની સાથે રાષ્ટ્રીય ચળવળમાં પણ ઉત્સાહથી અંબુજામ્મલ સહભાગી થતી. ગાંધીજીની માનસપુત્રી તરીકે પંકાવા લાગી. ૧૯૩૦માં નાગરિક અસહકારની ચળવળમાં ભાગ લીધો. મદ્રાસના રતન બજારમાં વિદેશી વસ્ત્રોનો બહિષ્કાર કરવાની કામગીરી સુપેરે પાર પાડી. વિલાયતી કાપડ વેચતી દુકાનની બહાર ઊભાં રહીને પિકેટિંગ કરતી. લગાતાર દસ દિવસ સુધી તેણે બહાદુરીથી બહિષ્કારની કામગીરી કરી. પરંતુ પોલીસે ધરપકડ કરી. જોકે વકીલ પિતાની મધ્યસ્થીથી પુત્રીને જેલવાસ ન થયો.
બે વર્ષ પછી… વર્ષ ૧૯૩૨. કૉંગ્રેસે ‘થર્ડ ડિક્ટેટર’ તરીકે અંબુજામ્મલની નિયુક્તિ કરી. ‘થર્ડ ડિક્ટેટર’ એટલે ‘ત્રીજા તાનાશાહ’ નહીં. એનો અર્થ એવો થાય કે જેના સઘળાં આદેશ માનવાની સૂચના અપાઈ હોય તેવી વ્યક્તિ. સર્વસત્તાધીશ. કૉંગ્રેસના ‘થર્ડ ડિક્ટેટર’ તરીકે અંબુજામ્મલે પરદેશી વસ્ત્રોનો બહિષ્કાર કરતાં સત્યાગ્રહીઓના સરઘસનું નેતૃત્વ કર્યું. પોલીસે એની ધરપકડ કરી. વેલ્લોર જેલમાં છ મહિનાનો કારાવાસ થયો.
જેલમાંથી બહાર આવીને અંબુજામ્મલ ફરી આઝાદી આંદોલનમાં જોડાઈ ગઈ. માતામહ સર વી. ભાષ્યમ આયંગાર સાથે મળીને અંબુજામ્મલે મદ્રાસ સ્વદેશી લીગની સ્થાપના કરી. વી. ભાષ્યમ મદ્રાસ પ્રેસિડેન્સીમાં નીમાયેલા ભારતીય મૂળના પ્રથમ એડવોકેટ-જનરલ હતા. અહિંસાના સિદ્ધાંતને આધારે જેટલી ચળવળો થઇ એ તમામના કાર્યક્રમોમાં સ્વદેશી લીગના છત્ર હેઠળ એણે ભાગ લીધો. વિવિધ બેઠકોનું આયોજન કર્યું, સરઘસો કાઢ્યાં, ખાદીનું વેચાણ કર્યું તથા દારૂનાં પીઠાં અને વિલાયતી વસ્ત્રોની દુકાન પર પિકેટિંગ કર્યું.
દરમિયાન, કૃષ્ણાબાઈ અને કામેશ્વરી નામની મહિલાઓએ સ્ત્રીઓ માટે અલગ રાષ્ટ્રીય સંગઠનની સ્થાપના કરી. વીમેન સ્વદેશી લીગ એવું નામકરણ કર્યું. એમાં જોડાવા માટે અંબુજામ્મલને આમંત્રણ આપ્યું. આ સંગઠન દ્વારા અંબુજામ્મલ અને અન્ય સ્ત્રીઓએ ગાંધીજીના સિદ્ધાંતોનું પાલન કર્યું. ખાદીના પ્રચાર પ્રસારનું અભિયાન આરંભ્યું. ચરખો કાંતવાના અને હિંદી ભાષા શીખવતા વર્ગો શરૂ કર્યા. ગાંધીજીના સામાજિક-આર્થિક કાર્યક્રમોના અમલીકરણ માટે કૉંગ્રેસની બિનરાજકીય પાંખ તરીકે કાર્યરત થયેલી. લીગના સભ્યો સ્વદેશીની પ્રતિજ્ઞા કરતાં. કાંતવાના સોગંદ લેતાં અને હાથવણાટના વસ્ત્ર પરિધાન કરવાનું મૂલ્ય સમજાવતાં.
ધીમે ધીમે લીગનું ફલક વિસ્તર્યું. સ્ત્રી કાર્યકરોનું સ્વયંસેવિકા’ નામનું જૂથ રચાયું. સ્વયંસેવિકાઓ બેઠકો યોજવામાં સહાય કરતી. સાથે જ સ્વદેશી સામગ્રીનું વેચાણ કરતી અને ખાદીનાં વપરાશને બળ મળે એ માટે એનો પ્રચાર કરતી. જોકે ૧૯૩૪ આવતાં આવતાં તો લીગ સાથે જોડાયેલી સઘળી સ્ત્રીઓએ એક કે બીજા કારણસર સંગઠન છોડ્યું. પાછળ રહી અંબુજામ્મલ. એણે થોડા દિવસ ગાંધીજી સાથે વર્ધા આશ્રમમાં ગાળવાનો નિર્ણય કર્યો. શરૂઆતમાં પિતા આયંગાર પુત્રીને મોકલવા રાજી નહોતાં, પણ અંબુજામ્મલ ઉપવાસ પર ઊતરી ગઈ. એથી પિતાએ દીકરીને આશ્રમ જવાની મંજૂરી આપી. અંબુજામ્મલ ત્રણ મહિના વર્ધા આશ્રમમાં રહી. આશ્રમની કડક શિસ્ત, કઠોર અનુશાસન, સાદગીભર્યું જીવન, સાદું ભોજન અને શારીરિક શ્રમ… આ અનુભવો એના માટે નવીનતમ પુરવાર થયા.
આશ્રમનો અતુલનીય અનુભવ ગાંઠે બાંધીને અંબુજામ્મલ પછી આવી અને સામાજિક તથા રાજકીય પ્રવૃત્તિઓમાં પરોવાઈ ગઈ. થોડો સમય વીત્યો. એવામાં અસ્પૃશ્યતા નિવારણ અને દલિત ઉદ્ધારની ઝુંબેશ આગળ વધારવા ગાંધીજી ૧૯૩૬માં ફરીથી મદ્રાસ પધાર્યા. અંબુજામ્મલે કૉંગ્રેસની સ્ત્રી પાંખની મહિલાઓ સાથે ગાંધીજીની એક બેઠકનું આયોજન કર્યું. ગાંધીજીએ સ્ત્રીઓની ઘરેણાં માટેની ઘેલછા અને વળગણનો આ બેઠકમાં જોરશોરથી ઉપહાસ કર્યો. ગાંધીજીએ અલંકારોનો મોહ છોડી દેવા તથા વંચિતોના ઉદ્ધાર અંતે એ દાગીના દાન કરી દેવાનું સૂચન કર્યું. પરિણામે ઘણી સ્ત્રીઓએ પતિને કે ઘરના વડીલોનેય પૂછ્યા વિના પોતાનાં બધાં આભૂષણ દલિત કલ્યાણની પ્રવૃત્તિ માટે ગાંધીજીને દાનમાં આપી દીધાં. અંબુજામ્મલે પણ પોતાનાં મહામૂલાં હીરા, રત્ન અને માણેક સહિતનાં આભરણો ગાંધીજીને ચરણે ધરી દીધાં. ગાંધીજીએ દાગીનામાંથી નાણાં ઊભાં કરીને વર્ધા નજીક સેવાગ્રામમાં મહિલાશ્રમનું નિર્માણ કર્યું.
દેશ આઝાદ થયા પછી પણ અંબુજામ્મલ સ્ત્રીઓ માટે કામ કરતી રહી. સ્વતંત્રતા મળ્યાં પહેલાં અને સ્વતંત્રતા મળ્યાં પછી પણ રાષ્ટ્રસેવાને સમર્પિત થયેલી અંબુજામ્મલ જેવી સ્ત્રીઓને જોઇને કહેવાનું મન થાય કે, ખરેખર… નારી તું નારાયણી છે!