મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા
બે દિવસ પહેલાં જ ગાંધીજીની નિર્વાણ તિથિ ગઈ.ગાંધીજીને યાદ કરીએ. તેમનાં કાર્યોને યાદ કરી તેમણે ચીંધેલા માર્ગે ચાલવા પ્રયત્ન કરીને સાચી શ્રદ્ધાંજલિ આપીએ.
દુનિયામાં આજ સુધી અનેક ક્રાંતિકારી લોકો આવ્યા છે. હિટલર, મુસોલીની, લેનિન, અબ્રાહમ લિંકન વગેરે. આ બધા લોકોએ પોતાના દેશને સ્વતંત્ર બનાવવા માટે અનેક પ્રયત્નો કર્યા,છતાં પણ તેમને કોઈએ મહાત્મા હિટલર, મહાત્મા મુસોલીની, મહાત્મા લેનિન કે મહાત્મા લીંકન કહ્યા નથી. દુનિયાની ક્રાંતિના ઇતિહાસમાં એક જ એવી ક્રાંતિકારી વિભૂતિ છે, જેને લોકો મહાત્મા કહે છે, અને એ છે મહાત્મા ગાંધી. લોકો એમને મહાત્મા શા માટે કહે છે? શું તેમણે આઝાદી અપાવી એટલા માટે ? આઝાદી તો બીજા કેટલાય લોકોએ અપાવી છે, તેમ છતાં એમને મહાત્મા નથી કહેતા તો ગાંધીજીને ‘મહાત્મા’ શા માટે કહે છે ? કારણ એ છે કે એમણે સત્ય અને અહિંસા મારફતે આઝાદી મેળવવાનો પુરુષાર્થ કર્યો છે. ભારતને આધ્યાત્મિક માર્ગે સ્વતંત્ર કરવાનો એમણે પ્રચંડ પ્રયત્ન કર્યો છે.
ગાંધીજીને ૧૯૩૦ માં જેલવાસ થયેલો ત્યારે ગાંધીજી યરવડા જેલમાં હતા. યરવડા જેલનું નામ ગાંધીજીએ યરવડા મંદિર પાડેલું. આ સમયે ગાંધીજી તેમનો સમય, તેમને મળતા છાપાં વાંચી, રેંટિયો કાંતિ કે પછી ગીતાના મનનમાં ગાળતા. એ સમયે એક બે ભાઈઓ તરફથી એવી રજૂઆત થઈ કે સાબરમતી આશ્રમના જીવનમાં વધુ ચેતન રેડવાની આવશ્યકતા છે. આથી ગાંધીજીએ આશ્રમવાસીઓ પર સાપ્તાહિક પત્રો લખવાનું શરૂ કર્યું.કોઈપણ કાર્ય નિયમિત થવું જોઈએ, એવો ગાંધીજીનો આગ્રહ હોવાથી દર મંગળવારની સવારની પ્રાર્થના પછી એક પ્રવચન લખી મોકલવાનો એમણે સંકલ્પ કર્યો. આ પ્રવચનો દર મંગળવારના રોજ પ્રભાતના સમયે લખાતાં હતાં. આથી આ પ્રવચન સંગ્રહનું નામ ‘મંગળ પ્રભાત’ જ રાખ્યું છે.
આ પ્રવચનોની શરૂઆત તારીખ ૨૨ :૭::૧૯૩૦ ના રોજથી થઈ. ‘સત્ય’ વિષય ઉપરથી શરૂઆત કરી તારીખ ૨૧:૧૦::૧૯૩૦ ના રોજ ‘સ્વદેશી વ્રત’ વિષયના પ્રવચનથી પૂર્ણાહુતિ થઈ. આ વ્રતો માંહેના નવમું વ્રત ‘જાત મહેનત’ વિશે તારીખ ૧૬:૯::૧૯૩૦ ના રોજ પ્રવચન થયેલું. તે અંગે થોડો પ્રકાશ અત્રે પાડીશું.
‘જાત મહેનત ઝિંદાબાદ’ એવું આપણે ઘણી વખત બોલીએ છીએ. આ વિચારને પોષે તેવી ઘણી ઉકિતઓ વિશે પણ આપણે જાણીએ છીએ. જેવી કે ‘નવરું મન નખોદ કાઢે.’ ‘ખાલી મન શયતાનનું ઘર બની જાય છે.”Empty mind is devils workshop.’
શરીર એ ધર્મનું સૌથી પહેલું સાધન છે. “A sound mind in a sound body.’‘તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત આત્મા હોય છે.’
આ અને આવી અનેક ઉક્તિઓ દ્વારા શરીર શ્રમ – જાત મહેનતનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. દુનિયાના ૯૦ ટકા લોકોનો જીવન નિર્વાહ ખેતીથી ચાલે છે.બાકીના ૧૦ ટકા પણ અનુકરણ કરે તો, જગતમાં કેટલું સુખ, શાંતિ અને આરોગ્ય ફેલાય? જાત મહેનતના ફાયદાને સૌ સ્વીકારે તો ઊંચ નીચના ભેદ મટી જાય.આજે માલિક – મજૂરનો ભેદ પેસી ગયો છે.ગરીબ – ધનિકની અદેખાઈ જોવા મળે છે. બધા જ રોટી પૂરતી મજૂરી કરે તો,આ ભેદ ટળે. પોતાને માલિક નહીં પણ ટ્રસ્ટી સમજે તો આ ભેદ ટળે. પણ કમભાગ્યે આજે સાર્વત્રિક શ્રમ ઘટી રહ્યો છે.અરે! ખેડૂતો પોતાની જમીનમાં પણ શ્રમ કરતા નથી, પર પ્રાંતીય મજૂરો પાસે મજૂરી કરાવી માલિક પદ ભોગવે છે. અથવા તો પોતાની જમીન વેચી અન્ય ધંધા રોજગાર તરફ વળે છે. જાત મહેનતનો અર્થ એટલો જ કરવાનો છે કે એક યા બીજા પ્રકારે શ્રમ દ્વારા ઉત્પાદન થવું જોઈએ.શ્રમની સૂગ દૂર થવી જોઈએ.
દેશમાં અંગ્રેજોના આગમન પછી કારકુનો પેદા કરવાનું શિક્ષણ દાખલ થયું. આથી સૌના માનસમાં વ્હાઈટ કોલર જોબની અસર બેસી ગઈ, જે આજે પણ ગઈ નથી.આજે આપણા દેશમાં શિક્ષિત બેકારોનો રાફડો ફાટ્યો છે. બેકારીનું વાસ્તવિક કારણ વ્હાઈટ કોલર જોબ છે. કોઈને ખેતી કરવી નથી. કડિયા કામ, મિસ્ત્રી કામ કે નાના ધંધા – રોજગારી આપે તેવા કારીગર નથી બનવું.આવા વ્યવસાયોને હલકા ગણવામાં આવે છે. બાકી આવા વ્યવસાય કરનાર વ્હાઈટ કોલર જોબની કમાણી કરતાં પણ વધુ રળતર મેળવે છે. આથી જ ગાંધીજીએ બુનિયાદી શિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો.ગાંધીજી કહેતા દરરોજ આઠ કલાક કામ કરવું જોઈએ. પોતે ૧૯૨૧ થી દરરોજ અડધો કલાક રેંટિયો કાંતવાનું વ્રત લઈ,આજીવન નિભાવ્યું હતું. ગાંધીજીએ પોતાની જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં તો ૧૮- ૨૦ કલાક કામ કરેલું. જાપાનમાં હિરોશિમા અને નાગાસાકી ઉપરના અણુ બોમ્બ બ્લાસ્ટ પછી દરેક કર્મચારીઓને વધુ કામ કરવાની ફરજ પાડવામાં આવેલી. અમુક વર્ષો પછી લક્ષ્યાંકો પૂર્ણ થવાથી આવી વિશેષ સેવા ફરજ બંધ કરવામાં આવી, તો કર્મચારીઓએ હડતાલ પાડેલી. અમારું કામ શા માટે લઈ લેવામાં આવ્યું ? અમને વધુ કામ આપો. હડતાલ પાડવાની કેવી ઊંચી રીત ?! અને આપણા દેશમાં ? રજાના દિવસો વધારો.કામના દિવસો ઘટાડો.આવી હડતાલ પાડવામાં આવે છે.
ગાંધીજી બધાને પોતપોતાના સફાઈકર્મી થવાની વાત કરી છે. પોતાનું જાજરૂ પોતે સાફ કરે. સફાઈકર્મીનો નોખો ધંધો કલ્પવાને ગાંધીજીએ મહા દોષ ગણ્યો છે.આ ભાવના બચપણથી જ પેસવી જોઈએ.સમાજના ઉપયોગી કોઈપણ કામને ગાંધીજી હલકું ન ગણતા. શ્રી કૃષ્ણ ભગવાને પણ સમાજને ઉપયોગી કોઈ કામને હલકું ગણ્યું નથી.પોતે રાજસૂય યજ્ઞમાં દ્વારપાળ તરીકેની ભૂમિકા ભજવેલી. ભોજન સમારંભમાં એઠાં પતરાળાં પણ ઉપાડેલાં. તો વળી મહાભારત યુદ્ધમાં અર્જુનના રથના સારથિ તરીકેનું કામ તેઓએ કરેલું.
ધર્મશાસ્ત્રમાં પણ જાત મહેનતને મહત્ત્વ આપવામાં આવ્યું છે. ઈશોપનિષદમાં ‘કામ કરતા કરતા શતાયુ થાઓ’ની વાત કરવામાં આવી છે. તો વળી, બાઇબલમાં ‘બ્રેડ લેબર’ અર્થાત ‘રોટી ને સારું મજૂરી’ની વાત કરી છે. ‘તારી રોટી તું પસીનો પાડીને કમાજે અને ખાજે.’ ગીતાના ત્રીજા અધ્યાયના બારથી ચૌદ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે યજ્ઞ કર્યા વિના ખાય છે તે ચોરીનું અન્ન ખાય છે. અહીં યજ્ઞનો અર્થ શ્રમ કરવાનો છે.
આજે મોટી સમસ્યા એ થઈ છે કે જે લોકો પૂરતો શ્રમ કરે છે, તેને પૂરતું ખાવા મળતું નથી અને જેને પૂરતું ખાવા મળે છે તે શ્રમ કરતો નથી. એક ખાવાનું ન મળવાને કારણે મરે છે, તો બીજો ખાઈ ખાઈને મરે છે. એક ગરીબ બીજો અમીર. એક શ્રમજીવી બીજો વિશ્રામજીવી. એક ઉત્પાદક બીજો ઉપભોક્તા.
એરિક ફ્રોમના એક પુસ્તક The sane Society‘શાણો સમાજ’માં વર્ણવ્યું છે કે દરેકે પૂરતો ખોરાક અર્થાત ઘસારો પૂરો કરવા જેટલો લેવો જોઈએ.પૂરતો શ્રમ અર્થાત થાક લાગે તેટલો કરવો જોઈએ અને જરૂર પૂરતો આરામ કરવો જોઈએ.
“From each according to his necessity’ અર્થાત્ શક્તિ પ્રમાણે કામ અને આવશ્યકતા પ્રમાણે દામ સૌને મળવા જોઈએ.
ગાંધીજીએ ૩ H – Head,Heart and Hand ની કેળવણી ઉપર ભાર દેવાની વાત કરી છે.ત્રણેયના સમન્વય યુક્ત કાર્યોને મહત્ત્વ આપવાની વાત કરી છે. ગૃહ – ગ્રામ ઉદ્યોગને વિકસાવવાની હિમાયત કરી છે.વિનોબાજી કહેતા,‘એક પેટ ભરવા ભગવાને બે હાથ આપ્યા છે, બે હાથ કામ કરે તો પેટ ભરવું મુશ્કેલ નથી.’ જાણીતા કવિ ઉમાશંકર જોશીએ યથાર્થ જ કહ્યું છે,
‘ત્રણ વાનાં મુજને મળ્યાં:
હૈયું,મસ્તક ને હાથ,
બહુ દઈ દીધું નાથ !
જા, હવે ચોથું નથી માગવું !
આપણા દેશનો ગ્રામ સમાજ છ માસ બેકાર રહેતો. આથી ગાંધીજીએ રેંટિયો દાખલ કર્યો. આજે આ રેંટિયાનું સંસ્કરણ થઈ, વિકાસ પામી અંબર ચરખા સુધી પ્રગતિ થઈ છે. અનેક ગામો બેઠા થઈ ગયા છે. ગાંધીજીએ દરેક ખાનારને કામ કરવાની ભલામણ કરી છે. કામ એ પૂજા છે.”Work is worship.’ આવો ભાવ પેદા થાય તો જ સમાજ ઊંચો આવે. આવો, આપણે શ્રમ નિષ્ઠ સમાજની રચના કરીએ અને દેશનું નવનિર્માણ કરીએ.શ્રમ -શ્રમિકની પ્રતિષ્ઠા સમાજમાં ઊભી કરીએ.