કારણ-રાજકારણ -ડૉ. હરિ દેસાઈ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સામાન્ય છબી ગંભીર મુદ્રા અને કામગરા વ્યક્તિત્વની રહી છે, પરંતુ આ “મિકી માઉસ (કૉંગ્રેસ પ્રમુખ રહેલાં સરોજીની નાયડુ એ નામે મહાત્માને બોલાવતાં!) તો જેલમાં હોય કે બ્રિટિશ બાદશાહ જ્યોર્જ પંચમ સાથેની મુલાકાતમાં હોય;મજાકમસ્તી અને વિનોદ એમની વિશેષતા રહી.એટલે તો પંડિત જવાહરલાલ નહેરુએ આત્મકથામાં નોધ્યું કે જેણે મહાત્માજીની હાસ્ય મુદ્રા ના નિહાળી હોય એ વ્યક્તિ ખૂબ અમૂલ્ય બાબતથી વંચિત રહી ગયેલી ગણાય.સ્વયં ગાંધીજી એમ કહેતાં કે સેન્સ ઓફ હ્યુમર ના હોત તો મેં આત્મહત્યા કરી લીધી હોત કે હું પાગલ થઇ ગયો હોત. યરવડા જેલમાં બાપુ અને સરદાર પટેલ વચ્ચેના હાસ્યના પ્રસંગો તો અનેકોને પેટ પકડીને હસાવે તેવા હતા. થોડ વખત પહેલાં વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હવે સંસદમાં વિનોદ સૂકાતો જાય છે, પણ આઝાદીના સંગ્રામમાં જેલમાં કે આશ્રમમાં કે પછી મહત્વની મંત્રણાઓ વચ્ચે પણ મહાત્મા ગાંધી સહિતના રાષ્ટ્રીય નેતાઓ હસીમજાક કરી લેતા હતા. વિષમ પરિસ્થિતિમાં હળવાશ આણવા માટે ઠઠ્ઠામશ્કરી ખૂબ અનિવાર્ય બની જતી અને એ કોઈ ડંખ વગરની તથા બધાને હળવાફૂલ રાખે તેવી રહેતી. ગાંધીજીના વેવાઈ અને આઝાદ ભારતના પહેલાં હિંદી ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારી તો મહાત્માને માટે મેન ઓફ લાફ્ટર કહેતા. ગાંધીજી પણ પોતાના સાથીઓની ટેર લેવામાં અને નોખાં નામથી બોલાવવામાં ક્યાં પાછા પડતા હતા! એમને સરોજીની નાયડુ ‘મિકી માઉસ’નામથી નવાજતાં હતાં અને મહાત્મા એમને ‘ડિયર બુલબુલ’, ‘ડિયર મીરાબાઈ’ કે પછી ‘અમ્માજાન’ અથવા ‘મધર’ લખતા.
ચર્ચિલે અર્ધનગ્ન ફકીર કહ્યા
બ્રિટિશ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલ તો ઉપવાસમાં ગાંધી મરે એની પ્રતીક્ષામાં રહેતા હતા. પોતડી પહેરનાર મહાત્માને ચર્ચિલ અર્ધનગ્ન ફકીર કહેવાનું પસંદ કરતા હતા. મહાત્મા હાસ્ય અને વિનોદની મૂરત હોવાની સાથે બિરબલનો જાણેકે બીજો અવતાર હતા. ગાંધીજીએ બ્રિટિશ શહેનશાહ જ્યોર્જ પંચમને એમના ભવ્યાતિભવ્ય બર્મિંગહમ પેલેસમાં પોતડી પહેરીને મળવા ગયા ત્યારે અજાયબ ઘરમાં કોઈક નવું પ્રાણી આવ્યું હોય એમ બધા એમને જોતા રહ્યા. મૂળે બેરિસ્ટર ગાંધી અને રાજા વચ્ચેનો સંવાદ બહુ રોચક રહ્યો. મહાત્મા બહાર આવ્યા ત્યારે એક બ્રિટિશ પત્રકારે એમને પ્રશ્ન કર્યો: ‘મિસ્ટર ગાંધી, તમને નથી લાગતું કે આપે શહેનશાહને મળવા માટે યોગ્ય પોશાક પહેર્યો નહતો?’ ‘હાજરજવાબી ગાંધીજીએ કહ્યું:’ આપ મારાં કપડાંની ચિંતા ના કરો. તમારા રાજાએ અમારા બંને માટે પૂરતાં ગણાય એટલાં કપડાં પહેર્યાં હતાં. એમના આ ઉત્તરની દુનિયાભરમાં ચર્ચા રહી. એમને સપ્ટેમ્બર ૧૯૩૧માં ‘રાજપૂતાના’ જહાજમાં લંડન જતાં પત્રકારોએ વારંવાર પૂછ્યું કે શું તમે ઇંગ્લેન્ડના રાજાને મળવા મહેલ જશો?; મહાત્માએ હસતાં “હસતાં કહ્યું : હું બ્રિટિશ સરકારનો એવો કેદી છું કે પછી એમ કહું કે ખુશનસીબ કેદી છું કે જો બાદશાહ મને મળવા આમંત્રિત કરશે તો મળવા જરૂર જઈશ. રાજા પણ એમને નિમંત્રણ આપવાની બાબતમાં મૂંઝવણ અનુભવતા હતા. એમને ના તેડાવે તો દુનિયામાં ખોટો સંદેશ જાય તેમ હતો એટલે નાછૂટકે મહાત્માને મુલાકાતે તેડાવવા પડ્યા હતા.
ચાર્લી ચેપ્લિન સાથે મુલાકાત
ગાંધીજીને લંડનમાં પૂછવામાં આવ્યું કે તમે ચાર્લી ચેપ્લિનને મળવા ઈચ્છો છો? તો હાજરજવાબી મહાત્માનો પ્રતિપ્રશ્ર્ન હતો: એ મહાશય કોણ છે?’ બાપુને એ વખતે ચેપ્લિન વિશે ખબર નહીં હોય, પરંતુ જયારે એમને જણાવાયું કે આખું યુરોપ આ હાસ્યકલાકાર પાછળ ગાંડું છે ત્યારે એમણે ચેપ્લિનને ડૉ.કતિયાલના ઘરે મળવાની તૈયારી દર્શાવી હતી. ચેપ્લિન આવ્યા ત્યારે તેમણે ગાંધીજીને પહેલો પ્રશ્ર્ન કર્યો:’ તમે મશીનોનો વિરોધ કેમ કરો છો? ‘મહાત્મા એ કહ્યું:’ ઇંગ્લેન્ડ જરૂરિયાતથી વધુ કપડાં બનાવે છે અને પછી એમને વેચવા દુનિયાભરમાં બજાર શોધે છે. આને હું લૂંટ કહું છું. આ લૂંટારો દુનિયા માટે જોખમ છે. એટલે ભારત જો મશીનોનો વપરાશ શરૂ કરે અને જરૂરિયાતથી વધુ માલ તૈયાર કરે તો લૂંટારું ભારત દુનિયા માટે કેટલું મોટું જોખમ બની જાય એ સમજી શકાય છે. લંડનમાં જ પત્રકાર એડમંડ ડિમીટર સાથે મુલાકાતનો સમય નક્કી થયો હતો. વાતચીતની શરૂઆતમાં જ ગાંધીજીએ ખિસ્સામાંથી ઘડિયાળ કાઢીને સમય જોઈ લીધો. પત્રકારે ‘વ્યંગ્યમાં પૂછ્યું:’ તમે તો મશીનોના કટ્ટર વિરોધી છો, તો પછી આ ઘડિયાળનો ઉપયોગ કેમ કરો છો? બાપુએ કહ્યું: હું આનો ઉપયોગ કરીને મારા સિદ્ધાંત વિરોધી કોઈ કામ નથી કરી રહ્યો. હું મશીનનો વિરોધી નથી, પણ સંગઠિત મશીનવાદનો વિરોધી છું. તમારી સભ્યતા મશીનવાદની ગુલામ બની ગઈ છે.એને ભયાનક જોખમ માનું છું. હું ઘડિયાળનો ઉપયોગ કરી એનો ગુલામ બનતો નથી.પરંતુ જયારે યંત્ર એક સંગઠિત સંસ્થાનું રૂપ ધારણ કરે ત્યારે મનુષ્ય એનો ગુલામ બની જાય છે.સર્જનહારે પ્રદાન કરેલાં બધાં મૂલ્યો એ ‘ગુમાવી બેસે છે.’
ડોલરિયો દેશ અમેરિકા
ગાંધીજીના અમેરિકી ભૌતિક સંસ્કૃતિ વિશે બહુ સારા ખ્યાલ નહોતા. કવિવર રવીન્દ્રનાથ ઠાકુર ઘણીવાર અમેરિકા ગયા હતા અને એમના વિશે અમેરિકી મીડિયામાં આક્ષેપ થવા માંડેલા કે આ નોબેલ પારિતોષિક વિજેતા સાહિત્યકાર માત્ર અમેરિકીઓ કનેથી નાણાં મેળવવા જ આવે છે. ગાંધીજીને અમેરિકા જવાનાં અનેકવાર નિમંત્રણ મળ્યા છતાં એ ગયા નહોતા અથવા વર્ષો સુધી જઈ શક્યા નહોતા. એક વાર એક અમેરિકી મહિલાએ બાપુને પૂછ્યું: ‘આપ અમેરિકા ક્યારે પધારશો? અમેરિકી લોકો આપની પ્રતીક્ષા કરી રહ્યા છે.’ ગાંધીજીએ મરકમરક હસતાં કહ્યું:’ હા, મેં પણ સાંભળ્યું છે કે તેમણે ત્યાં પ્રાણીસંગ્રહાલયમાં એક પાંજરું આરક્ષિત રાખ્યું છે જેથી સૌ લોકો મારા જેવા અજબગજબના પ્રાણીનાં દર્શન કરી શકે. એક વાર મહાત્માના અંગત સચિવ મહાદેવ દેસાઈએ સેવાગ્રામ આશાર્મને ગાંધીજીનું અજાયબઘર કહ્યું હતું. ગાંધીજીની આજુબાજુ કાયમ અજબગજબના લોકો આવતા રહેતા હતા.ક્યારેક સરદાર પટેલ આવા લોકો પર ચીડાઈ જતા ત્યારે મહાદેવ દેસાઈએ કહ્યું હતું કે બાપુ તો ડૉક્ટર છે. ડૉક્ટરની પાસે દર્દીઓ તો આવતા રહેવાના ને?’
યરવડા જેલમાં વિનોદ
ગાંધીજી અને સરદાર પટેલ એકસાથે યરવડા જેલમાં હતા ત્યારે બંને વચ્ચે ખૂબ વ્યંગ્ય-વિનોદ થતો. એમાં તો સાબરમતી આશ્રમમાં પણ સરદાર અને બાપુ વચ્ચે કટાક્ષમય હસીમજાક કરીને સૌ ખડખડાટ હસતાં. ગાંધીજી પર એક ભાઈનો યરવડા જેલમાં પત્ર આવ્યો. લખે છે: ‘ત્રણ મણની કાયા ધરાવતો માણસ ધરતી પર ચાલે ત્યારે કીડીઓ કચડાઈ જાય તે હિંસા શી રીતે અટકાવી શકાય?’ બાપુ વલ્લભભાઈ ભણી શું ઉત્તર લખું એવા પ્રશ્ર્ન સાથે ફર્યા. તેને લખો કે પગ માથા પર લઈને ચાલે. બીજો એક પત્ર હતો. બાપુને લખેલું કે વહુ કદરૂપી છે. ગમતી નથી. શું કરું? વલ્લભભાઈ ઉવાચ: બાપુ, એને લખો કે આંખો મીંચી આંધળો થઈ જા. પછી વહુ જોડે સુખચેનથી જીવાશે. જેલમાં સરદાર પાકીટો બનાવતા અને અનેક વસ્તુઓ સંઘરતા. ‘બાપુએ એક દિવસ વલ્લભભાઈને પૂછ્યું: સ્વરાજમાં તમને શેનું દફતર આપીશું?’ સરદાર કહે: ‘સ્વરાજમાં હું લઈશ ચીપિયો અને તૂમડી!’ આઝાદીના સંગ્રામમાં દાયકાઓ સુધી જેલવાસ અને લડત ચલાવનારા મહાનુભાવો જેલમાં કે મહેલમાં હળવાફૂલ ના રહેતા હોત તો મહાત્મા ગાંધી કહે છે તેમ કાં ગાંડાં થઈ ગયા હોત અથવા આત્મહત્યા કરી બેઠા હોત. વર્તમાન યુગના નેતાઓ અને અન્ય પ્રજાજનોને માટે પણ એ ખૂબ મહત્ત્વનો સંદેશ મૂકતા ગયા છે.