કેન્વાસ -અભિમન્યુ મોદી
એકનું નામ મોહનદાસ છે. બીજાનું નામ નથુરામ છે. એકના નામમાં કૃષ્ણ છે. બીજાના નામમાં રામ છે. એક ગુજરાતી વાણિયા છે બીજા મહારાષ્ટ્રીયન ચુસ્ત ચિત્તપાવન બ્રાહ્મણ છે. એક સફેદ અંગરખું ને પોતડી પહેરતા. બીજા સફેદ ઝભ્ભો અને ધોતિયું. બંને જમીન ઉપર નીચે સૂઈ જતા. એકે ચાર સંતાનો પછી બ્રહ્મચર્ય પાળવાનું શરૂ કર્યું. બીજાએ લગ્ન કર્યા ન હતા. બંને દેશપ્રેમી હતા. એક હિંદુ હતા અને બીજા ડબલ હિન્દુ છે એવો દાવો કરતા. એકને ભારત દેશની ચિંતા હતી અને બીજાને હિન્દુસ્તાન નામની પવિત્ર ધરતીની ચિંતા હતી. બંને ભગવદ્ગીતાના ભક્ત હતા. બંનેને અખંડ ભારત જોઈતું હતું. ભારતના ભાગલાથી બંને વ્યથિત હતા. નથુરામને કોઈનું ખૂન કરવા માટે ફાંસી આપવામાં આવી. મોહનદાસ ગાંધીને કદાચ બહુ સારા હોવાની સજા મળી ને ત્રણ ગોળીઓથી એમનો વધ થયો. કૃષ્ણના પ્રાણ એક પારધીએ તીર મારીને લીધા. એક દેશ આખાના ચહિતા ભગવાન – કાનુડો. બીજા રાષ્ટ્રપિતા જે દ્વારકાથી બહુ દૂર નહીં એવા દરિયાકિનારે જ પોરબંદરમાં જન્મ્યા હતા. ગાંધી અમર છે. ગોડસે ભૂલાયા નથી.
ગોડસે સાચો હતો. ગાંધીજી ખોટા હતા. ગાંધીજીએ દેશને આઝાદ કરાવ્યો. ગોડસે ખૂની હતો. ગોડસે કટ્ટર હતો. ગાંધીજી સંત હતા. ગાંધીજીના લીધે કંઈ આઝાદી નથી મળી. ગોડસેને હિન્દુઓની ફિકર હતી. ગોડસેની આઇડિયોલોજી આવેશ સભર હતી. ગાંધીજી એ મુસલમાનોનું જ વિચાર્યું. વગેરે વગેરે. આ બધા મુદ્દાઓ ૧૯૪૮થી ચર્ચાયા કરે છે. સતત ગોડસે અને ગાંધીજીના વિચારોને ગજગ્રાહ ચાલું છે. ગોડસે પ્રેમીઓ કદાચ વધતા જાય છે. વોટ્સએપમાં તથ્યો વિનાના ખોટા ફોરવર્ડ મેસેજીઝ નો મારો સતત ચાલુ રહે છે. ગાંધી નિર્વાણ દિન આવે ત્યારે તો ઘણી વખત ગોડસેનું હેશટેગ ટ્રેન્ડિંગમાં હોય છે. નવી પેઢીને ગાંધીજી આઉટડેટેડ, ધીમા ને જડસુ લાગે છે. ગોડસેના કરતૂતમાં ડ્રામા છે. એટલે એ વધુ વાજબી લાગે છે, આજના ઘણા યુવાનોને.
આવું માત્ર ભારતમાં સંભવ છે. એક ખૂનીનો પક્ષ દેશના લાખો લોકો લે અને તેના કરતૂતને વાજબી ઠેરવે એવું માત્ર ભારતમાં સંભવ છે. એ પણ જ્યારે તેણે રાષ્ટ્રપિતાનું ખૂન કર્યું હોય, તેને કોર્ટે ફાંસીની સજા પણ સંભળાવી હોય, તેને ફાંસી અપાઈ પણ ગઈ હોય અને તે પ્રકરણ પૂરું થયાના દાયકાઓ પછી પણ એ ખૂનીનો પક્ષ લેવાનો થાય, એને હારતોરા પહેરાવવાના થાય, એને દેશભક્ત સાબિત કરવાનો થાય. આવું માત્ર અહીં જોવા મળે. અમેરિકાના આજ સુધી ચાર ચાર રાષ્ટ્રપતિઓના ખૂન થયા. એ બધા તો રાજકારણીઓ હતા. જ્હોન કેનેડી તો એકસાથે એક કરતાં વધુ ીઓ સાથે સંબંધ રાખતા. તો પણ તેના હત્યારાના પ્રયાસને જસ્ટીફાઈ કરવાની કોશિશ અમેરીકનોએ નથી કરી. એટલા નવરા નથી તે લોકો અને એવું કુબુદ્ધિ તે લોકોને નથી સૂઝી. વોટ્સએપ ફોરવર્ડમાં એ લોકો સાવ હલકી કક્ષાએ નથી ગયા.
એની વે, નથુરામ ગોડસેની ફેવરમાં ઘણી રચનાઓ, કૃતિઓ આવી ગઈ છે. મી નથુરામ ગોડસે બોલતોય નામનું નાટક પ્રદીપ દળવી લઈને આવ્યા હતા અને તેની ઉપર પ્રતિબંધ લાગુ પડ્યો અને તેનો ઉહાપોહ ઘણો થયો. શ્રીરામ લાગુ જેવા મહાન થીએટર એક્ટરે પણ તેનો વિરોધ કરેલો. નથુરામની ફેવરમાં ઘણા લેખો ને વાર્તાઓ આવી ગયા. નીતનવી થિયરી પણ આવી ગઈ. સામે પક્ષે અમુક જડ ગાંધીવાદીઓ પોતાને જ શ્રેષ્ઠ માનતા રહ્યા. ગાંધીવાદી સંસ્થાઓમાં કેવું કેવું રાજકારણ ચાલે છે એ જાણીતું છે. ગાંધીજીએ પોતે અંગત જિંદગીમાં, તેના આશ્રમ વસવાટ દરમિયાન અને જાહેર પ્રસંગોએ તથા રાજકીય બાબતોમાં કેવા કેવા હઠાગ્રહ કર્યા છે એ પણ ઇતિહાસમાં અંકિત છે. ગાંધીજીએ ભૂલો કરી ન હતી એવું માનવાને સ્થાન નથી. પણ એ માણસ હતા, ભગવાન નહી. ભૂલો તો ભગવાનથી પણ થાય. ગાંધીજી પાસેથી સંપૂર્ણ પરફેકશનની આશા રાખવી એ વધુ પડતું છે. સુપરમેન પણ હારે છે. એ તો હાડમાંસના બનેલા માણસ હતા, પરંતુ કોઈ પણ વિરોધની રીત હત્યા ન હોઈ શકે. હત્યા એ સૌથી મોટો ગુનો છે. માનવજાત માટે હત્યારો સૌથી મોટો ખતરો છે.
કોઈ પણનો પક્ષ લીધા વિના, કોઈના પણ વિરોધમાં ગયા વિના, આખા પ્રકરણને તટસ્થ રીતે મૂલવી શકે એવી એક ફિક્શનલ ફિલ્મ આવી. ગાંધી વ. ગોડસે એક યુદ્ધ. રાજકુમાર સંતોષી જેવા માતબર દિગ્દર્શકની આ ફિલ્મ છે. આપણાં ગુજરાતી કલાકાર દીપક અંતાણીએ ગાંધીજીનો રોલ અસરકારક રીતે કર્યો છે. ગોડસેના પાત્રમાં રહેલાં મરાઠી કલાકારે પણ સારું કામ કર્યું છે. ઓવરઓલ ફિલ્મ બેલેન્સ્ડ છે. ઇતિહાસના એક પ્રકરણને સરસ રીતે રજૂ કરે છે. ઐતિહાસિક તથ્યો એમાં રહેલા છે. ફિલ્મનો સ્કેલ નાનો છે અને પ્રોડક્શન કંઈ જોરદાર નથી. વાર્તા પણ ફ્લેટ છે અને એવી કોઈ મહાન સિનેમા બનતી નથી. પણ જે જે લોકોના મનમાં ગાંધીજી કે ગોડસેને લઈને કોઈ સવાલો હોય તો તેના ઘણા સવાલોનો જવાબ આ ફિલ્મ નિષ્પક્ષ રીતે આપે છે. આ ફિલ્મ જોયા પછી મનમાં રહેલી ખોટી માન્યતાઓ તૂટે અને વાસ્તવિકતા દેખાય કે ઇતિહાસનું વધુ સંશોધન કરવાનું મન થાય એ સંભવ છે.
ગોડસે અને ગાંધીજી બંને એક જ જગ્યાએ સામસામે ચર્ચા કરવા બેસે તો? આ વિચાર ડ્રામા જનરેટ કરે. ગોડસે અને ગાંધીજી બંને જિદ્દી. બંને પોતાના વિચારો છોડે નહી ને તેને જ સાચા માને. ફરક એટલો કે ગાંધીજી જે પ્રતિજ્ઞા કરે તેને આખા દેશે પૂરી કરવી પડે. ગોડસેએ જે સંકલ્પ લીધો તેનાથી આપણા મહાત્મા અને રાષ્ટ્રપિતા માર્યા ગયા. ઘણા બધા મુદ્દાઓ વન બાય વન ખૂલે છે. જેમ કે ભારતની આઝાદીનો સમય. એ સમય જ્યારે કોમી તોફાની ફાટી નીકળેલા. ગાંધીજી એકલપંડે બંગાળમાં શાંતિ અને એખલાસ માટે ગયેલા અને સફળ થયેલા. કોમી તોફાનો રોકવા માટે ગાંધીજીએ અનશન ઉપવાસ કરવાનું શરૂ કર્યું. ગાંધીજીના વિરોધીઓ ત્યારથી જ રસ્તા ઉપર તેમના નામની હાય હાય પોકારવા ઉમટી પડેલા. પાકિસ્તાનને આપવાના બાકી રહેતા પંચાવન કરોડ વાળા ન્યુઝ પણ એ જ સમયે પ્રસારિત થયા જ્યારે ગાંધીજીએ પારણું કરી લીધું છે એ ન્યૂઝ રેડિયોમાં બ્રોડકાસ્ટ થયા. આ સાંભળીને નથુરામની ડગળી ચસકી. એણે તમંચાનો ઇન્તજામ કર્યો. થોડી પ્રેક્ટિસ કરીને ગાંધીજીને મારવા ઉપડ્યો.
ગાંધીજી ઉપર એની પહેલા પણ હત્યાના ઘણા પ્રયાસો થઈ ચૂક્યા હતા
જ્યારે ભાગલાની વાત ન હતી કે પંચાવન કરોડનો ઇસ્યુ પણ ન હતો. પંચાવન કરોડ પાકિસ્તાનને આપી દેવાની જીદ ગાંધીજીએ બિલકુલ કરી ન હતી એવું આ ફિલ્મમાં બતાવ્યું છે. એ માત્ર એક ગેરસમજ દરેક લોકોના મનમાં ઘર કરી ગઈ. ગાંધીજી કૉંગ્રેસને વિખેરી નાખવા માગતા હતા અને કૉંગ્રેસે ગાંધીજીનો આ પ્રસ્તાવ સ્વીકાર્યો ન હતો. ગાંધીજીએ તો ત્યાં સુધી કહેલું કે આ દેશના ભાગલા મારા મૃતદેહ ઉપર થશે. તો પણ ગોડસે ભાગલા માટે ગાંધીજીને જવાબદાર માનતો રહ્યો. મુસલમાનોએ આ દેશમાં હિંસા ફેલાવી અને બહેન – દીકરીઓના બળાત્કાર કર્યા. કોમી તોફાનમાં બંને કોમ્યુનિટીના લોકોએ સહન કર્યું છે. શીખો પણ આવી ગયા એમાં. ગાંધીજી આ ફિલ્મમાં કહે છે કે મુસલમાનો ભારતમાં આવ્યા તેની પહેલેથી આ સમાજમાં હિંસાનું વલણ હતું જ. માટે તો અહિંસાની વાત કરતા બે ધર્મો આ જ ધરતીમાં ઉદભવ્યા અને પ્રસર્યા – એક જૈન અને બીજો બૌદ્ધ ધર્મ.
તો સામે છેડે ગોડસે પણ ગાંધીજીની ભૂલ ગણાવે છે. આશ્રમમાં બધુ ગાંધીજીના નિયમો મુજબ જ થાય. કોઈ યુવાનને પ્રેમ થઈ જાય તો ગાંધીજી તેને વિકાર ગણે. ગાંધીજીની આસપાસ રહેલી ીઓને ગાંધીજીની અમુક હઠને કારણે બહુ સહન કરવું પડ્યું એવું કસ્તુરબાની આત્મા ગાંધીજીને કહે છે. બ્રહ્મચર્ય અવૈજ્ઞાનિક છે જ. પરિણીત વ્યક્તિએ તેના લાઇફ પાર્ટનરની સંમતિ જ નહી પણ ખુશી સાથે જ તે નિર્ણય લેવો જોઈએ. મુસલમાનોને છાવરવાના કેમ? એ ભલે સદીઓથી અહીં રહે પણ એને તોફાન કરવાનો કે એકતા બગાડવાનો કોઈ હક્ક નથી. દૂધમાં સાકરની જેમ બધાએ ભારતના સમાજમાં ભળવું જોઈએ. મુસલમાન નાનો ભાઈ છે તો મોટા ભાઈએ સતત સહન કર્યે રાખવાનું એવું તો ન હોય ને?
આ બધી દલીલો સાચી. ગાંધીજીની ભૂલો પણ કબૂલ. પણ ખૂન ખરાબાની વાત એક હજાર વખત ખોટી. અહિંસાના પૂજારી અને શાંતિના મસિહાનો અંત ત્રણ ગોળીથી આવે એ જ માનવ ઇતિહાસનો સૌથી મોટો વિરોધાભાસ છે.