Homeઉત્સવગાંધી: હઠાગ્રહ નહીં, અધૂરા ઈન્સાનનો સત્યાગ્રહ

ગાંધી: હઠાગ્રહ નહીં, અધૂરા ઈન્સાનનો સત્યાગ્રહ

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

ભારતના વિભાજન પછી ગાંધીજી પાકિસ્તાન જવાના હતા. એનો વિગતવાર પ્લાન બની ગયો હતો. હિંદુ-મુસ્લિમ એકતાની એમની ‘જીદ’ અને વિભાજનના તેમના વિરોધના કારણે તેઓ બંને કોમોના અમુક વર્ગમાં અળખામણા થઇ ગયા હતા. બંને દેશો કોમી હત્યાકાંડથી લોહીલુહાણ હતાં. તેમના પર જોખમ હતું. બહુ બધા લોકોની ઈચ્છા હતી કે ગાંધીજી પાકિસ્તાન ના જાય. રિચાર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મમાં આ સંદર્ભમાં, પ્રસિદ્ધ અમેરિકન ફોટોગ્રાફર માર્ગરેટ બુર્કે-વ્હાઈટ સાથે ગાંધીજી (બેન કિંગસ્લે)નો સંવાદ છે:
માર્ગરેટ: તમને સાચે જ એવો વિશ્વાસ છે તમે હિટલર જેવા સામે અહિંસાનો ઉપયોગ કરી શકશો?
ગાંધી: એમાં પરાજય અને પીડા જ હશે, પણ એમ તો યુદ્ધમાંય ક્યાં પરાજય નથી હોતા? એમાં પીડા નથી હોતી? હિટલર હોય કે ગમે તે, તમે અન્યાયને સ્વીકારી ના શકો. તમારે અન્યાયનો વિરોધ કરવો પડે અને સૈનિકની જેમ મરવું પડે. સત્ય તો સત્ય જ છે.
માર્ગરેટ: એટલે તમે ખરેખર પાકિસ્તાન જવાના? તમે હઠીલા માણસ છો!
ગાંધી: હું અહીંના હિંદુઓ અને ત્યાંના મુસ્લિમો સમક્ષ એ સાબિત કરવા જવાનો છું કે દુનિયામાં દાનવો આપણા હૃદયમાં છે, અને આપણી બધી લડાઈઓ ત્યાં જ લડાવી જોઈએ.
માર્ગરેટ: એ લડાઈમાં તમે કેવા લડવૈયા છો?
ગાંધી: બહુ ઉત્તમ નહીં. એટલે જ દુનિયાના દુષ્ટ લોકો માટે મારામાં બહુ સહિષ્ણુતા છે.
મહાત્મા ગાંધી આટલા હઠીલા હતા, તે કદાચ દુનિયાની ખુશકિસ્મતી હતી, કારણ કે તેમનું ધ્યેય અને એ ધ્યેયને સર કરવાનો તેમનો રસ્તો નેક હતાં. બાકી, જર્મનીમાં એડોલ્ફ હિટલર પણ એટલો જ હઠાગ્રહી હતો, પણ તેનો ઈરાદો અને રસ્તો દુષ્ટ હતો. ગાંધીજીનો
હઠાગ્રહ તેમના અંગત સ્વાર્થ માટે નહોતો. એ માત્ર ભારતના લોકો માટે પણ નહોતો. ગાંધીજી સમગ્ર માનવજાતનું કલ્યાણ ઇચ્છતા હતા. તેમનો એ હઠાગ્રહ તેમને માનવજાતની અચ્છાઈ અને બુરાઈને સ્પષ્ટ નજરથી જોવા સક્ષમ બનાવી ગયો હતો. કદાચ એમનો સૌથી મોટો હઠાગ્રહ અંગ્રેજો માટે અનામત હતો. એટલે તો વિન્સ્ટન ચર્ચિલ ગાંધીજીને ‘ઈમ્પોસીબલ’ માણસ ગણતા હતા!
આપણે જે વાતને હઠાગ્રહના સંકુચિત દાયરામાં જોઈએ છીએ, ગાંધીજી તેને સત્યાગ્રહના વિસ્તૃત દર્શન તરીકે જોતા હતા. તેમના જીવનનો એક પ્રસંગ છે.
૧૯૩૪માં મહાત્મા ગાંધી ઓરિસ્સાના પ્રવાસે હતા. તેમની સાથે મંડળીમાં ૧૮ વર્ષનો એક જર્મન છોકરો હતો. ગાંધીજીએ ત્યારે પ્રણ લીધું હતું કે આ પ્રવાસમાં એકપણ રાજકીય ભાષણ ના આપવું. આ વાત મંડળીના લોકોને પણ લાગુ પડતી હતી. એમાં મંડળી કેટલાક દિવસ સુધી એક જગ્યાએ રોકાઈ પડી. એમાં પેલા જર્મન છોકરાએ વિદ્યાર્થીઓના એક મોટા ટોળાને સંબોધન કર્યું. મંડળીને આની ખબર નહીં. એણે જર્મનીમાં શું થઇ રહ્યું છે એની વાત કરી હોત તો કોઈ વાંધો ના હોત, પણ તેણે ભારતમાં અંગ્રેજોના રાજમાં કેટલો અન્યાય અને પક્ષપાત છે તેના પર ભાષણ ઝાડ્યું.
બીજા દિવસે જીલ્લાના બ્રિટિશ અધિકારી તરફથી પત્ર આવ્યો કે હવે જો એણે ફરી મિટિંગ કરી તો ઇલાકો છોડવો પડશે. છોકરાને તો બ્રિટિશ સામ્રાજ્યવાદનો વધુ એક પુરાવો મળ્યો અને ખુશ થઇને એ પત્ર ગાંધીજીને બતાવ્યો. ગાંધીજીને ભાગ્યે જ ગુસ્સે થતા કોઈએ જોયા હશે. તે છોકરા પર બગડ્યા અને કહ્યું કે, “તે મારું અપમાન કર્યું છે. તને ખબર છે કે મેં રાજકીય ભાષણ નહીં કરવાનું વચન લીધેલું છે, અને છતાં તે આવું કર્યું?
ગાંધીજીએ એને કહ્યું કે તું એક કાગળમાં બ્રિટિશ અધિકારીની માફી માંગ. છોકરાએ દલીલ કરી કે મિટિંગમાં તે બોલ્યો છે, ગાંધીજી નહીં, પછી વચનભંગ કયાંથી થાય? ગાંધીજીએ જવાબ વાળ્યો કે એ કદાચ સાચું હોય તો પણ બ્રિટિશ અધિકારી માટે તો એ વિશ્ર્વાસઘાત જ છે અને એની જો માફી ના માગવી હોય તો તારે મંડળી છોડવી પડશે!
આ પ્રસંગ મહાત્મા ગાંધી તેમના વિચારોમાં કેટલા હઠીલા હતા તેની સાબિતી છે. ગાંધીજી મોહનદાસમાંથી મહાત્મા બન્યા તેની પાછળ તેમની હઠની મોટી ભૂમિકા છે. હઠને આપણે નકરાત્મક વૃત્તિ તરીકે જોઈએ છીએ, પણ એનો સકારાત્મક પક્ષ પણ છે. તમે જો હાર નહીં માનવાના અર્થમાં અને કોઈપણ ભોગે સફળ થવા માટે નવા નવા રસ્તાઓ અપનાવાના અર્થમાં હઠીલા હો, તો એ આવકારદાયક ગુણ છે, પણ તમે નવું કશું નહીં સ્વીકારવાના અર્થમાં, વિવેકબુદ્ધિનો ઉપયોગ નહીં કરવાના અર્થમાં અને વિશાળ દ્રષ્ટિથી નહીં જોવાના અર્થમાં હઠીલા હો, તો તે દુ:ખદાયક છે. હઠ તમને જો જીવનનું શ્રેષ્ઠ આપવા સક્ષમ બનાવે, તો એ ઉત્તમ છે. હઠ તમને જીવન જીવતાં અને અનુભવ કરતાં અવરોધે, તો એ કનિષ્ઠ છે.
મહાત્મા ગાંધીના કિસ્સામાં એટલા માટે જ એમનો હઠાગ્રહ સત્યાગ્રહ બની જાય છે. આજની પેઢીમાં એવું કહેવાની ફેશન છે કે ગાંધી જુનવાણી હતા, જક્કી હતા અને એમને અનુસરવા અઘરા છે. ગાંધીજીની આ સમજ અધૂરી છે. ગાંધીજીની કરુણતા એ છે કે કાં’તો આપણે એમને જક્કી ડોસો ગણીને ખારીજ કરી નાખીએ છીએ, અથવા ઈશ્ર્વર ગણીને આંખો બંધ કરી દઈએ છીએ. બંને રીતે આપણે ગાંધીને ન્યાય કરતા નથી.
ભારતીય માનસિકતા એવી છે કે કોઇ વ્યક્તિની અચ્છાઇ આપણી ‘વ્યવહારિકતા’ની પાર જતી રહે, તે પછી આપણે તેને દેવની કક્ષાએ મૂકી દઇએ છીએ અને પછી એ ‘દેવ’ આપણા માટે પગે લાગવાનો શિષ્ટાચાર બનીને રહી જાય છે. ગાંધીજીની સરળતા, સાદગી અને ઇન્સાનિયત એટલી વિશુદ્ધ (અને આપણી બેઇમાની અને બદમાશી એટલી ઘટિયા) હતી કે આપણે એ માનવા તૈયાર ન હતા કે ગાંધી એક સાધારણ ઇન્સાન હતા. આપણે એમને જરૂર કરતાં અસાધારણ બનાવી દઇને એટલા ઊંચે મૂકી દીધા છે કે હવે એ આપણા માટે અનુપયોગી બની ગયા છે.
આપણે લોકો અતિવાદી અને ઇબાદતવાદી છીએ. રાજકારણથી લઇને સમાજ, ધર્મથી લઇને વેપાર અને સ્પોર્ટ્સથી લઇને સિનેમા સુધી આપણે તમામ સાઇઝ-રંગ અને પ્રકારના હીરો પેદા કર્યા છે. શક્ય છે કે આપણને આદર્શોનું ગ્રાઇપવોટર એટલું પિવડાવવામાં આવ્યું છે અથવા તો પછી આપણી અંદર એટલી હીનભાવના છે કે આપણે કોઇપણ વ્યક્તિની મહાનતાને વ્યવહારિકતાના તરાજુ પર તોલવા સક્ષમ નથી. આપણે જો કોઇકને મહાન કહીએ છીએ, તો પછી એને આ ધરતીના એક સાધારણ મનુષ્યની સ્થિતિમાંથી ઉપર ઉઠાવીને એક આદર્શ વ્યક્તિની એવી કાલ્પનિક છબી સુધી લઇ જઇએ છીએ, જે એક સપનું જ રહી જાય છે.
એટલા માટે જ ગાંધીજીના હઠાગ્રહને મૂલવવાનો અવસર ચુકી જવો ના જોઈએ. ૧૯૧૪માં ‘આફ્રિકન ક્રોનિકલ’ નામના પત્રમાં તમિલ એડિટર પી.એસ. ઐયરે મોહનદાસ ગાંધીનો ‘ન્યાય’ તોળતાં લખેલું, “મિસ્ટર ગાંધીએ સંતની ભૂમિકા અપનાવી, તે પહેલાં કદાચ તે સારા માણસ હશે, પણ કોઈ ગુરુના વિધાન વગર આ નવું પદ સંભાળ્યું છે ત્યારથી તેઓ માનવીય પીડા અને ત્રુટીઓ પ્રત્યે, કઠોર નહીં તો, બેપરવા થઇ ગયા છે.
આ પ્રસંગ ‘ન્યૂ યોર્ક ટાઈમ્સ’ સમાચારપત્રના એક્ઝિક્યુટીવ એડિટરના જોસેફ લેવીવેલ્ડના પુસ્તક ‘ગ્રેટ સોલ: મહાત્મા ગાંધી એન્ડ હીઝ સ્ટ્રગલ ફોર ઇન્ડિયા’માં છે. આ પુસ્તકમાં જોસેફ લેવીવેલ્ડ લખે છે કે ગાંધીજી વાસ્તવિકતા તરફ અંધ હતા. મને ચોકલેટમાં મોત દેખાય છે, એવું તેમણે ચોકલેટની ‘ઉત્તેજના’ ઉત્પન્ન કરતા ગુણને લઈને કહ્યું હતું. તેઓ સતત એવું કહેતા હતા કે તેમની અહિંસાના આદર્શને અપનાવીએ એક જ યહૂદી જો હિટલરની તાનાશાહી સામે ઊભો થઇ જાય તો હિટલરનું હૃદય પીગળી જાય.
ગાંધીજીએ એક શુદ્ધ ભારતની કલ્પના કરી હતી. તેઓ લંડનથી દક્ષિણ આફ્રિકા જઈ રહ્યા હતા ત્યારે એસ.એસ. કિલ્ડોનન કાસલ જહાજ પર તેમણે ગુજરાતીમાં ’હિંદ સ્વરાજ’ પુસ્તક લખ્યું હતું, જે મુખ્યત્વે માનવજાતિના આધુનિક જીવનની સમસ્યાઓ અને તેના ઉપાયોનું નિદાન છે. ઘણાં લોકો ‘હિંદ સ્વરાજ’માં ગાંધીજીના દ્રષ્ટિકોણને અવ્યવહારુ અને પછાત ગણે છે. ગાંધીજીને એની પડી ન હતી. એ એ જ કરતા, જે એમને ઠીક લાગતું.
શુદ્ધતાના પ્રયોગ તે પોતાની પર પણ કરતા. જાતીય લાગણીને લઈને તેમનો પ્રયોગ બહુ જાણીતો છે, એટલે તેનું પુનરાવર્તન કરવાની જરૂર નથી, પણ એવા બીજા વિષયો ય હતા. દક્ષિણ આફ્રિકામાં તેમની રંગભેદ વિરોધી લડતમાં ગાંધીજીને જે અમુક યુરોપિયન સ્ત્રીઓની મદદ મળેલી, તેમાં એક લંડનમાં જન્મેલી મિલ્લી પોલક હતી, જે તેમના ફોનિક્સ આશ્રમમાં બે વર્ષ રહી હતી.
આ મિલ્લીએ તેના સંસ્મરણમાં ગાંધીજીના ફોનિક્સના ઉટોપિયાની ટીકા કરતાં લખ્યું હતું, “જ્યાં જુવો ત્યાં વંદા અને કરોળિયા છે, દૂધમાં કીડીઓ છે, ન્હાવાનું નથી, પાણી ખરાબ છે, લોકો અડધા નાગા છે, ગંદા ય છે, વાસણ ઉપાડો, તો નીચે જંતુઓ મળી આવે, ઝાડ પર સાપ લટકતા હોય છે, તમારે આ માત્ર સહન જ નહીં કરવાનું, તમારે આ જંતુઓને પ્રેમ પણ કરવાનો, તમે આ જીવનને હાનિ ના પહોંચાડી શકો.
ગાંધીજીની હત્યા પણ હઠાગ્રહના કારણે જ થઇ હતી, અથવા એ ઊંટની પીઠ પર છેલ્લું તણખલું સાબિત થઇ. રાજમોહન ગાંધીએ એક લેખમાં કહેલું, ગાંધી ઉપર આક્રમણ થાય તે આવકાર્ય છે, કારણ કે એનાથી આપણને ગાંધી શું હતા તે સમજવાની તક મળે છે. એમની યુવાનીમાં ગાંધી દક્ષિણ આફ્રિકા અને કાળાઓને લઇને અજ્ઞાની અને પુર્વાગ્રહી હતા એ વાત નવી નથી. મેં એના વિષે લખ્યું જ છે. ગમે તેમ તો ય, ગાંધી અધૂરા (ઇમ્પરફેક્ટ) ઇન્સાન હતા. જાતીય સમાનતાને લઇને ગાંધી તો છેક ૧૯૦૮માં પણ એમના દેશભાઈઓ કરતા ઘણા આગળ હતા. એ અધૂરા હતા એટલે જ એમના સમકાલીન હમવતનીઓ કરતાં પણ એ વધુ આકરી રીતે પ્રગતિશીલ હતા.
દેવત્વને પહોંચેલા સંત કરતાં અધૂરા ઇન્સાન તરીકે ગાંધી વધુ ખપના છે, કારણ કે ગાંધી એક એવો ખજાનો છે જેની અંદર સતત શોધખોળ કરતા રહો તો ‘હીરા-ઝવેરાત’ મળતા રહે. દેવ તો આપણી પહોંચની બહાર હોય છે. એમના સત્યના પ્રયોગો, એમનાં વિધાનો અને એમના વ્યવહારોને લઈને જે વાયકાઓ અને કુથલીઓ છે, એનાથી એમનાં ઉત્તમ કામોનું પલડું ઉપર જતું રહે છે, એવું નથી. આદર્શ જીવન જેવું કંઈ હોતું નથી, અને એને પરિપૂર્ણતાનાં કપડાં પહેરાવાના આપણા પ્રયાસોમાં એની મૌલિકતા અને ઈન્સાનિયત ખોવાઈ જાય છે.
‘ગાંધી’ ફિલ્મમાં જ એક બીજો એક સંવાદ પણ છે:
કસ્તુરબા: સોરાએ મને કહ્યું કે મારે સંડાશ સાફ કરીને એને બંધ કરવું જોઈએ.
ગાંધી: દરેકનો વારો છે.
કસ્તુરબા: પણ એ તો અછુતોનું કામ છે.
ગાંધી: અહીં કોઈ કામ નીચું નથી.
કસ્તુરબા: પણ હું તમારી પત્ની છું.
ગાંધી: એટલા માટે તો ખાસ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular