ટાઈટલ્સ: મન મારીને ચૂપ રહેવું એ લોકશાહીમાં સજા છે.
મિજાજ મસ્તી -સંજય છેલ
(છેલવાણી)
એક માણસ સ્પીડમાં કાર ચલાવતો પકડાયો. પોલીસે દંડ માંગ્યો પણ એણે દંડ ના ભર્યો. મામલો કોર્ટમાં ગયો. જજે દંડ નહીં ભરવાનું કારણ પૂછ્યું. પેલાએ કહ્યું, ‘જજસાહેબ, મને બધું કામ
સ્પીડમાં કરવાની આદત છે!’ તો જજે પણ સજા સંભળાવતા કહ્યું, ‘હવે જોઈએ કે છ મહિનાની જેલની સજા કેટલી સ્પીડમાં પૂરી
થાય છે!’
‘જેલ૨’, ‘પ્રિઝન‘, ‘તુરંગ૨’, ‘કાળ કોટડી…’ ભલભલાને ધ્રુજાવી નાખે એવી જગ્યા છે. આમ તો આ જીવન જ એક જેલ છે: શ્ર્વાસોની જેલ, સંબંધોની જેલ, કાયદાઓની જેલ, તરહ તરહની જેલ! તમે માનશો નહીં કે ભારતમાં એક એવી જેલ છે, જેમાં લોકો પૈસા આપીને સામેથી જાય છે!
શું કામ? જો તમારા જ્યોતિષી આગાહી કરે કે તમારી કુંડળીમાં ‘બંધન યોગ’ છે ને ખરેખર જેલ થવાની શક્યતા છે તો હવે ઉપાય આપણા હાથમાં છે. ઉત્તરાખંડમાં ૧૯૦૩માં બનેલી ‘હલ્દવાની જેલ’ એક એવી જેલ છે, જેમાં ૫૦૦ રૂ. જેવી નજીવી ફી ભરીને જેલમાં એક રાત વિતાવવાથી આ કુંડળી દોષનું નિવારણ લાવી શકાય છે એટલે કે જેલમાં ખરેખરી લાંબી સજા ભોગવવાથી બચી શકાય છે.
આમાં તમને જેલમાં એક દિવસ માટે બંધ કરવામાં આવે છે. અન્ય કેદીઓની જેમ બે ટાઈમ જેલનું જ ખાવાનું આપવામાં આવે છે, રાત્રે સૂવા માટે ધાબળો આપવામાં આવે છે, કેદીઓ જેવા કપડાં પણ પહેરવા આપે છે. સવાર થાય એટલે છોડી મૂકવામાં આવે છે. આ માટે દર વર્ષે બે ડઝન જેટલી અરજીઓ આવે છે.
તમારી કુંડળીમાં આવો કોઈ દોષ નથી ને? હોય તો હલ્દવાની જેલમાં ‘પ્રવાસી કેદી’ બનીને દોષનું નિવારણ પણ કરો અને જેલની મહેમાનગતિ પણ માણી આવો! આ વાંચીને ભલે તમને નવાઈ લાગે, પણ ભારતમાં જ નહિં પણ જગતભરમાં આવા ‘કુંડળી દોષ’ પર આસ્થા રાખવાવાળા લોકો છે. જેમ કે રશિયાની એક યુવતીએ ‘મંગળ દોષ’ને દૂર કરવા ખેજડીના વૃક્ષ સાથે લગ્ન કર્યા! જેમ એશ્ર્વર્યા રાયે પણ લગ્ન પહેલાં મંગળ દોષથી બચવા કોઇ ઝાડ સાથે લગ્ન કરેલા. (જો કે એ ઝાડ હવે મરે છે કે જીવે છે એ વિશે અમને કોઈ આઈડિયા નથી!)
ઈંટરવલ:
એક સમોસા તેલ મેં,
લાલુ ગયા જેલ મેં. (ચુનાવી સ્લોગન)
લોકમાન્ય તિલકે જેલમાં ‘ગીતા રહસ્ય’ નામનો અદ્ભુત ગ્રંથ લખેલો. ગાંધીજીએ દ.આફ્રિકામાં એમના વિરુદ્ધ સતત જજમેન્ટ આપનારા જજ સાહેબ માટે ચપ્પલ સીવેલા. નવ વર્ષથી વધારે જેલવાસ ભોગવનારા પં.નેહરુએ ભારતના ભવ્ય ઇતિહાસ વિશે ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’ નામનો અદ્ભુત ગ્રંથ લખેલો, જેના પરથી ૫ભારત એક ખોજ૨ નામની ટી.વી. સિરિયલ બનેલી. જેફ્રી આર્ચર નામના વિશ્ર્વ વિખ્યાત પોપ્યુલર નવલકથાકારે એમના જેલ જીવનની ડાયરી લખેલી જે નવલકથા જેટલી જ લોકપ્રિય થયેલી. જરાસંઘ નામે બંગાળી જેલરે ‘લોહ કપાટ’ નામે જેલજીવનની સત્યકથાઓ લખેલી જેમાંની એક વાર્તા નૂતન દ્વારા અભિનિત ૫બંદિની૨ ફિલ્મ હતી.
રશિયન વાર્તાકાર ચેખોવે જેલ વિશે વાર્તા લખી હતી- ‘શરત’. અમીરોની મહેફિલમાં, એક વેપારી અને એક વકીલ વચ્ચે ઉગ્ર ચર્ચા થાય છે કે, જનમટીપ સારી કે ફાંસી સારી? ‘વકીલ કહે છે,’ જનમટીપ જ, ફાંસી નહીં. તો વેપારી કહે છે, હું તને પાંચ લાખ રૂપિયા આપું, તું દસ વર્ષ જેલમાં રહીને દેખાડ! ‘વકીલે કહ્યું,’ લાગી શરત? હું તૈયાર છું!૩ પછી છેવટે નક્કી થાય છે કે વીસ લાખ રૂપિયા આપીને વકીલ પંદર વર્ષ જેલમાં રહેશે. વકીલ વેપારીના બંગલા પાસે એક ઘરમાં કેદ રહે છે. ત્યાં એને ખાવા-પીવાનું, છાપા, પુસ્તકો, પિયાનો, શરાબ, સિગારેટ અને જગતભરનું સાહિત્ય આપવામાં આવે છે.
પેલો કેદી પહેલા ધર્મ સાહિત્ય, પછી ફિલોસોફી અને પછી બીજું ઘણું બધું વાંચે છે. છેવટે એ બધાથી કંટાળે છે. એમ કરતાં કરતાં પંદર વર્ષ વીતી જાય છે.
આ બાજુ વેપારી શૅરબજારમાં બધા પૈસા ગુમાવી દે છે. હવે એને ચિંતા થાય છે કે, જ્યારે આ વકીલને જેલમાંથી બહાર કાઢીશ, ત્યારે હું એને પૈસા કેવી રીતે આપીશ? જાત જાતની તરકીબો વિચારે છે. પછી જે રાત્રે શરત પૂરી થવાની હતી, તે રાત્રે પંદર મિનિટ પહેલા એ વેપારી બારણું ખોલીને ત્યાં જેલમાં જાય છે, કદાચ એને મારી નાખવાપણ પેલો વકીલ તો ત્યાં એકદમ નિશ્ર્ચેત, બેભાન જેમ સૂતો હતો.
પાસે પડેલા એક પત્રમાં એણે લખ્યું હતું: છેલ્લા પંદર વર્ષમાં મેં જગતભરનું સાહિત્ય વાંચ્યું, ધર્મગ્રંથો વાંચ્યા, એકાંતમાં બધું જ કરી જોયું અને હવે મને બધું તુચ્છ ને વ્યર્થ લાગે છે.
તમારા વીસ લાખ રૂપિયા પણ! એટલે મને ખબર છે કે જ્યારે પણ તમે આ જેલ ખોલશો એની પહેલા હું ભાગી જઈશ. જેથી મેં કરાર ભંગ કર્યાનો દાવો તમે મારા પર નાખી શકશો અને વીસ લાખ રૂપિયા આપવા ન પડે..કારણ કે હવે તો મને તમારા પૈસા પણ નથી જોઈતા.
એ પણ સાવ વ્યર્થ લાગે છે! આ પત્ર વાંચીને પેલા વેપારીને પોતાની જાત ઉપર ધિક્કાર થઈ આવ્યો કે એણે એક માણસનું પંદર વર્ષનું જીવન બગાડ્યું, એને પૈસા ના આપવા પડે એ માટે શું શું વિચાર્યું! વેપારી એ પત્ર વાંચીને પૂરો કરે છે, ત્યારે પેલો વકીલ ઊભો થઈને ચૂપચાપ જેલમાંથી બહાર જતો રહે છે. સજા ખતમ થવાની પાંચ જ મિનિટ પહેલાં!
એન્ડ ટાઇટલ્સ:
ઇવ: ક્યારેય જેલમાં ગયો છે?
આદમ: તારી આંખો સિવાય નહીં.