નવી દિલ્હી: શિવસેના સંસદીય પક્ષના નેતાપદેથી ઉદ્ધવ ઠાકરે છાવણીના સંજય રાઉતની હકાલપટ્ટી કરીને નવા નેતા તરીકે લોકસભાના સભ્ય ગજાનન કીર્તિકરની વરણી કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેનાના નવા જૂથના નેતા એકનાથ શિંદેએ લોકસભાના સ્પીકર ઓમ બિડલા અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને પત્ર દ્વારા શિવસેના સંસદીય પક્ષના નેતા તરીકે ગજાનન કીર્તિકરની વરણી કરાયાની જાણ કરી હતી.
નવી વરણીના નિર્ણયની જાહેરાત પછી શિવસેનાના સંસદસભ્યોએ સંસદ ભવનમાં સંસદીય પક્ષની કચેરીમાં ગજાનન કીર્તિકરનું સન્માન કર્યું હતું. લોકસભામાં શિવસેનાના ૧૮ સંસદસભ્યોમાંથી ૪ સભ્યો ઉદ્ધવ ઠાકરે જૂથના છે. ચૂંટણી પંચે એકનાથ શિંદેના જૂથને મુખ્ય શિવસેના તરીકે માન્યતા આપતાં પક્ષનું ચૂંટણી પ્રતિક ધનુષ્યબાણ પણ તેમને ફાળવ્યું હતું. ગજાનન કીર્તિકરની વરણી બાબતે પ્રતિક્રિયા વ્યક્ત કરતાં સંજય રાઉતે મુંબઈમાં જણાવ્યું હતું કે હું પૈસા લઈને તેમના શરણે થઈ ગયો હોત તો મારો એ હોદ્દો યથાવત્ રહ્યો હોત. અમને પણ પાટલી બદલવાની ઑફર કરવામાં આવી હતી. હું તમારી ઑફર પર થૂંકું છું. હું બાળાસાહેબ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાને દગો નહીં આપું.(એજન્સી)