નાગપુર: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને શનિવારના કરવામાં આવેલો ધમકીનો ફોન કર્ણાટકની હિંદલગા જેલમાંથી થયો હોવાની માહિતી મળી હોઈ આ ફોન ગેંગસ્ટર જયેશ પૂજારીએ કર્યો હતો.
માહિતી મળ્યા બાદ નાગપુર પોલીસની ટીમ ગઈકાલે જ કર્ણાટક પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા જયેશ પૂજારી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તેની પાસેથી એક ડાયરી પણ જપ્ત કરવામાં આવી હતી. આ ડાયરીને કારણે અનેક બીજા મોટા રહસ્યો પરથી પડદો ઉઠશે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે પોલીસે મધ્યરાતે બે કલાક સુધી જેલના દરેક ખૂણે શોધખોળ કરી હતી.
કોલ્હાપુર, સાંગલી અને બેલગામ પોલિસ આ કેસમાં નાગપુર પોલીસને તપાસમાં મદદ કરી રહી છે. પોલીસે જયેશ પૂજારી પાસેથી ડાયરી મેળવી છે. ડાયરીમાં શું લખ્યું? તેમાં કોના કોના નામ છે તેની તપાસ પોલીસ કરી રહી છે.
ગડકરીને 10 મિનિટમાં ત્રણ ધમકીભર્યા કોલ મળ્યા હોવાનું કહેવાય છે. પોલીસે મામલાની ગંભીરતા સમજીને તરત જ આ મામલે તપાસ હાથ ધરી હતી.
જયેશ પૂજારી 2016માં જેલમાંથી ભાગી ગયો હતો. તેણે અગાઉ અનેક અધિકારીઓ અને અન્ય લોકોને પણ ધમકી આપી છે. ગડકરીને 100 કરોડ રૂપિયા ચૂકવવા માટે કહેવામાં આવ્યું છે. આ ઘટના બાદથી જ ગડકરીના નિવાસસ્થાન અને કાર્યાલયમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે