જી-૭ સંગઠન રશિયા પાસેથી સોનું ખરીદવા પર પ્રતિબંધ મૂકશે: બાઇડન

દેશ વિદેશ

ઉષ્માભર્યો આવકાર:વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૪૮મી જી-૭ શિખર પરિષદમાં ભાગ લેવા જર્મનીના મ્યુનિચ શહેર પહોંચ્યા હતા જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. (એજન્સી)

એલ્માઉ: અમેરિકાના પ્રમુખ જો બાઇડને રવિવારે જણાવ્યું હતું કે યુક્રેન પર આક્રમણ બદલ રશિયા પર આર્થિક પ્રતિબંધોના સિલસિલામાં હવે અમેરિકા અને વિશ્ર્વના સાત અગ્રણી અર્થતંત્રોનું જી-૭ સંગઠન (ગ્રૂપ ઑફ સેવન) રશિયા પાસેથી સોનું ખરીદવાનું પણ બંધ કરશે. સોનાની આયાત બંધ કરવાથી રશિયા પર આર્થિક રીતે દબાણ વધવાની ધારણા રાખવામાં આવે છે. આ બાબતે જી-૭ રાષ્ટ્રો તરફથી ઔપચારિક જાહેરાત મંગળવારે કરવામાં આવશે. જી-૭ દેશોની શિખર પરિષદમાં રશિયા પાસેથી સોનાની આયાત પર પ્રતિબંધની દરખાસ્ત પર અમેરિકા સાથે કૅનેડા, જાપાન અને બ્રિટન સંમત થયા હતા. રશિયાના ઑઇલ અને ગૅસના વેચાણ દ્વારા નફાનું પ્રમાણ ઘટાડવાના ઇરાદે ઊર્જા ક્ષેત્રની પેદાશોના ભાવો પર નિયંત્રણો મૂકવાની પણ વિચારણા જી-૭ પરિષદમાં કરવામાં આવશે. જી-૭ (ગ્રૂપ ઑફ સેવન) દેશોમાં બ્રિટન, કૅનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને યુરોપિયન યુનિયનનો સમાવેશ છે.
જોકે, જી-૭ શિખર પરિષદના પ્રથમ દિવસ રવિવારે યુક્રેન પર આક્રમણ બદલ રશિયા પર પ્રતિબંધો મૂક્યા પછી ઊર્જા પુરવઠો મેળવવા અને ફુગાવાનો મુકાબલો કરવા જેવા વિષયો પર બાઇડન તથા અન્ય નેતાઓ વચ્ચે સઘન ચર્ચા થઈ હતી. રવિવારે જી-૭ શિખર પરિષદના આરંભના કલાકો પૂર્વે રશિયાએ યુક્રેનની રાજધાની પર મિસાઇલોનો મારો ચલાવ્યો હતો. એ હુમલામાં બે રહેણાંકના મકાનો પણ તૂટી પડ્યા હતા. રશિયાની નિકાસોમાં ઊર્જા પછી બીજા ક્રમે સોનું હોવાથી અન્ય દેશો દ્વારા સોનાની ખરીદી બંધ થતાં રશિયા માટે વૈશ્ર્વિક બજારમાં ટકી રહેવું મુશ્કેલ બનશે, એવી ધારણા રાખવામાં આવે છે. વર્ષ ૨૦૨૦માં વિશ્ર્વની સોનાની કુલ નિકાસમાં પાંચ ટકા, અંદાજે ૧૯ અબજ અમેરિકન ડૉલરની નોંધાઈ હતી. વર્ષ ૨૦૨૧માં રશિયાએ ૧૨.૬ અબજ ડૉલરના સોનાની નિકાસ કરી હતી. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.