ભાવનગરમાં તૈયાર થશે ભવિષ્યના પાયલોટ, એક વર્ષમાં કાર્યરત થશે ફ્લાઈંગ ટ્રેનિંગ એકેડમી

આપણું ગુજરાત

ભાવનગર એરપોર્ટ પર લાંબો સમય પ્લેનની અવરજવર બંધ રહ્યા બાદ તાજેતરમાં જ પુણેની ફ્લાઈટ શરુ કરવામાં આવી છે. ત્યાર બાદ ભાવનગરને વધુ એક સુવિધા મળવા જઈ રહી છે. ભાવનગર એરપોર્ટ ખાતે પાઇલોટ તાલીમ કેન્દ્ર ઉભું કરવામાં આવશે. આથી ભાવનગરથી ભવિષ્યના પાઇલોટ્સ તૈયાર થશે.
ગઈ કાલે શુક્રવારે ભાવનગર એરપોર્ટ ઓથોરીટી અને ડ્યુન્સ એવિએશન એકેડેમી દ્વારા એરપોર્ટ કેમ્પસમાં ફ્લાઈંગ ટ્રેનિંગ એકેડમીની સ્થાપના કરવા માટેના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ એકેડેમી ભાવિ પાઇલોટ્સ તૈયાર કરશે. આગામી એક વર્ષમાં ફોર્મલ ટ્રેનીંગ શરૂ કરવામાં આવશે. નોંધનીય છેકે ગત માર્ચ મહિનામાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા 10 એરપોર્ટસ પર ટ્રેનિંગ એકેડમી શરૂ કરવા માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા, ભાવનગર એરપોર્ટ એમનું એક છે.
એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, નાના ડોમેસ્ટિક એરપોર્ટ પર આ ફ્લાઈંગ એકેડમીની સ્થાપના કરવી સરળ છે, કેમકે ત્યાં મર્યાદિત સંખ્યામાં કોમર્શિયલ ફ્લાઈટ્સનું આવનજાવન થતું હોય છે. અમે આ એરપોર્ટમાં એકેડમી માટે આગામી 25 વર્ષ માટે લીઝ પર જગ્યા ફાળવી છે. આગામી વર્ષોમાં ભાવનગર એરપોર્ટ પર વધુ એક ફ્લાઈંગ એકેડમી પણ શરૂ થવાની પણ ધારણા છે.
રાજસ્થાનના જોધપુરની ડ્યુન્સ એવિએશન એકેડેમી ભાવનગર એરપોર્ટ પરિસરમાં ટ્રેનીંગ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરશે અને એમઓયુ અનુસાર એક વર્ષમાં એકેડેમી શરૂ કરવામાં આવશે છે. ડ્યુન્સ એવિએશન એકેડેમીના સંચાલકના જણાવ્યા અનુસાર ભાવનગર એરપોર્ટ પર કોમર્શિયલ અને પર્સનલ પાઇલોટ્સ બંનેની તાલીમ આપવામાં આવશે. પ્રારંભિક તબક્કામાં યુવાનોને ચાર તાલીમી એરક્રાફ્ટ્સ દ્વારા ટ્રેનીંગ અપાશે. આ ઉપરાંત એડવાન્સ ફ્લાઈટ સિમ્યુલેટર અને અનુભવી વરિષ્ઠ ટ્રેનર્સ દ્વારા થિયરી અને ફ્લાઈંગ ટ્રેનિંગ શીખવવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.