એલ્યુમિનિયમ અને લીડ સિવાયની ધાતુઓમાં આગળ ધપતો ઘટાડો

16

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક સ્તરે બૅન્કિંગ ક્ષેત્રની કટોકટી વચ્ચે આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે કોપર અને નિકલ સિવાયની ધાતુઓમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ માત્ર એલ્યુમિનિયમ અને લીડ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગને ટેકે રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨થી ૩૭નો ઘટાડો આગળ ધપ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે માત્ર કોપર અને નિકલના ભાવ અનુક્રમે ૦.૬ ટકા અને ૦.૧ ટકાના સુધારા સાથે ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ટીનના ભાવ ૨.૭ ટકા, ઝિન્કના ભાવ ૦.૪ ટકા, એલ્યુમિનિયમના ભાવ ૦.૨ ટકા અને લીડના ભાવ ૦.૧ ટકાના ઘટાડા સાથે ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.
આમ એકંદરે આજે વૈશ્ર્વિક બજારનાં નરમાઈ તરફી અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં મુખ્યત્વે ટીન, કોપર વાયરબાર અને નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ અને વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગ ખપપૂરતી રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૩૭ ઘટીને રૂ. ૨૦૦૩, રૂ. ૧૪ ઘટીને રૂ. ૭૬૭ અને રૂ. ૧૨ ઘટીને રૂ. ૨૦૧૮ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૮ ઘટીને રૂ. ૭૪૩, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. ૭ ઘટીને રૂ. ૭૩૬, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૬ ઘટીને રૂ. ૪૭૭, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને રૂ. ૬૭૦, કોપર આર્મિચર અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ૪ ઘટીને અનુક્રમે રૂ. ૭૨૨ અને રૂ. ૨૫૮ અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને રૂ. ૫૧૮ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે માત્ર એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને લીડ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૬૮, રૂ. ૨૨૧ અને રૂ. ૧૯૩ના મથાળે ટકેલા રહ્યાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!