મુંબઈ: વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિની ચિંતા વચ્ચે લંડન મેટલ એક્સચેન્જ ખાતે ધાતુના પુરવઠામાં વધારાની ભીતિને કારણે આજે સત્રના આરંભે કોપર સહિતની વિવિધ ધાતુઓના ભાવમાં નરમાઈતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ માત્ર એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં રહેલા ટકેલા વલણ અને લીડ ઈન્ગોટ્સમાં જોવા મળેલા કિલોદીઠ રૂ. એકના સાધારણ સુધારાને બાદ કરતાં ટીનની આગેવાની હેઠળ તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૫૩નો ઘટાડો આગળ ધપ્યો હતો. આજે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ધાતુ બજારમાં ખાસ કરીને ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૫૩ના ઘટાડા સાથે રૂ. ૨૧૭૦ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે ટીનની આગેવાની હેઠળ અન્ય ધાતુઓમાં પણ સ્ટોકિસ્ટોની વેચવાલી અને વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું તેમાં કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૧૧ ઘટીને રૂ. ૭૨૬, કોપર કેબલ સ્ક્રેપ, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને નિકલના ભાવ કિલોદીઠ રૂ. ૧૦ ઘટીને અનુક્રમે રૂ. ૭૧૨, રૂ. ૬૫૦ અને રૂ. ૧૮૪૦, કોપર સ્ક્રેપ હેવી અને કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ૭ ઘટીને અનુક્રમે રૂ. ૭૦૬ અને રૂ. ૬૯૬, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૬ ઘટીને રૂ. ૪૬૩, બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને રૂ. ૫૧૦, ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ૪ ઘટીને રૂ. ૨૨૧ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એકના ઘટાડા સાથે રૂ. ૨૧૮ના મથાળે રહ્યા હતા. જોકે, આજે માત્ર લીડ ઈન્ગોટ્સમાં વપરાશકાર ઉદ્યોગની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. એક વધીને રૂ. ૧૮૬ના મથાળે અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૧૭૨ના મથાળે ટકેલાં રહ્યાં હતાં.