પ્રાસંગિક -ઉર્વી દેસાઈ
આજે સફલા એકાદશી છે. આ દિવસે જે વ્યક્તિ ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
આ વ્રતમાં ફળ, ફૂલ, લીંબુ વગેરે ૧૬ વસ્તુઓનું મિશ્રણ કરીને પૂજા કરવાથી અને રાત્રે જાગરણ કરવાથી પૂજા કરનારને પાંચ હજાર વર્ષ સુધીની તપસ્યાનું ફળ મળે છે. આ પૂજાથી વિષ્ણુજીની સાથે લક્ષ્મીજીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. જેનાથી ધન અને સંપત્તિમાં વધારો થાય છે.
સફલા એકાદશી વ્રતની કથા
પ્રાચીન સમયમાં ચંપાવતી નગરીમાં મહિષમાન નામનો રાજા રાજ કરતો હતો. તેને ૪ પુત્રો હતા, પરંતુ તેમાંથી લુમ્પક નામનો સૌથી મોટો પુત્ર મોટો પાપી હતો. તે હંમેશાં અજાણી સ્ત્રી પર નજર રાખતો હતો અને વેશ્યાવૃત્તિ અને અન્ય ખરાબ કાર્યોમાં પૈસા વેડફતો હતો. તે નાસ્તિક પણ હતો. દરરોજ તે દેવતાઓ, બ્રાહ્મણો અને વૈષ્ણવોની ટીકા કરતો હતો. બધા બ્રાહ્મણો અને ઋષિ-મુનિઓ તેમનાથી અત્યંત પરેશાન હતા. પછી એક દિવસ રાજાને તેના જાસૂસો દ્વારા તેના મોટા પુત્ર લુમ્પકના તમામ દુષ્કર્મોની જાણ થઈ. જે બાદ તેણે તેને દરબારમાં બોલાવ્યો અને તેની ભૂલો બધાની સામે જણાવી અને તેને રાજ્યમાંથી કાઢી મૂકયો. તેને સમજાતું નહોતું કે શું કરવું? ક્યાં જવું?
લુમ્પક જે પહેલાથી જ ખરાબ કાર્યો કરતો હતો. તે પછી તેણે ચોરી કરવાનું નક્કી કર્યું. દિવસ દરમિયાન તે જંગલમાં રહેતો હતો અને રાત્રિના સમયે તે તેના પિતાની નગરીમાં ચોરી કરતો હતો. કોઈના રોકવા પર તે તેઓની હત્યા પણ કરવા લાગ્યો.જેને પગલે શહેરમાં ભયનો માહોલ ઊભો થયો. જેના કારણે રાજાએ સુરક્ષા માટે સૈનિકોને લગાવ્યા. હવે તે પ્રાણીઓની હત્યા કરીને તેમને ખાઈને જંગલમાં રહેવા લાગ્યો. જંગલમાં એક ખૂબ જ પ્રાચીન વિશાળ પીપળાનું વૃક્ષ હતું જેની લોકો પૂજા કરતા હતા, તે પાપી લુમ્પક તે ઝાડ નીચે રહેતો હતો.
શિયાળાની ઋતુમાં પૌષ કૃષ્ણ પક્ષની દશમી પર લુમ્પક પાસે પહેરવા માટે કપડા પણ નહોતા. જેને લીધે તે આખી રાત સૂઈ શક્યો નહીં. તેના હાથ-પગ જકડાઈ ગયા અને તે બેહોશ થઈ ગયો. એકાદશીના દિવસે મધ્યાહ્ન સમયે સૂર્યનો તાપ મળતાં તે ભાનમાં આવ્યો. અને તે ખોરાકની શોધમાં નીકળી પડ્યો. તે બેભાન થવાને કારણે પ્રાણીઓને મારી શકતો ના હતો, તેથી તેણે ઝાડની નીચે પડેલાં ફળો ઉપાડ્યાં અને તે જ પીપળાના ઝાડ નીચે પાછો આવ્યો ત્યારે સૂર્ય અસ્ત થઇ ચુક્યો હતો
ગામના લોકો જે પીપળાના ઝાડની પૂજા કરતા હતા તેને બધા ભગવાનનું રમતનું મેદાન માનતા હતા. થાકેલા લુમ્પકે તે ફળો ઝાડ નીચે મૂક્યાં અને કહ્યું ભગવાન મને આટલાથી પેટ ભરાશે નહીં, તું જ ખાઈ લે તારી ભૂખ સંતોષાઈ જાય. તે રાત્રે લુમ્પકને ઊંઘ ના આવી. આ ઉપવાસ અને જાગરણથી ભગવાન પ્રસન્ન થયા અને તેના બધા પાપોનો નાશ કર્યો. આ એકાદશી સફલા એકાદશી હતી, જેના કારણે લુમ્પક પોતાના પાપોમાંથી મુક્ત થઈને સુખ-સમૃદ્ધિ તરફ પ્રયાણ કરે છે.
દ્વાદશીના દિવસે એક અતિ સુંદર ઘોડો લુમ્પક સામે આવીને ઊભો રહ્યો. અને આકાશમાંથી અવાજ આવ્યો કે હે રાજકુમાર! શ્રી હરિની કૃપાથી તમારા બધા પાપો નાશ પામ્યા છે. હવે તમે જાઓ અને તમારા પિતાની બાબતોનું ધ્યાન રાખો. આકાશવાણી સાંભળીને તે ખૂબ જ પ્રસન્ન થયો, દિવ્ય વસ્ત્રો ધારણ કરીને ભગવાનની સ્તુતિ કરીને પિતા પાસે પહોંચ્યો. આખી વાત સાંભળીને પિતાએ પોતાનું રાજ્ય તેને સોંપી દીધું અને જંગલ તરફ પ્રયાણ કર્યું. લુમ્પકે શાસ્ત્રો અનુસાર શાસન કર્યું અને દિવસના અંતે રાજ્યનો ભાર પુત્રને સોંપીને જંગલ તરફ પ્રયાણ કર્યું. એકાદશીની અસર અને ભગવાનની ઉપાસનાથી તેને વૈકુંઠધામ મળ્યું.
સફલા એકાદશીનું મહત્ત્વ
જે ઉપાસક સફલા એકાદશી કરે છે તેને સો રાજસૂય યજ્ઞ કરતાં વધુ પુણ્ય ફળ મળે છે. આ વ્રતનું પાલન કરવાથી વ્યક્તિ જીવનમાં સફળ અને સમૃદ્ધ બને છે. તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. દેવી લક્ષ્મીની કૃપાથી યશ, કીર્તિમાં વધારો થાય છે.
સફલા એકાદશીનો ઉપવાસ
કઈ રીતે કરશો?
સફલા એકાદશીના દિવસે વહેલા ઊઠો. દિનચર્યામાંથી નિવૃત્ત થયા પછી સ્નાન કરો.
સ્વચ્છ વસ્ત્રો પહેરીને વ્રત શરૂ કરો અને સૂર્યદેવને જળ અર્પિત કરો.
ભગવાન વિષ્ણુને પીળા રંગના ફૂલ અને પીળી વસ્તુઓ અર્પણ કરો.
ધૂપ, દીવો, ફળ, નારિયેળ, સોપારી, આમળા, દાડમ, લવિંગ અને પંચામૃત વગેરે અર્પણ કરીને ભગવાનની પૂજા કરો.
આ પછી આરતી, ચાલીસા, મંત્ર અને ભગવાનના હજાર નામનો પાઠ કરો.
“ઓમ નમો ભગવતે વાસુદેવાય નો ૧૦૮ વાર જાપ કરો.
આ દિવસે દાનનું વિશેષ મહત્વ છે, તમારી ક્ષમતા અનુસાર દાન કરો.
શ્રી હરિના નામના સ્તોત્ર સાથે રાત્રે જાગો.
દ્વાદશીના દિવસે વ્રતનું સમાપન કરવું.
બ્રાહ્મણો અને જરૂરિયાતમંદોને ભોજન અર્પણ કરો અને દક્ષિણા દાન કરીને વિદાય આપો.
હવે તમે પણ ખાઓ.
મંત્ર
૧ ઓમ કૃષ્ણાય નમ:
૨ ઓમ હ્રી શ્રી લક્ષ્મીવાસુદેવાય નમ:
૩ ઓમ નમો ભગવતે વાસુદેવાય
૪ ઓમ નમો નારાયણાય
——–
એકાદશીની આરતી
ઓમ જય એકાદશી, જય એકાદશી, જય એકાદશી માતા
વિષ્ણુપૂજા વ્રત કો ધારણ કર, શક્તિ મુક્તિ પાતા, ઓમ
તેરે નામ ગીનાઉ દેવી, ભક્તિ પ્રદાન કરની
ગળ ગૌરવ કી દેની માતા, શાસ્ત્રો મેં વરની ઓમ
માર્ગશીર્ષ કે કૃષ્ણપક્ષ કી ઉત્પન્ના, વિશ્ર્વતારની જન્મી
શુક્લ પક્ષ મેં હુઈ મોક્ષદા, મુક્તિદાતા બન ગઈ ઓમ
પોષ કે કૃષ્ણપક્ષ કી, સફલા નામક હૈ
શુક્લપક્ષ મેં હોય પુત્રદા, આનંદ અધિક રહે ઓમ
નામ ષટતીલા માઘ માસ મેં કૃષ્ણાપક્ષ આવે
શુક્લપક્ષ મેં જયા, કહાવૈ, વિજય સદા પાવે ઓમ
વિજયા ફાગુન કૃષ્ણપક્ષ મેં શુકલ આમલકી
પાપમોચની કૃષ્ણ પક્ષ મેં, ચૈત્ર મહાબલી કી ઓમ
ચૈત્ર શુક્લ મેં નામ કામદા, ધન દેને વાલી
નામ બરુથની કૃષ્ણપક્ષ મેં, વૈશાખ માહ વાલી ઓમ
શુક્લપક્ષ મેં હોય મોહિની અપરા જ્યેષ્ઠ કૃષ્ણપક્ષી
નામ નિર્જલા સબ સુખી કરની, શુકલપક્ષ રખી ઓમ
યોગિની નામ આષાઢ મેં જાનો, કૃષ્ણપક્ષ કરની
દેવશયની નામ કહાયો, શુક્લપક્ષ ધરની ઓમ
કામિકા શ્રાવણ માસ મેં આવે, કૃષ્ણપક્ષ કહીએ
શ્રાવણ શુકલ હોય પવિત્રા આનંદ સે રહીએ ઓમ
અજા ભાદ્રપદ કૃષ્ણપક્ષ કી, પરિવર્તિની શુકલ
ઈન્દ્રા આશ્ર્વિન કૃષ્ણપક્ષ મેં, વ્રત સે ભવસાગર નિકલા ઓમ
પાપાકુશા હૈ શુકલ પક્ષ મેં, પાપા હરનહારી
રમા માસ કાર્તિક મેં આવે, સુખદાયક ભારી ઓમ
દેવોથાની શુક્લપક્ષ કી, દુખનાશક મૈયા
પાવન માસ મેં કરું વિનંતી પાર કરો નૈયા ઓમ
પરમા કૃષ્ણપક્ષ મેં હોતી, જન મંગલ કરની
શુક્લ માસ મેં હોય પદ્મિની દુ:ખ દારિદ્ર હરની ઓમ
જો કોઈ આરતી એકાદશી કી, ભક્તિ સહિત ગાવે
જન ગુરદીતા સ્વર્ગ કા વાસા, નિશ્ર્ચય વહ પાવે ઓમ
——-
ફાયદા
આ દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિનું વરદાન મળે છે
આ એકાદશીનું વ્રત કરવાથી જીવનની તમામ મનોકામના પૂરી થાય છે. એકાદશીની વ્રત કથા વાંચવાથી કે સાંભળવાથી અશ્ર્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે અને જાણે અજાણે કરેલા પાપ દૂર થાય છે અને વૈકુંઠ મળે છે. જાગરણ કરવાથી જીવનમાં પાપ, કષ્ટ અને દુ:ખથી મુક્તિ મળે છે. એકાદશીનું વ્રત ઘણાં વર્ષોની તપસ્યા કરતા વધારે ફળ આપે છે તમામ દુ:ખોનો નાશ થાય છે.