Homeઆમચી મુંબઈઆજથી બેસ્ટના પ્રવાસીઓને હાલાકી

આજથી બેસ્ટના પ્રવાસીઓને હાલાકી

રસ્તા પર દોડતી ૪૦૦ બસ પાછી ખેંચવામાં આવી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરીમાં બેસ્ટની બસમાં બુધવારે સાંજે અચાનક આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ પ્રવાસી જખમી થયો નહોતો. આગની આ દુર્ઘટના બાદ જોકે બેસ્ટ ઉપક્રમે લીઝ પર લીધેલી ૪૦૦ જેટલી બસ રસ્તા પરથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. તેથી રસ્તા પર બસની સંખ્યા ઘટવાને કારણે ગુરુવારથી મુંબઈગરાને હાલાકી થઈ શકે છે.
બેસ્ટ ઉપક્રમના જણાવ્યા મુજબ અંધેેરી (પૂર્વ)માં આગરકર ચોક પાસે બુધવારે સાંજના ૬.૫૫ વાગ્યાની આસપાસ ૪૧૫ નંબરની નોન એસી સીએનજી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ બસ શીપ્ઝથી અંધેરી સ્ટેશન આવતી હતી. છેલ્લુ સ્ટોપ હોવાથી પ્રવાસીઓ તેમાંથી ઉતરી ગયા હતા. ત્યારે અચાનક બસમાં આગ લાગી હતી અને બસ ખાલી હોવાથી મોટો અનર્થ ટળ્યો હતો.
છેલ્લા એક મહિનામાં જ બેસ્ટની સીએનજી બસમાં આગ લાગવાના ત્રણ બનાવ બન્યા છે. તેથી બેસ્ટ ઉપક્રમે ૪૦૦ જેટલી લીઝ પર રહેલી બસ રસ્તા પરથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો.
બેસ્ટમાં ઉપરાઉપરી આગના બનાવને કારણે પ્રવાસીઓના જીવ જોખમમાં મુકાયા હોવાથી ભારે ઊહાપોહ થયો હતો. તેથી બેસ્ટ ઉપક્રમે મોડેથી સોશિયલ મીડિયા ટ્વિટર પર જાહેરાત કરી હતી કે મે.માતેશ્ર્વરી અર્બન ટ્રાન્સપોર્ટ લિમિટેડ કંપની પાસેથી બેસ્ટ ઉપક્રમે લીઝ પર લીધેલી ૪૦૦ બસ રસ્તા પરથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. બેસ્ટ ઉપક્રમે એવું પણ કહ્યું હતું. જયાં સુધી ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (ઓઈએમ)અને ઑપરેટર આવા આગના બનાવ બને નહીં તે માટે યોગ્ય પગલા લેશે નહીં ત્યાં સુધી આ બસ પાછી લેવામાં આવશે નહીં.
રસ્તા પર દોડતી બસોની સંખ્યા અચાનકથી ઘટી જવાને કારણે બેસ્ટમાં પ્રવાસ કરનારાઓને જોકે સમયસર ઑફિસ પહોંચવામાં વિલંબ થઈ શકે છે. બેસ્ટ ઉપક્રમ દ્વારા બેસ્ટના અમુક રૂટ ફેરફાર પણ કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular