શિવસેનાના ધારાસભ્યોની બળવાખોરી બાદ મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકાર સંકટમાં મૂકાઇ છે. ગુવાહાટીમાં એકનાથ શિંદે સાથે શિવસેનાના 37, અપક્ષ નવ અને પ્રહાર જનશક્તિ પાર્ટીના બે ધારાસભ્ય હોટલમાં રોકાયેલા છે. એ હિસાબે હાલમાં 48 ધારાસભ્ય એકનાથ શિંદેના સમર્થનમાં છે, જયારે વધુ આઠ ધારાસભ્ય મુંબઈથી નીકળી ચૂક્યા છે. આમાંથી ત્રણ શિવસેનાના ધારાસભ્ય અને પાંચ અપક્ષ છે. એવામાં બે તૃતિયાંશ સંખ્યાબળ એકનાથ શિંદે સાથે છે. રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વર્તમાન રાજકીય સંકટને ધ્યાનમાં લઇને ફરી એકવાર બેઠક બોલાવી છે. દરમિયાન થાણે અને રાયગઢમાં એનક જગ્યાએ એકનાથ શિંદેના સમર્થનમાં પોસ્ટર લાગી રહ્યા છે. આ પોસ્ટરમાં બાળાસાહેબ ઠાકરે સાથે એકનાથ શિંદે દેખાઇ રહ્યા છે, જયારે ઉદ્ધવ ઠાકરેની તસવીર ગાયબ છે. આ સાથે જ હવે મહારાષ્ટ્રમાં પોસ્ટર પોલિટિક્સ પણ શરૂ થઇ ગયુ છે. થાણે અને રાયગઢના કાર્યકર્તાઓ પણ શિંદેના સમર્થનમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
