ચોરી: ભૂતપૂર્વ ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ
મુંબઈ: બોલીવૂડના સિંગર સોનુ નિગમના ૭૬ વર્ષના પિતાના ઘરમાંથી રૂ. ૭૨ લાખની ચોરી બદલ ભૂતપૂર્વ ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
સોનુ નિગમના પિતા અગમકુમાર નિગમ અંધેરી પશ્ર્ચિમ સ્થિત ઓશિવરા વિસ્તારમાં વિંડસર ગ્રાન્ડ બિલ્ડિંગમાં રહે છે અને ચોરીની ઘટના ૧૯ અને ૨૦ માર્ચ દરમિયાન બની હતી.
સોનુ નિગમની બહેન નિકિતાએ બુધવારે ઓશિવરા પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર અગમકુમારને ત્યાં રેહાન આઠ મહિનાથી ડ્રાઇવર તરીકે કામ કરતો હતો, પણ તેનું કામ સંતોષજનક ન હોવાથી તાજેતરમાં તેને કાઢી મુકાયો હતો.
અગમકુમાર રવિવારે બપોરે જમવા માટે વર્સોવા વિસ્તારમાં નિકિતાના ઘરે ગયા હતા અને થોડા સમય બાદ પાછા ફર્યા હતા. સાંજે તેણે પુત્રીને કૉલ કરીને જણાવ્યું હતું કે ઘરના કબાટમાં ડિજિટલ લૉકરમાં રાખવામાં આવેલા રૂ. ૪૦ લાખ ગાયબ છે.
બીજે દિવસે અગમકુમાર વિઝા સંબંધી કામ માટે સાત બંગલો ખાતે આવેલા પુત્રના નિવાસે ગયા હતા અને સાંજે પાછા ફર્યા હતા ત્યારે લૉકરમાંથી બીજા રૂ. ૩૨ લાખ પણ ગાયબ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. દરમિયાન અગમકુમાર અને નિકિતાએ સોસાયટીના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાં ભૂતપૂર્વ ડ્રાઇવર રેહાન તેમના ફ્લેટ તરફ જતો નજરે પડ્યો હતો અને તે બહાર જતી વખતે તેના બંને હાથમાં બેગ હતી.
અગમકુમારને શંકા ગઇ હતી કે ડુપ્લિકેટ ચાવીની મદદથી રેહાન તેમના ફ્લેટમાં પ્રવેશ્યો હતો અને બેડરૂમમાં ડિજિટલ લૉકરમાંથી રૂ. ૭૨ લાખ ચોર્યા હતા. દરમિયાન નિકિતાની ફરિયાદને આધારે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. (પીટીઆઇ)