Homeલાડકીકપડાંના સિલેક્શનથી લઈને પોતાની વ્યક્તિના રિજેક્શન સુધી ભૂલો કરીએ છીએ...

કપડાંના સિલેક્શનથી લઈને પોતાની વ્યક્તિના રિજેક્શન સુધી ભૂલો કરીએ છીએ…

સંબંધોને પેલે પાર – જાનકી કળથિયા

તમને ક્યારેય એવું લાગ્યું કે તમારાથી કોઈ મોટી ભૂલ થઈ છે? કોઈને પસંદ કરીને ભૂલ કરી છે તો કોઈને નાપસંદ કરીને? કોઈના પર હદ બહાર વિશ્ર્વાસ મૂકીને ભૂલ કરી છે તો કોઈના પર વિશ્ર્વાસ ન મૂકીને? કોઈ નિર્ણય સમયસર ન લઈ શક્યાનો અફસોસ છે? આવી ભૂલનો અહેસાસ થયાં બાદ એવું થયું કે બસ હવે બધું ખતમ?
લાઈફમાં ક્યાંકને ક્યાંક આપણે આપણા નિર્ણયો પર અફસોસ કરતાં હોઈએ છીએ. ક્યારેક તો યોગ્ય સમયે નિર્ણય ન લેવા બદલ પણ પછતાઈએ છીએ. એ ભૂલ ભરેલાં નિર્ણયોના ઘા રોજેરોજ જાણે મૃત્યુની પીડા જેવો અહેસાસ કરાવે છે. આપણને સૌથી વધુ ગમતો સંબંધ, દરેક ઋતુનો આપણો છાંયડો જેના સથવારે તડકારૂપી સમસ્યાઓ હળવી થઈ શકશે એવું માન્યું હોય… આપણું એવું એક આશાનું કિરણ જે આથમતી સંધ્યાએ પણ ઝગારા મારતું હોય… જ્યાં ખુલા દિલથી દુનિયાની દાઝ કાઢી હોય… પણ જ્યારે આપણાથી એ મોઢું ફેરવે કે ચિત્ર વિચિત્ર બહાનાઓ બતાવીને છુમંતર થવાની તૈયારી દર્શાવે ત્યારે આપણને એ પસંદગી ઉપર અફસોસ થાય છે. એવું થઈ આવે કે યાર આને મહત્ત્વ આપી દઈને આપણે ભૂલ તો નથી કરી ને?
જે સંબંધો આપણને બાય બોર્ન કુદરત આપે છે એને તો મને કમને પણ નિભાવી લઈએ છીએ. પણ જે સંબંધને આપણે પોતે, આપણા હૃદય અને મનને સાથે રાખી પસંદ કર્યા હોય અને એમાં જો થાપ ખવાય જાય તો એ ભૂલ માત્ર ભૂલ નથી રહેતી. એ ક્યારેય રૂઝાઈ ન શકે એવો રીઢો ઘા બનીને આપણને આજીવન પીડે છે. આપણી ખુશી આપે એવી વ્યક્તિઓ અને તેની સાથે જોડાયેલી ઘટનાઓ યાદ રહે એનાથીય વિશેષ આપણને દુ:ખ આપનારી અને દુ:ખી કરનારી વ્યક્તિઓ તેમજ ઘટનાઓ યાદ રહે છે. જે સતત આપણાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ એની અનુભૂતિ કરાવતી રહે છે.
એક કપલના લગ્નને ૧૫ વર્ષ જેટલો સમય થયો. બહેન પોતાની જવાબદારી નિભાવ્યે જાય. એમના પતિ કામમાં એટલા બિઝી રહે કે એમની પાસે પોતાની પત્ની માટે સમય ન હોય. દારૂ અને ડ્રગ્સના રવાડે ચડી ગયેલા પતિ અને ડાચકાં ખાતી જિંદગી એમનું વર્તમાન હતું. લગ્ન પહેલાં તો બહુ બધાં સપનાં બંનેએ સાથે મળીને જોયાં હતાં. પણ ત્યારબાદ કેટલાક સમય પછી સપનાઓ અને સોહામણી કલ્પનાઓનું પડીકું વળીને ક્યાંય દૂર સુધી ફેંકાઈ ગયું હોવાનું બહેનને લાગ્યું. જાણે કે એનાથી જીવનસાથી પસંદ કરવામાં ભૂલ થઈ હોય…! વળી આ ભૂલ આજીવન વેંઢારવા સિવાય અન્ય વિકલ્પ પસંદ કરવા તેઓ તૈયાર નહોતાં.
આપણે બધા નાની મોટી ભૂલો કરતા હોઈએ છીએ અને એમાંથી શીખતાં પણ હોઈએ છીએ. જેમ કે ખોટું પ્રોફેશન પસંદ થઈ ગયું હોય. કોઈ પુસ્તક વાંચ્યા પછી કે મુવી જોયા પછી થાય કે યાર આમાં ક્યાં સમય બગાડ્યો? કોઈ ફંક્શનમાં ગયા હોય ને ત્યાં જઈને આપણી ધારણા મુજબ ન હોય તો પણ ત્યાં જઈને ભૂલ કરી હોય એવું લાગે. અમુક મિત્રો પસંદ કર્યા બદલ પણ અફસોસ થાય. કેટલાંકને મદદ કરી પણ એળે ગઈ એ જાણીને જાણે મોટી ભૂલ કરી હોય એવું લાગે. ઈવન કોઈ રિલેટિવનો કોલ આવે અને આપણે કામમાં હોઈએ તોય રિસીવ કરી લઈએ, પણ સામેવાળું મૂકવાનું નામ ન લે તોય આપણને હખ ન થાય. અરે શાકભાજી કે ફ્રૂટ્સ ખરીદી લીધા પછી બીજી જગ્યાએ એનાથી સસ્તું મળતું હોય એ જાણીને આપણે છેતરાઈ ગયાનો જબરદસ્ત અહેસાસ થાય. કોઈની સલાહ માની હોવા કે ન માની હોવા બદલ ભરાઈ ગયા હોય એવું લાગે. ક્યારેક આપણાથી કોઈકને ન કહેવાનું કહેવાઈ ગયું હોય એવું લાગે. તો ક્યારેક સમય આવ્યે મૌન ધારણ કર્યા બદલ પણ પછતાવો થાય. મહેમાનને યોગ્ય રીતે સાચવ્યા પણ એના ઘરે આપણે મહેમાન બનીને ગયા ત્યારે સાચવી ન શક્યા, આવી ભૂલો તો બરાબરના ડખ્ખા કરાવે. ઈનશોર્ટ કપડાંના સિલેક્શનથી લઈને કાળજે ધરબાયેલી વ્યક્તિના રિજેક્શન સુધી આપણે ભૂલો કરતાં હોઈએ છીએ. અને આ ફેક્ટ સ્વીકારવું જ રહ્યું, પરંતુ મહત્ત્વનું એ છે કે આપણને ભૂલોનો અહેસાસ થાય છે. એમાંથી કેટલીક ભૂલો સુધારી શકાય એમ હોય છે. જ્યારે કેટલીક ભૂલો માટે અફસોસ સિવાય અન્ય ઑપશન જ નથી હોતો. જેમ કે કોઈના કાળજે કાળમીંઢ પથ્થર સમી ઠેસ પહોંચાડ્યાની ભૂલ છેલ્લા શ્ર્વાસ સુધી ટકોરા માર્યા કરે છે. કોઈનો વિશ્ર્વાસ જીતીને પછી એને તોડવાની ભૂલ એ ભૂલવા જેવી ‘ભૂલ’ તો નથી જ. લાગણીસભર માણસની લાગણીના લીરેલીરા ઉડાવીને જીવભર એને લાંબી લહ જેવી કરી દેવી એ ભૂલ નથી, પણ અપરાધ છે. શ્ર્વાસની ગતિ મંદ પડતી વેળાએ કોઈકની આંખોમાં રોજેરોજ આંસુઓનો દરિયો ઠાલવ્યો છે, આ વાત મૃત્યુને વધુ પીડાદાયક બનાવે છે. એટલે કેટલીક ભૂલો માત્ર ભૂલ ન રહેતા અક્ષમ્ય અપરાધમાં પરિણમે છે. જેની સજાની કલમ કુદરતના હાથમાં હોય છે. એક લેડી જલ્દી કોઈ સામે અભિવ્યક્ત ન થઈ શકે. એ કોઈની નજીક પણ જલ્દી ન જાય. બન્યું એવું કે એક છોકરો મીઠી મીઠી વાતો કરીને પેલી છોકરીને પોતાની જાળમાં ફસાવી લે છે. અને એ છોકરી તો જાણે દુનિયા મળી ગઈ હોય એમ આ છોકરા સાથે સંપૂર્ણપણે જોડાઈ જાય છે. હવે જ્યારે કેટલાંક સમય પછી રેડીમેડ હાથવગા બહાનાઓ સાથે પેલો છોકરો રિલેશન ટૂંકાવવાની વાત કરે છે ત્યારે આ લેડી સુન્ન રહી જાય છે. કોઈને પસંદ કર્યા બદલ, કોઈના પર અનહદ ટ્રસ્ટ કર્યા બદલ કે કોઈને હૈયાની લગોલગ સ્થાન આપ્યા બદલ મળ્યું શુ? એકલતાં, આંસુ, દુ:ખ અને શીખ… એ પણ એક ક્યારેય ન ભૂલી શકાય એવી ‘ભૂલ’ બદલ…!
આપણે જાણતા હોઈએ કે, ‘હું આ ખોટું કરી રહ્યો/રહી છું’ ત્યારે એવી જાણીજોઈને કરેલી ભૂલોનું પ્રાયશ્ર્ચિત પણ થઈ શકે નહીં. પણ જે ભૂલોને પુનરાવર્તિત થતી અટકાવીને એમાંથી શીખી શકાય એ ભૂલો આપણા ગુરુ સમાન હોય છે. એકવાર પડીએ, બીજી વાર ઠેબું ખાઈએ, ત્યાં ને ત્યાં જ ત્રીજી વાર ખૂબ સાવધાનીપૂર્વક વર્તીએ છીએ. આપણા મુખેથી નીકળેલા શબ્દોથી કોઈને માઠું લાગ્યું હોય તો સોરી બોલીને પણ એ સુધારી શકાય છે. કેટલીક વાર આપણા વર્તન થકી કોઈની લાગણી દુભાઈ હોય તો ફરી આપણા જ વર્તન થકી એ લાગણીને સરભર કરી શકાય એમ છે,આપણા વર્તન સંબંધી તેમજ ચોઈસને લગતી ભૂલો સમય સાથે નિવારી શકાય એમ છે, પરંતુ કોઈકને ઊંડા ઘા આપીને, પછી ‘સોરી’ બોલવું એ માત્ર ફોર્માલિટી રહે છે. કારણ કે દરેક ‘સોરી’નો જવાબ ‘ઈટ્સ ઓકે’ નથી જ હોતો…!
કલાઇમેકસ:
વિજ્ઞાન અને ટેકનોલોજીથી તમામ પરીક્ષણો શક્ય બન્યા છે, પરંતુ માણસને પારખવાનું યંત્ર હજી સુધી બન્યું નથી અને કદાચ બનશે પણ નહિ…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular