રાજકોટથી કેજરીવાલે ભાજપને પડકાર ફેંક્યો, કહ્યું ‘ભાજપ અધર્મનું કામ કરી રહી છે, અમારો સાથ આપો અમે ધર્મનું કામ કરીએ છીએ’

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Rajkot: ગજરાત વિધાનસભામાં ભાજપના ગઢને સર કરવા આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લાગવી રહી છે. આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યપ્રધાન ફરીથી ગુજરાત પ્રવાસે આવ્યા છે. ગઈકાલે દ્વારકાધીશના દર્શન કર્યા બાદ તેમણે આજે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમને ભાજપને પડકાર ફેંકતા કહ્યું કે, ‘અમે કોંગ્રેસ નથી. હવેથી તમારો વ્યવહાર બદલી નાંખજો. અત્યાર સુધી તમે માત્ર કોંગ્રેસ જોડે જ ડીલ કરતા હતા, પણ આ આમ આદમી પાર્ટી છે. અમે સરદાર અને ભગતસિંહની રાહ પર ચાલનારા માણસો છીએ.’ સાથે સાથે તેમણે દાવો કર્યો હતો કે સુરતની 12 વિધાનસભા સીટમાંથી 7 પર AAPની જીત થઇ રહી છે.
તેમણે રેવડી વિવાદ મામલે કહ્યુ હતુ કે, ‘ગુજરાતમાં ભાજપના પ્રધાનો સહિત વિધાનસભ્યોને સુવિધાઓ મળે છે ત્યારે રેવડી નહીં અને જનતાને સુવિધા આપવાની વાત આવે ત્યારે રેવડી? ભાજપ સરકારે 27 વર્ષ રાજ કર્યું, હવે તેમને બધું યાદ આવે છે? આટલા વર્ષો સુધી રાજ કર્યા પછી હવે અભિમાન વધી ગયું છે. હવે તો સરકાર જનતાનું પણ સાંભળતી નથી.’
આ દરમિયાન સુરતમાં મનોજ સોરઠિયા પર થયેલા હુમલા અંગે તેમણે કહ્યું કે મનોજ સોરઠિયા પર હુમલો કરાવવામાં આવ્યો તેમનાં માથામાં કેટલાય ટાંકા આવ્યા છે. તેમનો વાંક શું હતો? તેઓ તો ગણપતિ બાપાના એક મંડપમાં ઊભા હતા અને પૂજા કરી રહ્યા હતા. ત્યારે અમુક લોકો આવ્યા અને ભગવાનની મૂર્તિની સામે હુમલો કરી દીધો. આ ગુજરાત, દેશ કે આપણી સંસ્કૃતિ કે સંસ્કાર નથી. આનાથી સુરત લોકોમાં બહુ જ રોષ છે. ભાજપ દ્વારા હુમલો કરવામાં આવે છે જ્યારે હારવાનો ડર લાગે ત્યારે હુમલા કરાવે છે. મેં સરવે કરાવ્યો છે, સુરતમાં 12 સીટ છે જેમાં 7 સીટ પર આમ આદમી પાર્ટી જીતી રહી છે.’
કેજરીવાલે પડકાર ફેંકતા કહ્યું કે, સુરતવાસીઓને મારી બે હાથ જોડીને અપીલ છે કે, જ્યાં સોરઠીયા પર હુમલો થયો એજ ગણપતિ પંડાલમાં આજે સાંજે સાત વાગ્યે પૂજા કરવા આવું છું. આખું સુરત એકત્રિત થાય અને એકસાથે આપણે ભગવાનને ગુજરાતની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ માટે પ્રાર્થના કરીશું. સાંજના 7 વાગ્યે આરતી શરૂ થશે અને 6.30 વાગ્યે બધા લોકો પહોંચી જાય.’
કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, હું ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટના તમામ ડ્રાઇવર અને કન્ડક્ટરનો આભાર માનું છું. કારણ કે ભૂજમાં ભાજપના કાર્યક્રમમાં જેટલા લોકો ગયા હતા ત્યારે પરત ફરતી વખતે તમામને કહ્યું હતું કે, આ વખતે પરિવર્તન કરવું જોઇએ. અમારી સરકાર બનતા જ તમારા ઋણને હું ત્રણ મહિનામાં પૂરું કરીશ. હું તમને વ્યક્તિગત મળીશ અને તમામના પ્રશ્નો ઉકેલ લાવીશ.’
‘બધા લોકોની ફરજ છે કે તે ધર્મ માટે કામ કરે. ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને ગુંડાગર્દી વધી ગઈ છે. મીડિયાવાળાને ધમકાવવામાં આવે છે. આજે જ મને એક મીડિયાવાળાનો ફોન આવ્યો હતો કે તેમને ધમકી મળી રહી છે કે કેજરીવાલની સ્પીચ ચલાવવી નહીં. આ અધર્મ સામે લડવું જોઈએ. ધર્મનું શાસન સ્થાપવા માટે બધાએ કામ કરવું પડશે. અમારો સાથ આપો અમે ધર્મનું કામ કરીએ છીએ.’
ચૂંટણી આવતા પોલીસને ભથ્થા વધારવાની જાહેરાત કરી દીધી અને એફિડેવીટમાં શરત મૂકવામાં આવી છે કે કોઈ વિરોધ ન કરે. પરંતુ હું કહેવા માગું છું કોઈ સાઈન ન કરતા, ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને તમામની માગ પૂરી કરીશું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.