ફોકસ -રાજેશ યાજ્ઞિક
ફિલ્મોમાં સફળતાનું રહસ્ય પૂછવામાં આવે ત્યારે મોટાભાગના સ્ટાર્સ કહેતા હોય છે કે સારી સ્ટોરી, સારા દિગ્દર્શક, સારું ટીમવર્ક વગેરે વગેરે. મીડિયાની સામે દેખાડવા માટે આવું બધું સારું સારું બોલનારા બોલીવુડના સુપરસ્ટાર્સ પોતાની સફળતા માટે એટલા અસુરક્ષિત હોય છે કે જાતજાતના ટુચકાં કરતાં હોય છે. કોઈ નામ બદલે, કોઈ ચોક્કસ નંબરને લકી માને, તો કોઈ બીજી માન્યતા ધરાવતા હોય. આપણે કોઈ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન નથી આપવા માગતા, પરંતુ જેને હજારો ચાહકો અનુસરતા હોય છે તેવા ફિલ્મસ્ટાર્સ આટલા સફળ થયા પછી પણ સફળતા માટે કેવા અંધશ્રદ્ધાળુ હોય છે તે જાણવા જેવું છે.
નામ મેં ક્યાં રખ્ખા હૈ?
આમ તો શેક્સપિઅરનું આ વાક્ય ફિલ્મોમાં પણ ખૂબ દોહરાવાયું છે કે ‘નામમાં શું રાખ્યું છે’. પણ કેટલાય ફિલ્મ સ્ટાર્સ સફળતા મેળવવા જ્યોતિષીઓ અને ગુરૂજીઓની સલાહ મુજબ નામના અંગ્રેજી મૂળાક્ષરોમાં વધતું ઓછું કરતાં હોય છે.
અજય દેવગણે અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. પણ છેલ્લા થોડા વખતથી તેણે પોતાની અટકમાં ફેરફાર કરીને અંગ્રેજી મૂળાક્ષર ‘એ’ ઓછો કરી નાખ્યો છે. સંજય દત્ત પોતાના નામમાં અંગ્રેજી ‘યુ’ લખતો હતો, પરંતુ કારકિર્દીની શરૂઆતમાં જ કોઈ જ્યોતિષીએ ‘યુ’ યોગ્ય નથી તેવું કહેવાથી તેણે નામમાં ફેરફાર કરીને ‘યુ’ ને બદલે ‘એ’ કરી નાખ્યો. પ્રતિભાશાળી અભિનેતા સ્વ. ઈરફાન ખાન આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત હતો. પણ કોઈની સલાહથી તેણે ફિલ્મી નામમાંથી ખાન અટક પડતી મૂકી અને નામમાં એક આર ઉમેરીને ઈરફાનમાંથી ઇરરફાન બની ગયો! રાજકુમાર રાવને તો તમે ઓળખો છો, પણ રાજકુમાર યાદવને ઓળખો છો? ન ઓળખતા તો હો તો ઓળખાણ આપીએ, કે એ બન્ને એક જ વ્યક્તિ છે. જી હા, ‘બરેલી કી બરફી’, ‘શાદી મેં જરૂર આના’, ‘સ્ત્રી’ જેવી અનેક હિટ ફિલ્મ આપનાર હીરોનું મૂળ નામ રાજકુમાર યાદવ છે, પણ અંકશાસ્ત્રીના કહેવાથી તેણે પોતાના નામમાં એક ‘એમ’ વધાર્યો અને અટક સદંતર પડતી મૂકીને ‘યાદવ’માંથી ‘રાવ’ કરી નાખી, જેને કારણે ઘણા તેને દક્ષિણ ભારતીય માની
બેસે છે. પણ હકીકતમાં એ હરિયાણાનો છોરો છે.
નંબરમેં ક્યા રખ્ખા હૈ?!
આમ તો ફિલ્મી દુનિયા નંબર ગેમ જ છે. કેટલા કમાયા કે કેટલા ગુમાવ્યા એ માત્ર શેરબજારમાં જ નહીં, પણ ફિલ્મોમાં પણ જોવાય છે. ફિલ્મ સ્ટાર્સમાં પણ નંબર વન બનવાની હોડ લાગેલી રહે છે. તો પછી નંબર પ્રત્યે તેમને વળગણ ન હોય તેવું કેવી રીતે બને?!
કહેવાય છે કે રણબીર કપૂરને ૮ નંબરનું વળગણ છે. તેની કારની નંબર પ્લેટમાં ‘૮’ હોય છે, કારણકે તે પોતાની માતા નીતુ સિંહને પોતાના માટે લકી માને છે અને નીતુ સિંહની જન્મ તારીખ ‘૮’ જુલાઈ છે.
ઐશ્ર્વર્યા અને એ આર રહેમાન બંને એક જ નંબરમાં આસ્થા રાખે છે અને તે નંબર છે ‘૭૮૬’. જી હા, ઇસ્લામમાં પવિત્ર ગણાતો નંબર. કહેવાય છે કે રહેમાનના ફોન નંબરમાં આ આંકડા આવે છે. તો ઐશ્ર્વર્યા માટે કહેવાય છે કે નોટબંદી પહેલા ‘૭૮૬’ આંકડા આવતી ચલણી નોટો તે ભેગી કરતી હતી.
શાહરુખ ખાનનો આંકડા પ્રેમ પણ બોલીવુડમાં જાણીતો છે. નંબર ‘૫૫૫’ને શાહરુખ પોતાના માટે બહુ શુકનવંતો માને છે. તેની બધી જ ગાડીઓની નંબર પ્લેટ ઉપર તમને આ નંબર દેખાશે. ત્યાં સુધી કે તેણે ‘ચેન્નાઇ એક્સપ્રેસ’માં વાપરેલી બાઈકની નંબર પ્લેટ પણ આ જ છે! જાણવા મળ્યા મુજબ શાહરુખના મોબાઈલ નંબરમાં પણ ‘૫૫૫’ના ‘નસીબવંતા’ આંકડાને સ્થાન મળ્યું છે.
‘ખિલાડી’ કુમાર અક્ષયને પણ લકી આંકડામાં વિશ્ર્વાસ છે. કહેવાય છે કે અક્ષય કુમાર ફિલ્મ માટે જે રકમ લે છે તેનો સરવાળો ‘૯’ હોય તેનું ધ્યાન રાખે છે! એટલું જ નહીં, પણ અક્ષયની ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે તે વિદેશ ચાલ્યો જાય છે, કારણકે તેની માન્યતા છે કે તેની હાજરી ફિલ્મ માટે નકારાત્મક સાબિત થાય છે. અક્ષયને આંકડાની બાબતમાં સંજય દત્ત પણ સાથ આપે છે. તેની બધી ગાડીઓ ઉપર તમને ‘૪૫૪૫’ નંબર જોવા મળશે. કારણકે ‘૪’ અને ‘૫’નો સરવાળો ‘૯’ થાય.
ફિલ્મ સ્ટાર્સની કેટલીક રમૂજી માન્યતાઓ!
અંધશ્રદ્ધા લાગે તેવી, પણ રમૂજી માન્યતાઓ પણ અત્યંત સફળ એવા ફિલ્મ સ્ટાર્સના મગજનો કબ્જો લઇ બેઠી હોય છે. જેમકે શ્રદ્ધા કપૂરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેના પિતા શક્તિ કપૂર જો તેની ફિલ્મ દિલ્હીમાં જુએ તો તે જરૂર હિટ જાય છે. એટલે બિચારા શક્તિએ ખાસ દિલ્હી જઈને તેની ફિલ્મ જોવી પડે છે!
સોનમની માન્યતા સાંભળીને તો તમે કહેશો, હેં! આવું પણ હોય? સોનમની માન્યતા છે કે તે જે ફિલ્મના સેટ ઉપર પડી જાય, તે ફિલ્મ હિટ થઇ જાય. તો ‘ડિસ્કો ડાન્સર’ મિથુન પોતાની ફિલ્મના પહેલા દિવસનું શૂટિંગ ક્યારેય કરતો નથી. તેની માન્યતા છે કે જયારે પણ તે મુહૂર્તના દિવસે શૂટિંગમાં હાજર હોય તો ફિલ્મ ફ્લોપ થઇ જાય છે. એવું મનાય છે કે આમિર ખાન ડિસેમ્બર મહિનાને શુકનવંતો માને છે.
તેની ‘તારે ઝમીન પર’, ‘ગજની’, ‘થ્રી ઈડિયટ્સ’ અને ‘ધૂમ’ ફિલ્મો આ મહિનામાં રિલીઝ થયેલી. એટલું જ નહીં કહેવાય છે કે આમિર અને કિરણ રાવે તેમના સંતાન આઝાદનો જન્મ પણ આ મહિના માટે પ્લાન કરેલો! ફિલ્મો ઉપરાંત પણ સેલિબ્રિટીઓ અન્ય વિચિત્ર માન્યતાઓ ધરાવે છે. જેમકે સ્પોર્ટ્સના જબરા શોખીન મિલેનિયમ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને ક્રિકેટનો બહુ શોખ છે. પણ તેઓ ક્યારેય ક્રિકેટ મેચ લાઈવ જોતા નથી. કેમકે તેમની માન્યતા છે કે
જયારે તેઓ મેચ લાઈવ જુએ ત્યારે
આપણી ટીમ હારી જાય છે! તો રાજસ્થાન રોયલ્સની માલિક શિલ્પા શેટ્ટી જયારે બે કાંડા ઘડિયાળ પહેરીને જાય ત્યારે તેની ટીમ જીતી જાય છે.
ઘણા બોલીવુડ સેલિબ્રિટીની માન્યતાઓ તો વાચકો જાણતા જ હશે. જેમકે એકતા કપૂરની એકેય આંગળીઓ કોઈ ને કોઈ ગ્રહના નંગની વીંટી વિના ખાલી નથી હોતી, અને તેના કાંડા ઉપર અનેક દોરા ધાગા બાંધેલા હોય છે. તેનો કક્કાના પહેલા અક્ષર ક-પ્રેમ પણ જગજાણીતો છે. સલમાન ખાન પણ તેના પિતાએ આપેલું બ્રેસલેટ ક્યારેય ઉતારતો નથી.
ફિલ્મનું પાત્ર કોઈ પણ હોય તેની ફિલ્મમાં તેનું બ્રેસલેટ તમને ક્યાંક ને ક્યાંક દેખાઇ જશે. આ લિસ્ટમાં હજી તો ઘણા સેલિબ્રિટીઓનો સમાવેશ થઇ શકે. પણ મજાની વાત એ છે કે ભલભલા સુપરસ્ટાર હોય, ગમે તેટલું કમાયા હોય અને ગમે તેટલાં સફળ બન્યા હોય પણ મહેનત અને આવડત જેટલો જ ભરોસો તેમને કોઈ ને કોઈ માન્યતા ઉપર છે!
તો અમારા પ્રિય વાચકો, હવેથી કોઈ
તમને અંધશ્રદ્ધાળુ કહે તો તમે કહી શકો છો કે હું તો મારા પ્રિય બોલીવુડ સ્ટારને ફોલો કરું છું!