ધારાસભ્યથી સંસદસભ્ય થવા સુધી સદાય તેમના આશીર્વાદનો હું સદ્ભાગી રહ્યો અને આજે પણ છું

વીક એન્ડ

ગોપાળ શેટ્ટી

દેશના વડા પ્રધાન અને આજે વિશ્ર્વનેતા તરીકે આદરણીય નરેન્દ્ર મોદીજીની છત્રછાયામાં સાંસદ તરીકે કામ કરવું એ એક અવર્ણનીય આનંદ છે.
સેવા, સુશાસન અને વિકાસનો મંત્ર ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીજીએ સંપૂર્ણ દેશને આપ્યો અને મારા જેવા ભાજપના અનેક કાર્યકરોને સેવા સુશાસન અને વિકાસના માર્ગની કેડી કંડારી આપી. મારા મતવિસ્તારમાં વિકાસ કાર્યોના પ્રેરણાસ્રોત તરીકે હું મોદીજીને નિહાળું છું, કારણ કે બોરીવલી ખાતે મહાપાલિકાના નગરસેવક તરીકે હું કાર્યરત હતો. પક્ષના આદેશથી મેં ધારાસભ્યની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી. ૨૦૦૪નું વર્ષ હતું અને બોરીવલી ખાતે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા તરીકે ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીજી આ સભાને સંબોધવા આવ્યા. આ સમયે નરેન્દ્ર મોદીને જોવા અને સાંભળવા માનવ મહેરામણ ઊમટ્યો.લોકપ્રિયતાની ટોચે બિરાજતા, વિકાસની ગતિથી દેશ-વિદેશના ઉદ્યોગ એકમોને આકર્ષિત કરતા નરેન્દ્ર મોદીના પ્રજાલક્ષી ભાષણથી બોરીવલીના મતદાતાઓ પ્રભાવિત થયા અને આશીર્વાદ સ્વરૂપે ૨૦૦૪ની મહારાષ્ટ્ર રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય જંગી બહુમતીથી થયો. હું ધારાસભ્ય તરીકે મહારાષ્ટ્ર રાજ્યની વિધાનસભામાં પ્રવેશ્યો. મોદીસાહેબનાં વિકાસ કાર્યોની પ્રેરણા મારા જેવા અનેક જનપ્રતિનિધિઓને પ્રભાવિત કરે છે. એનું જ અનુકરણ કરી બોરીવલીમાં એક પડતર ભૂખંડ પર ઉદ્યાન વિકસાવવાના સ્વપ્ને મારા મનમાં આકાર લીધો. સ્વાતંત્ર્યવીર સાવરકરની ભવ્ય પ્રતિમા સાથે આ ઉદ્યાનનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું અને મારું સ્વપ્ન સાકાર થયું, પણ મારી તો મહેચ્છા જ એ કે સ્વાતંત્ર્યવીર સાવરકરની પ્રતિમાનું અનાવરણ કરવા માટે એવા જ પ્રખર ક્રાંતિકારી વિચારો ધરાવનાર દેશભક્તને હું આમંત્રણ આપું.
અને ફરી વખત બોરીવલી ખાતે તત્કાલીન ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત રહ્યા. મારા માટે આ સુવર્ણ અવસર હતો. એક તો સ્વાતંત્ર્યવીર સાવરકર ઉદ્યાનનું નિર્માણ અને તેમાં દુગ્ધ શર્કરા યોગ કે મોદીજી સ્વયં આ ભવ્ય ઉદ્યાન અને વીર સાવરકરની પ્રતિમાના અનાવરણ અને લોકાર્પણ પ્રસંગે પધાર્યા.
આટલા મોટા ગજાના નેતા વારંવાર મારા મતવિસ્તારમાં આવે અને આશીર્વચન આપે એટલે પ્રજાનો વિશ્ર્વાસ મારા પર દ્વિગુણિત થાય તે સાહજિક હતું. આ માટે હું સદાય આજના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ઋણી છું.
ત્યાર બાદ ૨૦૧૪માં આ જ વિશ્ર્વાસના ફળસ્વરૂપે મને ઉત્તર મુંબઈ લોકસભામાં ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યો. લોકોએ ત્યારે મોદી લહેર શબ્દ સાંભળ્યો, પણ ખરું કહું તો મેં તો મારા બન્ને કાર્યક્રમો વખતે જ મોદી લહેર જોઈ લીધી હતી. ૨૦૧૪થી વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની છત્રછાયા અને માર્ગદર્શનમાં હું ઉત્તર મુંબઈનું પ્રતિનિધિત્વ ભારતની લોકશાહીના સર્વોચ્ચ મંદિર અર્થાત્ લોકસભામાં કરી રહ્યો છું. એક અદ્ભુત આભા ધરાવનાર દેશભક્ત એટલે નરેન્દ્ર મોદી!! તમે સતત અનુભવી શકો એવું દેદીપ્યમાન વ્યક્તિત્વ એટલે નરેન્દ્ર મોદી!!
વિકલાંગો, મહિલાઓ, સમાજના દુર્બળ ઘટક, સમાજનો યુવા વર્ગ, ગૃહિણીથી માંડી વરિષ્ઠ નાગરિક સુધી નરેન્દ્ર મોદીસાહેબની વિકાસની ગંગાનો ધોધ વહી રહ્યો છે. ઉત્તર મુંબઈ લોકસભા ક્ષેત્રમાં આ દરેક વર્ગને મોદી સરકારની યોજનાઓનો લાભ આપવામાં હું સફળ થયો તેનું સંપૂર્ણ શ્રેય અમારા આ સંવેદનશીલ નેતાને છે. ઉજ્જ્વલા યોજનાથી આખા દેશમાં ધુમાડા મુક્ત રસોડાં થયાં તેમ ઉત્તર મુંબઈની ગરીબ બહેનો સુધી ગેસ પહોંચી શક્યો અને સ્કિલ ડેવલપમેન્ટ જેવી યોજનાથી અમારા મતવિસ્તારમાં અમે હજારો નાગરિકોને સ્વાવલંબી કર્યા. આત્મનિર્ભર ભારતનું નિર્માણ થયું તે માત્ર વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની સરકાર દ્વારા અને એક સાંસદ તરીકે હું તેનો પ્રત્યક્ષ સાક્ષી છું.
આજે જ્યારે ભારતનું વિશ્ર્વસ્તરે સન્માન અને આદરપૂર્ણ સ્થાન જોઈએ છીએ ત્યારે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની શ્રેષ્ઠ રણનીતિ અને અદ્ભુત બુદ્ધિમત્તાને વંદન થઈ જાય છે.
(લેખક ઉત્તર મુંબઈના સંસદસભ્ય છે)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.