Homeલાડકીલગ્નથી સ્ટુડિયો સુધી ‘જિતની તુમ પ્યાર સે જી લોગે, ઉતની હી જિંદગી’

લગ્નથી સ્ટુડિયો સુધી ‘જિતની તુમ પ્યાર સે જી લોગે, ઉતની હી જિંદગી’

કથા કોલાજ-કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: ૫)
નામ: ઉષા ઉત્થુપ
સ્થળ: સ્ટુડિયો વાઈબ્રેશન, રાધાનાથ ચૌધરી રોડ, કોલકાત્તા
સમય: ૨૦૨૩
ઉંમર: ૭૫ વર્ષ
‘મારા ડિવોર્સ થઈ ગયા…’ મેં ભરાયેલા ગળે જાની ચાકોને કહ્યું, એણે મને પૂછ્યું, ‘તો હવે તારું નામ શું છે?’ એણે પૂછ્યું. મારી આંખોમાંથી આંસુ વહેતા હતા. મેં એને કહ્યું, ‘ઉષા ઐયર…’ એણે પૂછ્યું, ‘નામ શું છે તારું?’ મને હવે એનો સવાલ સમજાયો અને મેં કહ્યું, ‘ઉષા સામી’ અમે બંને હસવા લાગ્યા. મને એક વિચિત્ર પ્રકારની રાહત થઈ. હું વારેવારે મારું નામ કહેતી રહી, ‘આઈ એમ ઉષા સામી નાઉ… આઈ એમ ઉષા સામી નાઉ…’
જોકે, અમે અમારા લગ્ન વિશે કોઈ વાત કરી નહીં. એ પછી જ્યારે ફરી ટ્રાઈન્કાએ મને કલકત્તા બોલાવી ત્યારે અમે એકમેકને ફરી મળ્યા. આ વખતનો સમય બહુ જુદો હતો. હું કોઈનાથી ડરતી નહોતી. મારે કોઈને જવાબ આપવાનો નહોતો. અમે બંને કલકત્તાની સડકો પર એકમેકનો સાથ માણતા ફરતા રહ્યા. હું જ્યારે કલકત્તાથી પાછી આવવાની હતી ત્યારે જાની ચાકો ઉત્થુપે મને પૂછ્યું, ‘તને નથી લાગતું હવે આપણે પરણી જવું જોઈએ?’ હું એની સામે જોતી રહી. કલકત્તાથી મુંબઈ સુધી પ્લેનમાં હું કોઈ રીતે મારું રુદન રોકી શકી નહીં.
મેં ધાર્યું નહોતું કે, અમારા લગ્ન આટલા મુશ્કેલ બનશે, પરંતુ પ્રશ્ર્નો શરૂ થઈ ચૂક્યા હતા. હું તામિલ બ્રાહ્મણ હતી અને જાની મલયાલી ક્રિશ્ચયન. એના માતા-પિતાએ આ લગ્ન સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી. જાનીના પિતા આર્મીમાં બ્રિગેડિયર હતા. એક યુધ્ધ દરમિયાન એમનો જીવ જોખમમાં હતો ત્યારે એમને બચાવનાર એમના જવાન જાની (મુસ્લિમ)ના નામને કાયમ માટે અમર કરી દેવા એમણે પોતાના દીકરાનું નામ જાની પાડ્યું હતું. જેણે આવી બાબતમાં ન્યાત-જાતને જરાય ધ્યાનમાં ન લીધી એમણે પોતાના દીકરાને એક બ્રાહ્મણ છોકરી સાથે પરણવાની પરવાનગી ન આપી! જોકે, જાનીના દાદાજી ખૂબ આધુનિક વિચારના હતા. આમ ખેડૂતની જેમ પાઘડી પહેરતા, પરંતુ એમણે પોતાના દીકરા અને પુત્રવધૂને બેસાડીને સમજાવ્યાં, ‘એ પુખ્ત છે. કમાય છે. સમજદાર છે. આપણે એના જીવનમાં બિનજરૂરી દખલ ન કરવી જોઈએ’ પરંતુ, જાનીના માતા-પિતા કશું જ સાંભળવા તૈયાર નહોતા.
મારો હોટેલ્સ સવેરામાં એક શો હતો. હું સવારે નવ વાગ્યે રિહર્સલ કરી રહી હતી. આખી હોટેલ બંધ હતી. માત્ર સ્ટેજ સિવાય આખા હોલમાં અંધારું હતું ત્યારે બે પુરુષો અને એક સ્ત્રી મને મળવા આવ્યા. મેનેજરે મને જણાવ્યું એટલે હું એમને મળવા પહોંચી. એ જાનીના માતા-પિતા અને એના પિતાના મિત્ર વીર કમાન્ડર જ્હોન હતા. મેં એમને ચા-કોફીનું પૂછ્યું અને પૂર્ણ નમ્રતાથી એમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એમણે મારી સાથે કડક શબ્દોમાં વાત કરી અને કહ્યું કે, ‘મારા દીકરા માટે અનેક માગાં આવે છે. એક તમિલ બ્રાહ્મણ છોકરી સાથે મારી દીકરાને અમે નહીં
જ પરણવા દઈએ.’ હું ૨૩ વર્ષની હતી. આઘાત અને દુ:ખથી હું એટલી તૂટી ગઈ કે, એમની સાથે દલીલ પણ કરી શકી નહીં. મેં એમને માત્ર એટલું કહ્યું, ‘હું તમારા દીકરાને ખૂબ ચાહું છું. તમે એમને કહો કે મારી સાથે સંબંધ તોડી નાખે. જો એ મને ફોન નહીં કરે તો હું સામેથી ફોન નહીં કરું…’ હું રડતી રડતી પાછી રિહર્સલ માટે ચાલી ગઈ, પરંતુ મને સમજાતું નહોતું કે, હવે મારે શું કરવું જોઈએ.
મેં જાનીને એની કલકત્તાની ઓફિસના સરનામે પત્ર લખ્યો. જેમાં બનેલી આખી ઘટના વિગતવાર લખી અને પૂછ્યું કે, મારે શું કરવું જોઈએ. એક અઠવાડિયા સુધી કોઈ જવાબ ન આવ્યો ત્યારે હું લગભગ નિરાશ થઈ ગઈ, પરંતુ એક અઠવાડિયા પછી એનો જવાબ આવ્યો, ‘પ્રિય સુતુ, માનું છું કે બધું બરાબર હશે, અહીં પણ બધું બરાબર છે. હું મારા માતા-પિતાને આપણી જિંદગીમાં દખલ નહીં કરવાનું સમજાવી દઈશ અને મારે જે કરવાનું છે તે હું કરીશ. ચિંતા કરવાની જરૂર નથી. પ્રેમ જેસીયુ.’
એ દિવસે હું સમજી ગઈ કે, જાની ઓછા શબ્દોમાં પોતાની વાત મજબૂતીથી કહી શકે છે. એ એકવાર નિર્ણય કરે પછી કશું જ નહીં બદલે એવો એના પર વિશ્વાસ રાખતા હું શીખી ગઈ. જાની એના ચાર ભાઈ-બહેનોમાં સૌથી મોટો હતો. એની બહેન અની, રાની અને સૌથી નાની બહેન રમણી, ભાઈને ખૂબ પ્રેમ કરતાં. જાનીએ પરિવારની જવાબદારી બહુ સરસ રીતે ઉઠાવી હતી એટલે માતા-પિતાને પણ આદર અને સ્નેહ હતો. હું પછીથી સમજી શકી કે, મારા સસરા ખૂબ આધુનિક વિચારોના અને બહાદુર માણસ હતા, પરંતુ પત્નીનાં ગુસ્સાને કારણે એમણે દીકરાના લગ્ન સમયે ‘નરો વા કુંજરો વા’ કરવાનું નક્કી કરીને ચૂપ રહેવાનું પસંદ કર્યું. ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં હું ફરી ટ્રાઈન્કાજના કોન્ટ્રાક્ટ માટે કલકત્તા ગઈ. અમે ૧૬ ઓક્ટોબર (શનિવાર હતો એટલે ખાસ એ તારીખ નક્કી કરી) ૧૯૭૧ના દિવસે લગ્ન કર્યાં. મિસ્ટર જોસુઆ અને મિસ્ટર પૂરી જે ટ્રાઈન્કાના માલિક હતા એમણે પોતાના ઘરે જ અમારા લગ્નનું આયોજન કર્યું. મારા અપ્પા-અમ્મા અને ભાઈ ત્યાગરાજ લગ્નમાં આવ્યાં. સાવ સાદી રીતે અમે શાંતિથી લગ્ન કરી લીધા. જાનીના માતા-પિતા ના આવ્યા. લગ્નના દિવસે સાંજે હોટેલ હિન્દુસ્તાન ઈન્ટરનેશનલમાં અમે ખૂબ નજીકના મિત્રો અને સ્નેહીઓને ભોજન માટે આમંત્રિત કર્યા.
લગ્ન પછી મેં કલકત્તામાં રહેવાનું શરૂ કર્યું. ઓકલેન્ડ સ્ક્વેર પર જસાલ હાઉસમાં અમારું નાનકડું ઘર હતું. જાનીની બદલી એ જ વખતે કોચીન (કેરાલા)માં થઈ. ઘણું વિચાર્યા પછી મેં નક્કી કર્યું કે, લગ્ન પછી પણ જો જુદા જ રહેવાનું હોય તો લગ્ન કરવાનો શો અર્થ હતો! હું નોકરી નહોતી કરતી એટલે મારી કારકિર્દી તો ક્યાંયથી પણ બની જ શકે એમ હતી. હું જાની સાથે કોચીન શિફ્ટ થઈ ગઈ. અમે ખૂબ મજા કરી. મને કોન્સર્ટ્સની અનેક ઓપોર્ચ્યુનિટીઝ મળતી ગઈ. એલેપ્પી, ત્રિવેન્દ્રમ, કાલિકટ અને ત્રિચુર જેવી જગ્યાએ પણ મારા શો થયા.
૨૨ જુલાઈ, ૧૯૭૨ના દિવસે અંજલિનો જન્મ થયો. અંજલિ જન્મી એના એક અઠવાડિયા પહેલા સુધી હું મોટા પેટ સાથે શોઝ કરતી હતી! મજાની વાત એ છે કે, શ્રોતાઓએ પણ મને આનંદથી આવકારી… હું સાડી પહેરતી એટલે મારું મોટું પેટ જરાય ખરાબ કે વલ્ગર નહોતું લાગતું! અંજલિના જન્મ વખતે અમ્મા-અપ્પા અમારે ત્યાં રહેવા આવ્યા, અમે ચાકોના માતા-પિતાને જણાવ્યું, પરંતુ એમણે કોઈ રિએક્શન ના આપ્યું. હું સમજી શકી કે એમનો ગુસ્સો હજી ઉતર્યો નથી.
અંજલિ જ્યારે છ મહિનાની થઈ ત્યારે મેં મારા સાસુ-સસરા પાસે દિલ્હી જવાનું નક્કી કર્યું. જાનીએ મને વારંવાર પૂછ્યું, ‘ખરેખર જવું છે?’ હું દ્રઢ હતી. હું પહોંચી ત્યારે હું જોઈ શકી કે, મારા સાસુ એનો તમામ ગુસ્સો છોડીને અંજલિને પોતાના હાથમાં ઉપાડીને રડવા લાગ્યાં… એ પછી તો એમણે મને માફ કરી દીધી એટલું જ નહીં, એમને માટે હું એમની દીકરીઓ કરતાં પણ વધુ ડિપેન્ડેબલ વ્યક્તિ બની ગઈ.
ટ્રાઈન્કામાં ગાતા ગાતા મને ઘણી તક મળી. એચએમવી રેકોર્ડ્સ, ફિલ્મો અને ઘણી પ્રસિધ્ધિ પણ મળી, પરંતુ આ બધા સમય દરમિયાન મારે કોઈકના સ્ટુડિયોમાં રેકોર્ડ કરવા જવું પડતું. મારા મનમાં મારો પોતાનો સ્ટુડિયો અને નાનકડી ઓફિસ હોય એવું એક સ્વપ્ન હતું. હું આમતેમ ફરતાં કોઈ પોષાય એવી જગ્યા શોધતી રહેતી. અમે લગ્ન કર્યાં ત્યારથી મેં અને જાનીએ નક્કી કર્યું હતું કે, અમે બે વિષય પર વાત નહીં કરીએ. એક, ધર્મ અને બીજું, કમાણી-પૈસા!
જાનીને ખબર હતી કે, હું સ્ટુડિયો શોધી રહી છું, પણ એણે કોઈ દિવસ મને એ વિશે કંઈ પૂછ્યું કે ન કંઈ કહ્યું. શોધતા શોધતા એક દિવસ મને એક પ્રોપર્ટી ખૂબ ગમી. ડોન બોસ્કો ચર્ચની પાસે સર્વિસ સેન્ટરનો ટોપ ફ્લોર વેચવાનો હતો. મેં માલિકને સમજાવ્યા કે, અત્યારે મને ભાડે આપો. હું સમય જતા એને ખરીદી લઈશ. બીજી નવેમ્બર, ૧૯૬૨ના દિવસે બે માણસના સ્ટાફ સાથે મેં સ્ટુડિયો વાઈબ્રેશન્સ શરૂ કર્યો. વી. બલસારા મારા અકાઉન્ટન્ટ અને સ્ટુડિયોના ટાઈપિસ્ટ હતા અને નવીન ઘોષ જે તબલાં પણ વગાડતા એમને સાઉન્ટ રેકોર્ડિંગનો અને સ્ટુડિયોનો અનુભવ હતો. એમણે સ્ટુડિયો સંભાળી લીધો…
આસામ, મિઝોરમ, બાંગ્લાદેશથી લોકો ત્યાં રેકોર્ડિંગ માટે આવવા લાગ્યા. રૂના લૈલા અને શબીના યાસમિન, અલ્લાઉદ્દીન અલી, એન્ડ્રુ કિશોર જેવા લોકોએ મારે ત્યાં રેકોર્ડિંગ કર્યું. સ્ટુડિયો વાઈબ્રેશન્સ ૨૦૧૧ સુધીમાં એટલો પ્રસિદ્ધ અને ઈક્વિપ્ડ થઈ ગયો કે, મને હવે ક્યાંય બહાર જવાની જરૂર નહોતી પડતી.
આવક પણ સારી ચાલું થઈ ગઈ…
એ ગાળામાં બપ્પી લહેરી એક દિવસ મારી પાસે આવ્યા. એમણે મને કહ્યું કે, ફ્રેન્ક સેનાટ્રાના એક ગીત પરથી એમણે એક ગીત બનાવ્યું છે અને મારે એ ગાવું જોઈએ. એમણે મને જે ધૂન સંભળાવી એ મને બહુ ન ગમી, પરંતુ મેં એમાં થોડા ફેરફાર કરીને એમને જે મેં ધૂન સંભળાવી એ એમને બહુ ગમી. અમે એ ગીત રેકોર્ડ કર્યું. ઈન્દિવર સાહેબે લખેલું આ ગીત ખૂબ પ્રસિદ્ધ થયું… ગીત ભલે હિન્દી પોપ હતું, પણ એમાં એક ફિલોસોફી હતી, લોકોને એ ગીત ખૂબ ગમ્યા.
એ પછી તો કોઈ ‘યહાં નાચે નાચે’ અને ‘શાન સે’ જેવા ગીતો ખૂબ પ્રસિદ્ધ થયાં. જોકે, મારાં ગીતો વેમ્પ અને ‘બેડ ગર્લ્સ’ માટે જ વાપરવામાં આવતા. કલ્પના ઐયર, પદ્મા ખન્ના, જયશ્રી ટી અને પ્રેમા નારાયણ જેવી કેબ્રે ડાન્સર્સ માટે મારાં ગીતો વપરાયાં, પરંતુ સમય સાથે ‘ચોલી કે પીછે ક્યા હૈ’ જેવું ગીત પણ મને મળ્યું અને કારકિર્દી ખૂબ સારી રીતે ચાલવા લાગી.
(ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular