પહેલી જાન્યુઆરીથી બેંકો પોતાના નિયમોમાં મહત્વના ફેરફારો કરવા જઈ રહી છે જેના વિશે આપને માહિતી હોવી જરૂરી છે. 1 જાન્યુઆરી, 2023થી બેંકોના લોકર્સ સંબંધિત નિયમમાં મોટા મોટા ફેરફાર કરવામાં આવશે જેમાં સૌથી મહત્વનો અને મોટો બદલાવ એ છે કે હવે બેંક લોકરમાં રહેલી વસ્તુઓના નુકસાન કે ખોવાઈ જવા જેવી બાબતોમાં પોતાની જવાબદારીમાંથી છટકી નહીં શકે. તેણે ગ્રાહકોને વળતર ચૂકવવું પડશે એવું આરબીઆઇ દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફીકેશનમાં જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત બેંક ગ્રાહક પાસેથી લોકરની ફી પેટે ત્રણ વર્ષથી સુધીનો ચાર્જ વસૂલવાનો અધિકાર બેંક પાસે છે. દાખલા તરીકે જો કોઈ બેંકના લોકરનું વર્ષનું ભાડું 1500 રૂપિયા છે તો તે ગ્રાહક પાસેથી બેંક બાકીના સર્વિસ ચાર્જને બાદ કરતાં 4500 રૂપિયા કરતાં વધુ પૈસા વસુલી શક્શે નહીં. આ સિવાય જો કોઈ ખાતાધારક કોઈને નોમિની બનાવે તો બેંકે તેને લોકરમાંથી વસ્તુ કાઢવાની પરવાનગી આપવી પડશે. ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવા માટે આરબીઆઇ દ્વારા આ પગલાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત જો બેંક કોઈ કારણસર ગ્રાહકનું લોકર ખોલશે તો તેની માહિતી તેમણે એસએમએસ અને ઈમેલના માધ્યમથી ગ્રાહકને આપવી પડશે.