સૂકામેવાથી લઈને તાજા લીલા અંજીરમાં સમાયેલા છે અણમોલ આરોગ્યવર્ધક લાભ
સ્વાસ્થ્ય સુધા-શ્રીલેખા યાજ્ઞિક
સૂકામેવાની વાત નીકળે એટલે લગભગ કાજુ-કિસમિસ, બદામ-પીસ્તા જ પહેલાં યાદ આવે. આલુ, અંજીર, ખારેક વગેરે ત્યાર પછી જ યાદ આવે. સૂકામેવામાં અંજીરની અંદર સૌથી વધુ ન્યૂટ્રિશનલ સત્ત્વ સમાયેલું જોવા મળે છે. હવે તો અંજીર તથા ખજૂરની મીઠાઈઓ પણ બજારમાં મળવા લાગી છે. અંજીરનો ઉપયોગ સવારે નરણાં કોઠે કરવામાં આવે તો અનેક આરોગ્યવર્ધક ગુણો શરીરને મળે છે.અંજીરમાં વિટામિન એ, વિટામિન બી, ફાઈબર, પોટેશિયમ, મિનરલ્સ, કૅલ્શિયમ, પ્રોટીન તથા ઍન્ટિ ઑક્સિડન્ટની માત્રા સમાયેલી જોવા મળે છે. અંજીર એક એવું ફળ છે જેને કાચું તથા સૂકવ્યા બાદ પણ ખાઈ શકાય છે.દિવસ દરમિનાય ફક્ત બે નંગ અંજીરનું સેવન કરવાથી શરીરની તંદુરસ્તી જાળવવામાં મદદ મળે છે. વિશ્ર્વભરમાં અંજીરમાં અનેક વિધતા જોવા મળે છે. અંજીરના ફળનો રંગ આછો પીળો હોય છે. પાકી ગયા બાદ તેનો રંગ ઘેરો સોનેરી બની જતો હોય છે. નાસપતીના આકારને મળતું આવતું અંજીરના ફળમાં ખાસ સોડમ જોવા મળતી નથી. તેમ છતાં તે રસદાર તથા માવેદાર ફળ ગણાય છે. રોમન લોકો તેને ભવિષ્યની સમૃદ્ધિનું વૃક્ષ ગણીને અંજીરના વૃક્ષનો અત્યંત આદર કરે છે. પ્રાચીન યૂનાનમાં તો અંજીરના ફળનું વ્યાપારિક દૃષ્ટ્રિએ એટલું મહત્ત્વ હતું કે તેના નિકાસ ઉપર પણ પ્રતિબંધ લગાવવો પડ્યો હતો. ભારતમાં અંજીરની ખેતીમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમાંકે આવે છે. તમિલનાડુ, ગુજરાત તથા ઉત્તર પ્રદેશમાં કરવામાં આવે છે. અંજીરનો કિલોનો ભાવ ૮૦૦થી ૧૫૦૦ જોવા મળે છે.
——————–
અંજીરના આરોગ્યવર્ધક લાભ
કબજિયાતની તકલીફથી છુટકારો
શરીરના પ્રત્યેક અંગ પોતાનું કામ વ્યવસ્થિત કરે તે માટે શરીરને પૂરતાં પ્રમાણમાં પોષક તત્ત્વો મળે તે જરૂરી ગણાય છે. અંજીરમાં ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. વહેલી સવારના ખાલી પેટ અંજીર ખાવાથી કબજિયાતની તકલીફમાં રાહત મળે છે. ઍન્ટિ ઓક્સિડન્ટની માત્રા ભરપૂર હોવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ જાળવવામાં મદદ મળે છે. વજન વધતું ના હોય તેમને માટે નરણાં કોઠે અંજીરનો ઉપયોગ રામબાણ ગણાય છે. અનેક લોકોને અંજીરને કાચા ખાવા પસંદ હોતા નથી. તેમને માટે અંજીરને દૂધમાં ઉકાળીને તે દૂધનો ઉપયોગ કરવો શક્ય છે. જે સ્વાદિષ્ટ હોવાની સાથે આરોગ્યની જાળવણીમાં મદદ કરે છે.
—————–
રોગપ્રતિકારક શક્તિ વધારનાર ગણાય છે
અંજીરને રોગપ્રતિકારક શક્તિ વધારનાર ફળ કે સૂકો મેવો ગણવામાં આવે છે. તેનું મુખ્ય કારણ છે અંજીરમાં વિવિધ વિટામિન, પોટેશિયમ, મિનરલ્સ, કૅલ્શિયમના ગુણ સમાયેલાં જોવા મળે છે. તેનો આહારમાં ઉપયોગ નિયમિત પ્રમાણભાન રાખીને કરવાથી શરીરને અકારણ રોગથી બચાવી શકાય છે.
—————–
બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં ગુણકારી
આજકાલ બ્લડપ્રેશરની તકલીફ નાની વયમાં થતી જોવા મળી રહી છે. તેનું મુખ્ય કારણ ફાસ્ટ ફૂડનું સેવન. વળી સતત ટી.વી, મોબાઈલ કે કમ્પ્યુટરમાં મગ્ન રહેવાથી વ્યક્તિનું જીવન બેઠાડુ બની જતું હોય છે. સતત સ્પર્ધાત્મક વાતાવરણમાં જીવતી વ્યક્તિ પણ બ્લડપ્રેશરની શિકાર બની જતી હોય છે. આવા સંજોગોમાં તેનાથી બચવાના ઘરેલું ઉપાય પણ અનેક વખત કારગત સાબિત થતાં હોય છે. નિષ્ણાત ડૉક્ટરની સલાહની સાથે આહારમાં અંજીરનો સમાવેશ ગુણકારી ગણાય છે.
——————-
પ્રજનન ક્ષમતા વધારવામાં ગુણકારી
આપણે ઉપર જોયું કે અંજીરમાં ઝિંક, આયર્ન, મેંગેનિઝ, મેગ્નેશિયમ, જેવા ખનીજ તત્ત્વોનો ભંડાર સમાયેલો જોવા મળે છે. ઉપરોક્ત ખનીજ તત્ત્વો પ્રજનન ક્ષમતા વધારવામાં તથા મજબૂત બનાવવામાં ગુણકારી ગણાય છે. અંજીરમાં સમાયેલું ઍન્ટિ-ઓક્સિડન્ટ તથા ફાઈબર હાર્મોન્સનું અસમતોલપણું કે અનિયિમિત માસિક સ્ત્રાવને કારણે ઊભી થતી સમસ્યાથી બચાવવામાં મદદ કરે છે. મહિલાઓમાં નબળાઈ વધે ત્યારે અંજીરને દૂધમાં પલાળીને ખાવાની સલાહ આપવામાં આવે છે. —————
ડાયાબિટીસના દર્દીઓને માટે ગુણકારી
અંજીરમાં ભરપૂર પ્રમાણમાં પોટેશ્યિમની માત્રા સમાયેલી જોવા મળે છે. જે શરીરમાં વધતી શર્કરાને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. અંજીરમાં સમાયેલો ક્લોરોજેનિક એસિડ લોહીમાં શર્કરાની માત્રા ઘટાડવામાં મદદ કરે છે. સલાડ કે સ્મૂધીમાં અંજીરનો ઉપયોગ કરી શકાય છે.
—————-
હાડકાંને મજબૂતાઈ બક્ષે છે
અંજીરમાં કૅલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશ્યિમ, પોટેશિયમ વગેરેનું પ્રમાણ સારા પ્રમાણમાં સમાયેલું છે. હાડકાંની મજબૂતાઈ માટે તે અત્યંત ગુણકારક ગણાય છે. શરીર સ્વયં કૅલ્શિયમ બનાવી શકતું નથી તેથી શરીરની કૅલ્શિયમની આવશ્ર્યક્તા પૂર્ણ કરવા કૅલ્શિયમથી ભરપૂર હોય તેવો આહાર અપનાવવો આવશ્યક ગણાય છે.
——————
અંજીર-સૂકામેવાની બરફી
સામગ્રી : ૧ નાની ચમચી શેકેલાં અખરોટના ટુકડા, ૧ નાની ચમચી શેકેલાં બદામના ટુકડા, ૧ નાની ચમચી પીસ્તા, ૧ નાની ચમચી ખસખસ, ૧ ચમચી શુદ્ધ ઘી, ૧ નાની ચમચી એલચી-જાયફળ -તજ-નો પાઉડર, ૧૦-૧૨ નંગ સૂકા
અંજીર.
બનાવવાની રીત : સૌ પ્રથમ અંજીરને ગરમ પાણીમાં નાના ટુકડા કરીને પલાળી દેવાં. અડધો કલાક બાદ અંજીરને મિક્સરમાં વાટીને પેસ્ટ બનાવી લેવી. એક નૉન સ્ટીક કડાઈમાં એક ચમચી ઘી લઈને તેમાં અંજીરની પેસ્ટ ઉમેરવી. પેસ્ટને ધીમા તાપે ગરમ કરવી. તેમાં શેકીને તૈયાર કરેલાં બદામ-અખરોટ, પીસ્તા, ખસખસ તથા એલચી જાયફળ-તજનો પાઉડર ભેળવવો. એક ગોળા જેવું બની જાય એટલે આંચ બંધ કરી દેવી. ઘી લગાવેલી થાળીમાં મિશ્રણ પાથરી દેવું. મિશ્રણને સુખડી જેવું પાથરવું. સજાવટ માટે બદામ-પીસ્તાની કતરણ ભભરાવવી. એક સરખાં ટુકડા કરીને પીરસવાં.
—————-
અંજીર ક્યારે ખાવા યોગ્ય છે
સામાન્ય રીતે પલાળેલાં અંજીર ખાવા વધુ આરોગ્યપ્રદ ગણાય છે. સૂકા અંજીર પણ ખાઈ શકાય છે. પલાળેલાં અંજીરનો ઉપયોગ
ટાઈપ -૨ ડાયાબિટીસમાં ગુણકારી ગણાય છે. અંજીરને અન્ય બીજ
જેવા કે સનફ્લાવર, ચીયાબીઝ, કોળાના બીજ કે અળસી સાથે ખાઈ
શકાય છે. સૂકા અંજીર કરતાં પલાળેલાં અંજીર શરીર માટે વધુ ગુણકારી ગણાય છે.