કવર સ્ટોરી -દર્શના વિસરીયા

પેલું કહેવાય છેને કે મન હોય તો માળવે જવાય… જો મનમાં કંઈક નક્કર કરી દેખાડવાની ચાહ હોય તો પછી અવરોધો તમને સફળતા મેળવતાં અટકાવી શકે નહીં. આવા જ સંઘર્ષની જીવતી-જાગતી મિસાલ છે ડીએસપી બબલી સિંહ, આજની આપણી કવર સ્ટોરીની હિરોઈન. કૉન્સ્ટેબલની ૨૦-૨૦ વર્ષની નોકરી, ગર્ભાવસ્થા અને બિહાર લોકસેવા આયોગ એટલે બીપીએસસી જેવી અઘરામાં અઘરી પરીક્ષા… મંઝિલ મેળવવાના રસ્તામાં આવેલી આટ-આટલી મુશ્કેલીઓ પણ બબલીના ઈરાદાઓને ડગમગાવી શકી નહીં. ઑગસ્ટ મહિનામાં જાહેર કરવામાં આવેલા બીપીએસસીના રિઝલ્ટે બબલીને કૉન્સ્ટેબલમાંથી સીધી ડીએસપીની પૉસ્ટ પર પહોંચાડી દીધી છે. કાલ સુધી જે ઓફિસરોને બબલી સેલ્યુટ કરતી હતી હવે એ જ બધા ઑફિસર બબલીની અંડર કામ કરશે… બબલી પોતાના પરિશ્રમથી બિહારની છોકરીઓ માટે રૉલ મૉડેલ બની ચૂકી છે.
આ વિશે વાત કરતાં બબલી સિંહે જણાવે છે કે ‘ઘરની ખરાબ આર્થિક સ્થિતિને કારણે હું હંમેશાંથી જ સરકારી નોકરી કરવા માગતી હતી, કારણ કે સરકારી નોકરીમાં એટલીસ્ટ એક પ્રકારની જૉબ સિક્યોરિટી હતી. મારા પિતા ખેડૂત છે અને તેની સાથે સાથે તેઓ સ્કૂલ બસ પણ ચલાવે છે. પરિવારમાં મારી ચાર બહેન અને એક ભાઈનો સમાવેશ થાય છે. ૨૦૧૫માં મને પોલીસ વિભાગમાં કૉન્સ્ટેબલ તરીકે નોકરી મળી અને એ જ સમયે મેં વિચારી રાખ્યું હતું કે જે પણ પહેલી નોકરી મળશે એ હું કરી લઈશ. આ જ કારણસર કૉન્સ્ટેબલની પૉસ્ટ પર જોઈન કરી લીધું મેં, પણ મારી મંઝિલ આ નહોતી. હું કંઈક મોટું કરવા માગતી હતી.’
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે બબલીએ કૉન્સ્ટેબલ તરીકે પોલીસ ફોર્સ જૉઈન કરી ત્યારે તેનાં લગ્ન થઈ ચૂક્યાં હતાં. સાસરિયાંઓએ અને તેમાં પણ ખાસ કરીને તેના પતિ રોહિત સિંહે ખૂબ જ મદદ કરી બબલીનું સપનું પૂરું કરવામાં. વાતનો દોર આગળ વધારતાં બબલી જણાવે છે કે ‘મારા પતિને ખબર હતી કે હું આગળ ભણીને કંઈક કરવા માગું છું. તેમણે જ મને બીપીએસસીની પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કરી. મારી જેઠાણી અને દેરાણીઓને જોઈને મને ભણવા અને આગળ વધવાની પ્રરેણા મળી. સામે પક્ષે તેમણે પણ ઘરની જવાબદારીઓ પોતાના ખભે ઉઠાવી લીધી જેથી હું મારો પૂરો સમય બસ ભણવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકું.’
બબલી તો ત્યાં સુધી કહે છે કે ‘મને એવું લાગે છે કે જો હું મારા પિયરમાં હોત તો કદાચ મને સફળતા ન મળી હોત.’
પરિવારના સપોર્ટ બાદ પણ બીપીએસસી જેવી અઘરી પરીક્ષા પાસ કરવી એ કંઈ સહેલું તો નહોતું જ. આપણે બધા જ જાણીએ છીએ કે પોલીસ વિભાગની નોકરી કેવી અને કેટલી અઘરી હોય છે. આખો દિવસ ડ્યુટી કરીને ઘરે આવ્યા બાદ ભણવાનું મન કઈ રીતે થાય? પણ તેમ છતાં બબલીએ પોતાનું સપનું સાકાર કરવા માટે તનતોડ મહેનત કરવાનું નક્કી કરી લીધું હતું. આટલું ઓછું હોય તેમ જ્યારે બબલીને મેઈન એક્ઝામ માટે બોલાવવામાં આવી ત્યારે તે ગર્ભવતી હતી. નોકરી, ગર્ભાવસ્થા અને ભણવાનું ત્રણેય વચ્ચે બેલેન્સ કરવાનું અઘરું હતું બબલી માટે. ‘બીપીએસસી માટે હું ઓલરેડી બે એટેમ્પ્ટ કરી ચૂકી હતી અને આ ત્રીજો એટેમ્પ્ટ હતો મારા માટે, એટલે હું આ ચાન્સને ગુમાવવા નહોતી માગતી. આખરે મેં છ મહિનાની રજા મૂકી અને પટના જઈને મારા અભ્યાસ પર ફોકસ કર્યું.’
૧૯૯૫માં બિહારમાં જન્મેલી ૨૭ વર્ષની બબલી આ પરીક્ષામાં પાસ થઈ ૨૦૮મી રેન્ક સાથે. બબલીની સફળતાને બધાએ બિરદાવી છે. બાળપણથી જ અઘરી અને કઠોર પરિસ્થિતિઓમાં ઊછરેલી બબલી એ વિશે વાત કરતાં જણાવે છે કે ‘મને હાઈ સ્કૂલમાં સાયન્સ લેવું હતું પણ આ વિષય ખૂબ જ અભ્યાસ માગી લે છે અને બીજું એટલે કે મને ભણવા માટે બહાર જવું પડત કદાચ… એવા સંજોગોમાં મારી માતાએ મને કહ્યું કે અમારાં બીજાં ચાર સંતાનો પણ છે અને અમારે બધાંને જોવાનાં છે. સમાધાન કરીને મેં આર્ટ્સમાં એડમિશન લઈને મન મનાવ્યું. હકીકતમાં કહું તો હું ત્યાં એટલે જ ભણી રહી હતી કે એટલીસ્ટ કોઈ ઢંગની નોકરી મળી જાય. મગધ યુનિવર્સિટી હેઠળ આવતી ગયા કૉલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું. અત્યારે મને સાત મહિનાની એક દીકરી છે અને મારા પરિવારની સાથે સાથે મારા મોટા ભાઈનું પણ મારી સફળતામાં સૌથી મોટું યોગદાન રહ્યું છે. તેઓ ગયામાં ટીચર તરીકે ફરજ બજાવી રહ્યા છે.’
જ્યારે પહેલા અને બીજા એટેમ્પ્ટમાં બબલીનું બીપીએસસી ક્લિયર ન થયું ત્યારે એ જ હતા કે જેમણે તેને વધુ એક પ્રયાસ કરવા માટે જણાવ્યું અને કહ્યું કે બે જ નંબરની કમી રહી ગઈ છે તો એ આ ત્રીજા પ્રયાસમાં પૂરી કરી શકાય. આ સિવાય પણ તેમણે બબલીને તેની દરેક મુસીબતમાં મદદ કરી અને તેની સાથે ઊભા રહ્યા હતા.
આ જ વર્ષે જુલાઈ મહિનાથી ખગડિયાથી બબલીની ટ્રાન્સફર બેગુસરાય પોલીસ લાઈનમાં કરવામાં આવી છે અને તેને હાલમાં ડીએસપી પદની ટ્રેઈનિંગ માટે પોલીસ ટ્રેઇનિંગ એકેડેમીમાં મોકલવામાં આવી છે. બેગુસરાયના એસપી યોગેન્દ્ર કુમારે બબલીને તેની સફળતા માટે અભિનંદન પાઠવ્યા છે. પોતાના સપનાને સાકાર કરવા માટે સતત પરિશ્રમ કરી રહેલી યુવતીઓ માટે બબલી એટલું જ કહેવા માગે છે કે જો તમે તમારા સપનાને પામવા માટે સખત મહેનત કરો તો તમને એક દિવસ તમારી મહેનતનું ફળ ચોક્કસ જ મળે છે…

Google search engine