શંખથી સકારાત્મકતા સુધી…

લાડકી

કવર સ્ટોરી – દર્શના વિસરીયા

હેડિંગ વાંચીને ચોક્કસ જ તમે એકાદ સેક્ધડ માટે તો ગૂંચવાઈ જ ગયા હશો કે આખરે આ કઈ રીતે શક્ય છે અને છે તો કેવી રીતે? ભારે ઉતાવળા તમે તો ભાઈસા’બ… જરા ધીરા પડો, આજની આપણી કવર સ્ટોરીનો વિષય જ આ છે. આજે આપણે વાત કરવાના છીએ એક એવી પર્સનાલિટી સાથે કે જેણે આ ક્ષેત્રમાં દોઢ દાયકા કરતાં લાંબા સમયથી કામ કર્યું છે અને એના વિશે અખૂટ જ્ઞાન ધરાવે છે. તો ચાલો, વધારે સમય વેડફ્યા વિના મળીએ આર્ટિસ્ટ કૃપા શાહને, પણ એ પહેલાં કૃપાબહેનનો ટૂંકમાં પરિચય મેળવી લઈએ.
કૃપાબહેન આમ તો એબ્સ્ટ્રેક્ટ પેઈન્ટર છે અને તેની સાથે સાથે જ તેઓ લોકોમાં શંખ અને શંખનાદથી પરિવાર તેમ જ આસપાસમાં આવતી પોઝિટિવિટી વિશે લોકોમાં જાગૃતિ લાવવાના ક્ષેત્રે પોતાનું યોગદાન આપી રહ્યાં છે. પેઈન્ટિંગ અને શંખ અંગે લોકોમાં જાગરૂકતા લાવવા ઉપરાંત પણ મહિલા સશક્તીકરણ અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે વૃક્ષારોપણ, પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે ગંધથી પારખી શકાય એવા રંગો બનાવવા જેવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં છે.
‘બાળપણથી જ મને આર્ટમાં રસ હતો. એ સમયે ડાન્સ, પેઈન્ટિંગનો શોખ હતો. બાળણપથી જ મને જીવનમાં કંઈક કરી દેખાડવું છે એવી ધૂન હતી અને એ ધૂન આજની તારીખમાં પણ એટલી જ તરોતાજા છે મારામાં. સાઈકોલોજીનો અભ્યાસ કરવાની ઈચ્છા હતી, પણ મમ્મી-પપ્પાને એવું હતું કે અમારી દીકરી સારી જગ્યાએ ઠરીઠામ થઈ જાય એટલે એમની આજ્ઞાને માનીને એમણે પસંદ કરેલા પરિવારમાં લગ્ન માટે હા પાડી દીધી અને અઢારમા વર્ષે તો મારાં લગ્ન થઈ ગયાં. જોકે સસરાજીએ લગ્ન વખતે જ કહ્યું હતું કે લગ્ન પછી પણ તારું ગ્રેજ્યુએશન પૂરું કરાવવાની જવાબદારી અમારી એટલ લગ્ન પછી ગ્રેજ્યુએશન પૂરું કર્યું. વીસમા વર્ષે પહેલી દીકરી, ત્રેવીસમા વર્ષે બીજી દીકરી અને પચીસમા વર્ષે ત્રીજી દીકરીનો જન્મ થયો. એવામાં જ એક દિવસ મમ્મીનો ફોન આવ્યો કે કૃપા, તારાં પેઈન્ટિંગ અમે સાચવીને થાકી ગયાં અને હવે અમે એ પેઈન્ટિંગ તારા ઘરે મોકલાવીએ છીએ, તું જ સાચવ. એ પેઈન્ટિંગ ઘરે આવ્યાં ત્યાં સુધી મારાં સાસરિયાંઓને ખ્યાલ નહોતો કે હું આટલું સારું પેઈન્ટિંગ કરી શકું છું. ઘરમાં આવેલાં પેઈન્ટિંગને જોઈને સસરા મહેન્દ્રભાઈએ પૂછ્યું કે આ પેઈન્ટિંગ કોણ ખરીદીને લાવ્યું? એમને એટલો ખ્યાલ હતો કે મને આર્ટમાં રુચિ છે, પણ જ્યારે મેં એમને કહ્યું કે આ મારાં ખુદનાં પેઈન્ટિંગ છે તો એમણે મને કહ્યું કે જો તારી અંદર આટલું ટેલેન્ટ છે તો પછી તારે ઘરે બેસીને શું કરવું છે? તારે આમાં જ આગળ વધવાનું છે, જોઈ લે તને જ્વેલરી ડિઝાઈનિંગમાં આગળ વધવું છે કે બીજું કંઈક અલગ કરવું છે આ ક્ષેત્રમાં. એ દરમિયાન જ હું અમારી કંપની માટે નાની-મોટી ડિઝાઈન્સ બનાવતી હતી…’ કહે છે કૃપાબહેન. કૃપાબહેનને કંઈક કરવું છે એ સવાલનો જવાબ તો મળી ગયો હતો, પણ એ મળેલા જવાબથી હજી તેઓ પૂર્ણપણે સંતુષ્ટ નહોતાં, કારણ કે શાળામાં તો આપણને કોઈ પણ વસ્તુને જોઈને તેનું પેઈન્ટિંગ બનાવવાની જ ટ્રેઈનિંગ આપવામાં આવતી હતી, પણ કૃપાબહેનને આ રીતે કોઈ જોયેલી વસ્તુને કેન્વાસ પર નહોતી ઉતારવી, એમને તો કંઈક એવું કરવું હતું જે આપણી અંદરથી આવ્યું હોય, આપણા વિચારોને લોકો સુધી પહોંચાડે, તેમને પૉઝિટિવ ફીલિંગ અપાવે. આ જ બધા વિચારો એક પછી એક ટ્રેક બદલી રહ્યા હતા અને એવામાં તેમને લંડન જવાનું થયું અને ત્યાં તેમને જાણવા મળ્યું એબ્સ્ટ્રેક્ટ પેઈન્ટિંગ વિશે. આ પેઈન્ટિંગ આપણે ત્યાં એ સમયે બહુ પ્રચલિત નહોતાં એટલે યુટ્યુબ અને ગૂગલ પર ઉપલબ્ધ થયેલી માહિતી પરથી તેમણે એબ્સ્ટ્રેક્ટ પેઈન્ટિંગ કરવાનું શરૂ કર્યું, પણ તેમ છતાં મન કંઈ થાળે નહોતું પડી રહ્યું. કેટલાંય કેન્વાસ બગાડ્યાં, પણ મનને ઠારે એવું એક પણ આર્ટપીસ તૈયાર ન થયું. આ જ દરમિયાનમાં કૃપાબહેનનું ધ્યાન ગયું કે તેઓ જે કંઈ પણ બનાવતાં હતાં એમાં એમને શંખનો જ આકાર દેખાવા લાગ્યો. આને ઈશ્ર્વરનો સંકેત માનીને તેમણે શંખને જ પોતાની પ્રવૃત્તિનું કેન્દ્ર બનાવવાનું નક્કી કરી લીધું અને તેમનાં એબ્સ્ટ્રેક્ટ પેઈન્ટિંગમાં પણ સ્પિરિચ્યુઆલિટીનો એક ટચ જોવા મળે છે.
તેઓ ખૂબ જ લાંબા સમયથી શંખ વગાડે છે અને તેને કારણે તેમના જીવનમાં આવેલા પરિવર્તન વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે ‘મેં શંખ અને શંખનાદ વિશે રિસર્ચ કરવાનું શરૂ કર્યું અને ખરેખર એ દિવસથી મારા જીવનમાં મને પરિવર્તન આવી રહ્યું હોવાની અનુભૂતિ થવા લાગી. હવે હું આટલા લાંબા સમયથી શંખ વગાડું છું એટલે મને ખ્યાલ છે કે મારું મનોબળ એકદમ સ્ટ્રોન્ગ છે અને હું કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એકદમ સક્ષમ છું. આ બધું મને અને મારી ત્રણેય દીકરી, મારા પરિવારને મળ્યું છે શંખનાદને કારણે. આજકાલના સમયમાં જ્યારે છોકરાઓ
એકદમ અધીરા થઈ ગયા છે, તેઓ ખૂબ જ જલદી ખોટા રસ્તે ચડી જાય છે એવામાં આપણને આપણાં સંતાનોની ચિંતા થાય એ સ્વાભાવિક છે, પણ ટચવૂડ કે આવી કોઈ જ ચિંતા મને કે મારા પરિવારને નથી, કારણ કે મેં મારી દીકરીઓનું ઘડતર એ જ રીતે કર્યું છે. અમારા ઘરમાં એક નિયમ છે કે સમય હોય કે ન હોય, બે મિનિટ તો બે મિનિટ કાઢીને શંખ વગાડીને જ ઘરમાંથી બહાર નીકળવાનું અને મારી દીકરીઓ પણ આ નિયમને એક પણ દિવસ ભૂલ્યા વિના ફોલો કરે છે. આને કારણે તેમની અંદર તો પૉઝિટિવ એનર્જીનો સંચાર થાય જ છે, પણ તેની સાથે ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થાય છે.’
હાલમાં કૃપાબહેન શંખના સ્કલ્પચર બનાવે છે અને તેમણે ભારતનાં અલગ અલગ શહેરોમાં શંખની સ્થાપના પણ કરી છે, જેથી લોકો શંખ અને તેનાથી આવતી સકારાત્મક ઊર્જા અંગે જાગરૂક થાય. કૃપાબહેનની ઈચ્છા છે કે અત્યારના કોવિડકાળ પછી આસપાસમાં જે માહોલ જોવા મળી રહ્યો છે એ જોતાં દરેક ઘરમાં એક શંખ તો હોવો જ જોઈએ અને લોકોએ એ શંખ વગાડીને પોતાની અંદરની નકારાત્મકતાની સાથે સાથે જ આસપાસની નકારાત્મકતા દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને તેમનું ટાર્ગેટ જ એ છે.
આજકાલ તો ભેળસેળનો જમાનો છે અને એટલે જ શંખમાં પણ સાચા-ખોટાની પરખ કઈ રીતે કરવી જોઈએ એવું પૂછતાં કૃપાબહેન જણાવે છે કે ‘ઓરિજિનલ શંખની અંદરથી તમને સતત ઓમકારનો ધ્વનિ સંભળાય છે અને એ સિવાય જો તમારે એની બીજી પરખ કરવી હોય તો ચાંદીની થાળીમાં શંખને બરાબર સેન્ટરમાં મૂકો અને જો એ શંખ પોતાની જાતે ગોળ ગોળ ફરે તો એ જ સાચો શંખ. શંખનું એક બીજું સૌથી મોટું સિક્રેટ જણાવું તો શંખનો જે આકાર હોય છે અને તેમાં જે વલય હોય છે એ વલયને જો ભારતના નકશા પર ડ્રૉ કરવામાં આવે તો આપણા ભારતમાં આવેલાં બારેય જ્યોતિર્લિંગને આવરી લેતાં જોવા મળે છે…’
ટૂંકમાં શંખ વગાડીને આપણે એક પૉઝિટિવ અને વધુ સારા સમાજનું નિર્માણ કરી શકીએ છીએ અને કૃપાબહેનનું એક જ સપનું છે કે બધા લોકો આપણી સંસ્કૃતિ અને અધ્યાત્મના પ્રતીક સમાન શંખ અને તેના શંખનાદને જીવનમાં ઉતારે અને પોતાની સાથે સાથે અન્યોના જીવનને પણ ગુલઝાર બનાવે…

1 thought on “શંખથી સકારાત્મકતા સુધી…

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.