બે દિવસ બાદ એટલે કે 31મી માર્ચ 2023ના નાણાંકીય વર્ષ 2022-23 સમાપ્ત થઈ જશે અને 1લી એપ્રિલ 2023થી નવા નાણાંકીય વર્ષ 2023-24 ની શરૂઆત થઈ જશે. આ પરિસ્થિતિમાં બજેટ 2023-24માં કરવામાં આવેલી જાહેરાત પહેલી એપ્રિલ, 2023થી લાગૂ થઈ જશે. પહેલી એપ્રિલ 2023થી ઘણી વસ્તુઓના ભાવ વધી જશે, તો કેટલીક એવી વસ્તુઓ પણ છે કે જેના ભાવમાં ઘટાડો જોવા મળશે. પહેલી એપ્રિલથી જે વસ્તુઓ મોંઘી થવા જઈ રહી છે એમાં પ્રાઇવેટ જેટ, હેલીકોપ્ટર, હાઈ-એન્ડ ઈલેક્ટ્રોનિક આઇટમ, પ્લાસ્ટિકનો સામાન, જ્વેલરી, હાઈ-ગ્લોસ પેપર અને વિટામિન વગેરેનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય બજેટ 2023 દરમિયાન નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવેલી ઘોષણા અનુસાર કેમેરા લેન્સ અને મોબાઇલ ફોન જેવી વસ્તુ પહેલી એપ્રિલથી સસ્તી થઈ જશે, જ્યારે રસોઈની ચિમની અને સોના તથા પ્લેટિનમની વસ્તુઓ મોંઘી થશે. જે વસ્તુ સસ્તી થશે તેમાં કેમેરા લેન્સ, પ્રયોગશાળામાં બનેલા હીરા, સેલુલર મોબાઇલ ફોન, લિથિયમ-આયન બેટરી માટે મશીનરી અને ઈવી ઉદ્યોગ માટે કાચા માલનો સમાવેશ થાય છે.
કસ્ટમ ડ્યુટી ઘટાડવાની અસર
બજેટ રજૂ કરતી વખતે કેન્દ્ર દ્વારા કાપડ, ફ્રોઝન મસાલા, ફ્રોઝન સ્ક્વિડ, હિંગ, કોકો બીન્સ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય કર્યો હતો. આ સિવાય કેન્દ્રએ મિથાઈલ આલ્કોહોલ, એસિટિક એસિડ, કટ અને પોલિશ્ડ હીરા, પેટ્રોલિયમ ઉત્પાદનો માટે જરૂરી રસાયણો, સેલ્યુલર મોબાઈલ ફોન માટે કેમેરા લેન્સ પર પણ કસ્ટમ ડ્યૂટી ઘટાડી હતી.
એક્સપોર્ટ ડ્યુટી વધારવાથી ઘણી વસ્તુઓ મોંઘી થશે
કેન્દ્ર દ્વારા પણ છેલ્લાં બજેટમાં અનેક માલસામાન પર આયાત જકાત વધારવામાં આવી હતી અને આયાત જકાત વધારવાનો નિર્ણય રાજકોષીય સમજદારી પર ધ્યાન કેન્દ્રિત કરીને લાંબા ગાળાની વૃદ્ધિની વ્યૂહરચના ઘડવાના સરકારના ઉદ્દેશ્યને અનુરૂપ આવ્યો હતો.
નાણા પ્રધાન સીતારમણ અનુસાર રસોઈ ઈલેક્ટ્રિક ચિમની પર કસ્ટમ ડ્યુટી 7.5%થી વધીને 15 ટકા થઈ જશે. તેમણે કહ્યું કે, કેન્દ્રએ પ્રયોગશાળામાં બનેલા હીરાના નિર્માણમાં ઉપયોગ થનાર વસ્તુઓ પર મૂળભૂત કસ્ટમ ડ્યુટીને પણ ઘટાડી દીધી છે. નાણા પ્રધાને જણાવ્યું હતું કે કેન્દ્ર નિકાસને વેગ આપવા માટે ઝીંગા ફીડ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડશે અને કેન્દ્ર કોપર સ્ક્રેપ પર 2.5 ટકાની કન્સેશનલ બેઝિક કસ્ટમ્સ ડ્યુટી ચાલુ રાખશે.
આ વસ્તુઓ મોંઘી થશે
- ઘરગથ્થુ ઇલેક્ટ્રોનિક ચીમની
- સોનું
- ચાંદીના વાસણો
- પ્લેટિનમ
- સિગારેટ
- જ્વેલરી
- આયાતી માલ
આ સિવાય કેન્દ્રએ કેટલીક વસ્તુઓ સસ્તી કરવાનો પણ નિર્ણય લીધો છે જે પહેલી એપ્રિલ 2023થી લાગુ થશે. આવી કેટલીક વસ્તુઓમાં રમકડાં, સાઇકલ, ટેલિવિઝન અને મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે.
આ વસ્તુઓ સસ્તી થશે
- રમકડાં
- સાયકલ
- ટીવી
- મોબાઈલ
- ઇલેક્ટ્રિક વાહનો
- એલઇડી ટીવી