દેડકા શુભ વિવાહ: વરસાદી ફોર્મ્યુલા

ઉત્સવ

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ: શંકા ને શ્રદ્ધામાં કૈં પણ શક્ય! (છેલવાણી)
કહેવાય છ કે ૧૯૬૫માં દેવાનંદની મહાન ફિલ્મ ‘ગાઇડ’ સૌથી પહેલાં મુંબઇમાં રિલીઝ થયેલી ને શરૂઆતમાં ચાલતી નહોતી ત્યારે મુંબઇમાં મોડે સુધી વરસાદ નહોતો આવ્યો તો પછી દેવ આનંદે ‘ગાઇડ પ્રેઝ ફોર રેઇન’-નાં પોસ્ટરો મૂક્યાં ને ખરેખર વરસાદ પડ્યો, ગાઇડ ફિલ્મના ક્લાઇમેક્સની જેમ જ, જેમાં દેવ આનંદ, સાધુ તરીકે ઉપવાસ કરે છે ને ગામમાં વરસાદ આવે છે..અને બસ ફિલ્મ હિટ થઇ ગઇ! આ ખેતીપ્રધાન દેશમાં વરસાદ વિના ખેડૂતોથી વધારે વરસાદી કવિઓ ગાભણાં થઇને સલાવાણાં હોય છે કે વરસાદી કવિતાઓનું કરવું શુ? અમુકે તો નવરા બેઠા આવતા ચોમાસા સુધીની કવિતાઓ ઢસડી મારી છે!
ભારતમાં માન્યતા છે કે દેડકા-દેડકીના લગન કરાવાય તો વરસાદના દેવ રીઝે! ત્રણેક વરસ અગાઉ મધ્ય પ્રદેશનાં મંત્રી લલિતાબહેને એક ગામમાં દેડકા-દેડકીનાં ધામધૂમથી લગન કરાવેલાં. આધુનિક યુગમાં આ સરસ મૌલિક પ્રયત્ન કહેવાય! પણ થાય છે કે માણસજાતે, પોતાને પાણી મળે એ માટે બે કુંવારા દેડકાની જિંદગી પર પાણી ફેરવી નાખેલું. કોઇએ એકવાર પણ દેડકા-દેડકીને પૂછ્યું કે તમે એકબીજાને ગમો છો? તમારા જીવનમાં બીજું કોઈ પ્રેમીપાત્ર તો નથીને? શું તમને લગ્ન કરવામાં રસ છે? કે તમારે હજી ભણીગણીને કેરીઅર બનાવવી છે?તમારા બેઉની કુંડળીઓ મળે છે?
ત્યારે અમુક વાંકદેખા લોકોએ આવી અંધશ્રદ્ધાનો વિરોધ કરેલો પણ સૉરી, પ્રથા ગમે તેવી વિચિત્ર હોય પણ એને સરકાર નહીં સાચવે તો કોણ સાચવશે? જો પેલા દેડકાએ લગ્ન કરવા માટે જો દેડકી પાસેથી દહેજની માંગણી કરી હોય તો એ પણ સરકારે આપી દેવું જોઇએ..કારણ કે દહેજ પણ એક જાતની પ્રથા જ છે ને? જોકે સવાલ ઊઠે છે કે એ દેડકા દેડકીના લગ્નમાં જે ખર્ચો થયો એ સરકારી તિજોરીમાંથી થયેલો? વાંધો નહીં, આપણા ટેક્સના પૈસાથી સરકાર જો દેડકા-દેડકીનો સંસાર માંડી આપે તો આપણને ઇનડાયરેક્ટલી પુણ્ય જ મળશેને?
ઇન્ટરવલ
કીડી બિચારી કીડલી, કીડીનાં લગનિયાં લેવાય,
હાલો રે કીડી બાઇની જાનમાં
જોકે એ દેડકા-દેડકીના લગ્ન પ્રસંગના મેં ત્યારે છાપાંમાં ફોટા જોયેલા ત્યારે એમાં દેડકા-કપલના હાથપગને લાકડાના પાટલા પર બાંધીને આખી વિધિ કરાવવામાં આવેલી. આપણે ત્યાં કહેવાય છે કે ‘વર-ક્ધયા લગ્ન ગ્રંથિથી બંધાયાં’ પણ આ બિચારાં દેડકા-દેડકીએ તો લગ્ન કરવા માટે એક્ચ્યુઅલી બંધાવું પડયું! વળી સવાલ એ થાય છે કે કોઇએ ચેક કરેલું કે પરણનારાં બેઉ પાત્રો નર ને માદા જ હતાં? કારણ કે દેડકા ને દેડકીમાં કોણ નર? કોણ માદા? એ નરી આંખે ઓળખવું અઘરું છે! માટે ભૂલથી જો બે દેડકાના લગ્ન લેવાઇ ગયાં હશે તો ગડબડ થઇ જાશે..પર્જન્ય દેવ અર્થાત્ વરસાદના દેવતા આવા સમલૈંગિક સંબંધથી નારાજ થઇ શકે ને જે વરસાદ આવતો હશે એ પણ નહીં આવે!
એની વે, આઇ એમ શ્યોર કે ચોક્કસ મંત્રીજી એ જ દેડકીનું ક્ધયાદાન કર્યું હશે ને જમાઇના પગ ધોઇને પૂજા કરી હશે! કદાચ દેડકા દેડકીના લગ્ન પછી મ.પ્ર.માં ખૂબ વરસાદ પડ્યો હશે. દેડકા-કપલનાં આ વિવાહ, કૃષિ-પ્રધાન દેશમાં નવી હરિત ક્રાંતિની સાચી શરૂઆત છે.
ખરેખર આ મોન્સૂન-મેરેજ એક મંગલમય સમાચાર વાત..મ.પ્ર.માં જો પેલા દેડકા-દેડકીનાં લગ્ન કરાવી જ નાખેલાં તો સરકારે એમના હનીમૂનની પણ વ્યવસ્થા કરવી જોઇતી હતી. મ.પ્ર.માં તો નર્મદા કિનારે ભેડાઘાટ જેવા અનેક સુંદર સ્થળો છે માટે જો ત્યાં નવપરણિત દેડકા-યુગલને મધુરજની માટે મોકલવામાં આવે તો એમની દુઆ મળશે અને વધારે વરસાદ વરસશે.. વળી હનીમૂન પર ગયેલાં દેડકા કપલનાં રંગબેરંગી ફોટાઓનો પ્રચાર કરવામાં આવે તો મ.પ્ર. ટૂરિઝમને પણ ફાયદો થશે. માનવજગતના ઇતિહાસમાં આવાં બેજોડ ફ્રોગ-મેરેજ વિશે દેશ-વિદેશમાં લોકો સાંભળીને આશ્ર્ચર્યના માર્યા આ તરફ આકર્ષાશે.. મ.પ્રનું એ ગામ ડેસ્ટિનેશન વેડિંગ પણ બની શકે! હું તો કહું છું માત્ર મ.પ્ર. જ કેમ ગુજરાત, મહારાષ્ટ્ર અને આખા દેશમાં ગામેગામ દેડકા-દેડકીના લગ્નો થવાં જોઇએ જેથી આ ખેતીપ્રધાન દેશમાં દુકાળની સમસ્યા જ એકદમ ખતમ થઇ જાય! બલ્કી, સરકારોએ દેડકા-કપલ્સના સમૂહ લગ્નો યોજવા જોઇએ. આમ કરવાથી દેડકાઓની સંખ્યા પણ વધશે અને આડકતરી રીતે કુદરતની પણ સેવા થશે. હે દેશપ્રેમીઓ, દેડકાઓને પ્રેમ પરણાવો એજ રાષ્ટ્રની ડિમાંડ છે.
અરે, ભારતને છોડો , ૨ વરસ પહેલાં બોલિવીઆ દેશમાં એક લુપ્ત થતી દેડકાની પ્રજાતિમાં નર દેડકો એકલો હતો તો ત્યાંના વૈજ્ઞાનિકોએ ક્યાંકથી એક માદા દેડકી લાવી ને દેડકાનું ઘર માંડી આપેલું. એ બેઉની જોડીનું નામ પણ રોમિયો-જુલિયટ જેવું ક્યુટ રાખેલ!બોલો? જો કે આ દેડકા દેડકીના લગ્ન તોડાવવાની વાત પરથી બીજો પણ એક વિચારો આવે છે કે જે પ્રદેશમાં ખૂબ વરસાદ આવે અને પૂર જેવી સ્થિતિ સર્જાય તો ત્યાં શું દેડકા-દેડકી વચ્ચે ડિવોર્સ લેવડાવીને અતિવૃષ્ટિને અટકાવી શકાય? રિવર્સ ઇફેક્ટ યુસી! દર વરસે વરસાદ માટે દેડકા-દેડકીના મેરેજ ભલે મધ્ય પ્રદેશમાં થાય પણ મુંબઇમાં એમનું રિસેપ્શન રાખવામાં આવશે તો એમાં તૈયાર થઇને જવા માટે હું ખૂબ આતુર છું.
વળી જો દેશમાં પૂર આવે કે અતિવૃષ્ટિ થાય તો શું દેડકાદંપતીને છૂટાછેડા અપાવવાના? એની વે, આ દેશમાં માણસો છૂટથી નાત-જાતના બંધન વિના પ્રેમીપાત્રોને પરણે કે ના પરણે, પણ પ્રાણીઓ તો પરણી શકે છે, એ ઓછું છે!
એન્ડ ટાઇટલ્સ
આદમ: સ્ત્રીઓ પુરુષોથી વધુ જુઠ્ઠું બોલે!
ઇવ: સાવ ખોટ્ટું!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.