Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
કોરોનાના દર્દીઓની સેવા માટે જમાપૂંજી ખર્ચી નાખી!
કોરોનાના દર્દીઓની સેવા માટે જમાપૂંજી ખર્ચી નાખી!

સ્પેશિયલ-નિધિ ભટ્ટ



કોરોના મહામારીના સંકટ વચ્ચે દર્દીઓની સારવાર માટે ઑક્સિજન, રેમડેસિવિર ઇન્જેક્શન, વેન્ટિલેટરની અછત વર્તાઇ રહી છે. આવી સ્થિતિમાં સરકાર અને સ્થાનિક પ્રશાસન તેની વ્યવસ્થા કરવામાં જોતરાયેલાં જ છે, પણ સાથે સાથે સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી લોકો દર્દીઓની મદદ માટે આગળ આવી રહ્યાં છે. આવા જ એક સેવાભાવી માનવી એટલે મોહન કુલકર્ણી, જેમણે તેમની ક્ષમતાથી બહાર જઇને લોકોને મદદ કરી છે.

મોહન કુલકર્ણી અંબરનાથના રહેવાસી અને સેવાનિવૃત્ત કર્મચારી છે. આ વરિષ્ઠ નાગરિકે તેમની પેન્શનની રકમમાંથી અંબરનાથ મહાનગરપાલિકાને એક વેન્ટિલેટર આપ્યું છે. સામાન્ય રીતે ઘડપણમાં જીવનનિર્વાહ માટે પેન્શનની રકમ કામ આવે છે. મોહન કુલકર્ણીએ તેમના પોતાના ભવિષ્યની ચિંતા કર્યા વગર કોરોનાના દર્દીની સેવામાં આ રકમ ખર્ચી નાખી.

વાત આટલે સુધી આવીને અટકતી નથી. મોહન કુલકર્ણીએ તેમની પેન્શનની રકમ તો ખર્ચી જ નાખી, પણ મદદ કરવા માટે માથે દેવું પણ કરી લીધું. મોહન કુલકર્ણી પાસે વેન્ટિલેટર ખરીદવાના પૂરતા પૈસા નહોતા. એક વેન્ટિલેટરની કિંમત સાત લાખ રૂપિયા હતી. આ રકમ એકઠી કરવા માટે તેમણે બૅંક પાસેથી અઢી લાખ રૂપિયાની લોન લીધી.

અંબરનાથ નગરપાલિકાએ કોરોનાના દર્દીઓની સારવાર માટે ૧૦૦ આઇસીયુ બેડ ધરાવતી ૮૦૦ બેડની હૉસ્પિટલ શરૂ કરી છે. આ હૉસ્પિટલ માટે મદદ કરવાનું આહ્વાન પાલિકા પ્રશાસને સામાજિક સંસ્થાઓને કર્યું હતું. આને ધ્યાનમાં લઇને સેવામાંથી નિવૃત્ત થયેલા મોહન કુલકર્ણીએ તેમના પેન્શનની રકમમાંથી સાત લાખ ખર્ચીને હૉસ્પિટલને વેન્ટિલેટર

આપ્યું છે.

આ અંગે મોહન કુલકર્ણી જણાવે છે કે ‘બે વર્ષ પહેલાં મારી પત્નીનું કૅન્સરને કારણે મૃત્યુ થઇ ગયું હતું. પત્નીના મૃત્યુ બાદ આરોગ્ય સેવા માટે યોગદાન આપવાની મારી ઇચ્છા હતી. હાલમાં કોરોના મહામારીની કટોકટી વચ્ચે આરોગ્ય સેવા પર સતત બોજો વધી રહ્યો છે. આરોગ્ય સેવા માટે યોગદાન આપવાનો આ જ ખરો સમય હોવાથી મેં મદદ કરવાનું નક્કી કર્યું.’

મોહન કુલકર્ણી કહે છે કે ‘આમ તો મેં મારા પેન્શનની રકમમાંથી ઍમ્બ્યુલન્સ ખરીદીને આપવાનું નક્કી કર્યું હતું. અંબરનાથ પાલિકા પ્રશાસનને વેન્ટિલેટરની આવશ્યકતા હોવાનું ધ્યાનમાં આવતાં મેં ઍમ્બ્યુલન્સને બદલે વેન્ટિલેટર જ દાનમાં આપવાનો નિર્ણય લીધો. સાત લાખનું વેન્ટિલેટર ખરીદાય એટલા પૈસા મારી પાસે ન હોવાથી મેં બૅંક પાસેથી લોન લઇને વેન્ટિલેટર ખરીદ્યું.’

મોહન કુલકર્ણીએ જે વેન્ટિલેટર ખરીદીને આપ્યું છે તે અંબરનાથ પાલિકાની ડેન્ટલ કૉલેજના કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યું છે. આ વેન્ટિલેટરને કારણે કોરોનાના અનેક દર્દીની સારવારમાં મદદ મળશે. મોહન કુલકર્ણીના કામમાંથી પ્રેરણા લઇને અંબરનાથ પાલિકાના કર્મચારીઓએ પણ તેમનું એક દિવસનું વેતન કોવિડ સહાયતા ભંડોળમાં જમા કર્યું છે. આ રકમ આશરે પાંચ લાખ જેટલી છે.

સામાન્ય રીતે લોકો તેમની જીવનપૂંજીને સાચવી રાખે છે, જેથી કરીને તે તેમના ઘડપણમાં કામ આવી શકે. હાલની કોરોના મહામારીની કટોકટીની સ્થિતિને ધ્યાનમાં લઇને મોહન કુલકર્ણીએ પોતાની જમાપૂંજી દર્દીઓની સારવાર માટે ખર્ચી નાખી. આવું કરતાં પહેલાં તેમણે એક વાર પણ પોતાની જાતનો વિચાર કર્યો નથી. આવા પરોપકારી માનવીની આપણે જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2n017gk
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com