Homeવીકએન્ડફ્રિટ્ઝ હેબર: લાખોને જિવાડ્યા... પણ હજારોને રિબાવીને માર્યા!

ફ્રિટ્ઝ હેબર: લાખોને જિવાડ્યા… પણ હજારોને રિબાવીને માર્યા!

ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક

આશરે નેવું લાખ સૈનિકો અને પચાસ લાખ જેટલા નિર્દોષ નાગરિકોને ભરખી જનાર પ્રથમ વિશ્ર્વયુદ્ધે જગતને સૌપ્રથમ વાર રાસાયણિક હથિયારોનો પરચો કરાવ્યો! કેમિકલ વોરનું ભૂત આજે ય ધૂણતું રહે છે, આખી દુનિયાને ડરાવતું રહે છે. સદ્દામ હુસૈન સારો હતો કે ખરાબ એ જુદો મુદ્દો છે, પણ દુનિયાને કેમિકલ વેપન્સનો ડર દેખાડીને જ અમેરિકાએ સિફતપૂર્વક એનું કાસળ કાઢી નાખ્યું, એ હકીકત છે! દુનિયા ડરે છે, કેમકે રાસાયણિક શસ્ત્રો પણ અણુશસ્ત્રો જેટલાં જ ખતરનાક સાબિત થઇ શકે છે! દુનિયાએ પ્રથમ અને દ્વિતીય વિશ્ર્વયુદ્ધ દરમિયાન અનુક્રમે રાસાયણિક શસ્ત્રો અને અણુશસ્ત્રોથી થનારી તબાહીને વેઠી છે, અને કોઈ ડાહ્યો માણસ આવી તબાહી ફરી વાર જોવાનું સ્વપ્નેય નહિ વિચારે! પ્રથમ વિશ્ર્વયુદ્ધમાં રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ કઈ રીતે થયો એની કથા પણ જાણવા જેવી છે.
ફ્રાન્સે ટિઅર ગેસના ગ્રેનેડ ફેંક્યા, પણ…
દુનિયાને રાસાયણિક શસ્ત્રો કેટલાં ઘાતક નીવડી શકે, એનો અંદાજો પ્રથમ વિશ્ર્વયુદ્ધ પહેલા જ આવી ગયેલો. આથી જ દુનિયાના દરેક મુખ્ય દેશે પ્રથમ વિશ્ર્વયુદ્ધ પહેલા જ રાસાયણિક શસ્ત્રો નહિ વાપરવા મુદ્દે સંધિ કરી રાખેલી. નક્કર વાસ્તવિકતા એવી છે કે આંતરરાષ્ટ્રીય બાબતોમાં સંધિનું મહત્ત્વ અમુક હદ સુધીનું જ હોય છે. એક વાર ખરાખરીની જંગ છેડાઈ જાય, પછી દરેક દેશ આવી સંધિઓનો વીંટો વાળીને અભરાઈએ ચડાવી દેતો હોય છે. પ્રથમ વિશ્ર્વયુદ્ધ જેમ જેમ ભીષણ થતું ગયું, તેમ તેમ સંધિઓના વીંટા વળતા ગયા, અને રાસાયણિક હથિયારોનો છૂટથી વપરાશ શરૂ થઇ ગયો. યુદ્ધભૂમિ પર રોજેરોજ કેમિકલ વોરફેરની તબાહી દેખાવા માંડી. સામસામી ગોળીઓની રમઝટ બોલતી હોય ત્યાં અચાનક લીલા રંગનું ગેસનું વાદળ ફરી વળતું અને સૈનિકોના ફેફસાં ચોક-અપ થઇ જતા. અનેક સૈનિકો આ રીતે દર્દનાક મોતને ભેટ્યા. વધુ કમનસીબ હતા, એ હૉસ્પિટલના બિછાને પહોંચીને અનેક પ્રકારની શારીરિક તકલીફો વચ્ચે રીબાતા રહ્યા! આખરે તો એમણે ય મરવું જ પડતું, કારણકે ફેફસા વાટે લોહીમાં પ્રસરી ગયેલો ઝેરી ગેસ શરીરની બહાર ખેંચવા માટે કોઈ ઉપચાર તો હતો નહિ! નિષ્ણાતો માને છે કે જો જર્મનો પાસે ઝેરી ગેસ બનાવવાની ફોર્મ્યુલા ન હોત, તો પ્રથમ વિશ્ર્વયુદ્ધ ચારને બદલે માત્ર બે જ વર્ષમાં પૂરું થઇ ગયું હોત! જો કે યુદ્ધભૂમિ પર કેમિકલ વોરફેરની શરૂઆત જર્મનીએ નહોતી કરી.
ટિયર ગેસ વિષે આપણે જાણીએ છીએ. મોટું ટોળું હિંસક બનીને રમખાણે ચડ્યું હોય ત્યારે પોલીસ ટિયરગેસનો સેલ છોડે છે. આ એક એવો ગેસ છે, જે નામ મુજબ તમારી આંખોમાંથી ચચરાટ સાથે અશ્રુસ્ત્રાવ કરાવી શકે! પરિણામે હિંસક બનેલું ટોળું ટિયરગેસનો હુમલો થતાં જ આંખો ચોળતું અને ‘રડતું રડતું’ ઘરભેગું થઇ જાય!
૧૯૧૪ના ઓગસ્ટમાં ફ્રાન્સની સેનાએ જર્મન ટુકડીઓ પર ટિયરગેસ ભરેલા ગ્રેનેડ્સ ફેંકવાનો પ્લાન બનાવ્યો. કોઈક ટેકનિકલ ક્ષતિને કારણે ગ્રેનેડ્સ સરખા ફૂટ્યા નહિ અને જર્મનોને ઊની આંચે ય ન આવી! પરંતુ યુધ્ધના ઇતિહાસમાં આ નાની શી ઘટના કેમિકલ હથિયારોના પ્રથમ ‘ઉપયોગ’ તરીકે નોંધાઈ ગઈ. એ પછી જર્મનોનો વારો હતો, અને જર્મન ટુકડીએ રણમેદાને લાશો ખડકી દીધી! પ્રથમ વિશ્ર્વયુદ્ધમાં બેટલ ઓફ યીપ (જયભજ્ઞક્ષમ ઇફિિંંહય જ્ઞર ઢાયિત) તરીકે જાણીતા યુદ્ધમાં જર્મનોએ કલોરિન ગેસનો ઉપયોગ કર્યો. જો કે કલોરિન ગેસ પસંદ કરવા પાછળ પણ એક ઘટના જવાબદાર છે.
થયું એવું કે જર્મન સેનામાં એક કેમિસ્ટ સ્વેચ્છાએ જોડાયો અને ટ્રક ડ્રાઈવર તરીકે સેવા આપવા માડ્યો. દેશપ્રેમ, યુ નો! આ કેમિસ્ટ ભાઈએ નોંધ્યું કે દરેક દેશના સૈનિકો યુદ્ધભૂમિ પર ટ્રેન્ચ (વિશેષ પ્રકારનો ખાડો) ખોદીને એમાં સંતાઈ રહે છે, અને દુશ્મન સેના પર ગોળીબાર કરે છે. જો કોઈક એવું હથિયાર વાપરવામાં આવે, કે આ સૈનિકો પોતાની જ ટ્રેન્ચમાં ‘ડેડ લોક’ થઇ જાય, તો બહુ આસાનીથી જંગ જીતી જવાય. અને આવા હથિયારમાં કોઈ કેમિકલ જ વાપરવું જોઈએ, એ સમજવામાં એ કેમિસ્ટ ભાઈને બહુ વાર ન લાગી. એણે તરત આ આઈડિયા ઉપરી અધિકારીઓ સુધી પહોંચાડ્યો. ઉપરી અધિકારીઓએ એક વૈજ્ઞાનિકને યુદ્ધભૂમિ પર જાતતપાસ માટે મોકલ્યા. આ વૈજ્ઞાનિક એટલે ફ્રિટ્ઝ હેબર! આ ફ્રિટ્ઝ હેબરને સાધુ ગણવો કે શયતાન, એ આજ દિન સુધી નક્કી નથી થઇ શક્યું!
હેબર-બોશ પ્રોસેસ અને ગુઆનો કનેક્શન
જર્મન રસાયણશાસ્ત્રી ફ્રિટ્ઝ હેબરે હવામાંના નાઈટ્રોજન અને હાઈડ્રોજનની મદદથી એમોનિયા બનાવવાની પદ્ધતિ શોધેલી. ત્યાર પછી કાર્લ બોશ નામના બીજા એક વૈજ્ઞાનિકના સહયોગ વડે ઔદ્યોગિક વપરાશ માટે મોટા પાયે એમોનિયા પ્રોડક્શનની પદ્ધતિ વિકસાવવામાં આવી. આ પદ્ધતિ ‘હેબર-બોશ પ્રોસેસ’ તરીકે પ્રખ્યાત છે. હવે જરા યાદ કરો, આપણે ગત બે સપ્તાહ દરમિયાન આ કોલમમાં પક્ષીની હગાર – ગુઆનો અને એના પર કબજો જમાવવા માટે ખેલાયેલ ‘ચિંચા વોર્સ’ની વાત કરેલી. આ યુદ્ધો ગુઆનો આઇલેન્ડ્સ પર કબજો જમાવવા માટે થયેલા. કેમકે ગુઆનોમાં રહેલ તત્ત્વો ખેતરને ફળદ્રુપ બનાવીને વધુ પાક લણવામાં મદદરૂપ થતા હતા. હેબર-બોશ પ્રોસેસની શોધ પછી આ પ્રકારનાં તત્ત્વો – એટલે કે ફર્ટીલાઈઝર્સ – કૃત્રિમ રીતે બનાવવાનું શક્ય બન્યું! આજે ખેતીમાં મોટા પાયે જે યુરિયા ખાતર વપરાય છે, એની પાછળ પણ આ હેબર-બોશ પ્રોસેસ જવાબદાર છે. યુરિયાના વપરાશને કારણે ખેતીની પેદાશમાં નાટકીય વધારો થયો. એક રીતે જોવા જઈએ તો હેબર-બોશ પ્રોસેસ ન શોધાયો હોત, તો આજ સુધીમાં કરોડો લોકો ખોરાકને અભાવે મૃત્યુ પામ્યા હોત! આ હિસાબે ફ્રિટ્ઝ હેબરને તો કોઈ દૈવી અવતારનો દરજ્જો મળવો જોઈએ, ખરું ને?!
એની વે, પ્રથમ વિશ્ર્વયુદ્ધની પેલી ઘટના તરફ પાછા ફરીએ. પેલા ટ્રક ડ્રાઈવર કેમિસ્ટને આવેલા વિચાર બાદ જર્મન અધિકારીઓએ વૈજ્ઞાનિક ફ્રિટ્ઝ હેબરને જાત નિરીક્ષણ માટે મોકલ્યા. હેબરને પેલા કેમિસ્ટની વાતમાં દમ લાગ્યો. પણ એક તકલીફ હતી. દુશ્મન સૈનિકોની ટ્રેન્ચ તરફ ઝેરી ગેસ છોડવામાં આવે, પણ એ સમયે થોડી ઘણી હવા ચાલતી હોય, તો ગેસ જમીનથી નીચા લેવલે આવેલી ટ્રેન્ચમાં જવાને બદલે હવામાં ઊંચે ચડી જાય! અને એવું થાય તો ગેસ બગાડવાનો કોઈ મતલબ નહિ! હેબરે વિચાર્યું કે કોઈક એવો ગેસ વાપરવો જોઈએ, જે જીવલેણ હોવાની સાથે જ હવા કરતાં ભારે હોય. જો થોડો ઘણો પવન વાતો હોય, તો પણ ગેસ હવામાં ઉંચે ચડવાને બદલે હવા કરતાં નીચેના સ્તરે-ટ્રેન્ચમાં જઈ શકે! અને આ માટે કલોરિન ગેસ વાપરવો જોઈએ, એવું ફ્રિટ્ઝ હેબરને લાગ્યું.
આ પ્રયોગ માટે બેલ્જિયમના યીપ શહેરના મોરચાની પસંદગી કરવામાં આવી. બેટલ ઓફ યીપ અત્યંત ભીષણ નીવડી, જેમાં હજારોની સંખ્યામાં જર્મન્સ, બ્રિટિશર્સ અને ફ્રેંચ મોતને ઘાટ ઊતરી ગયા! આ આંકડામાં પેલા ઝેરી ગેસના પ્રયોગનો પણ મોટો ફાળો હતો! ફ્રિટ્ઝ હેબર એક હોંશિયાર રસાયણશાસ્ત્રી હોવાને નાતે જાણતો હતો કે ઝેરી ગેસ કેવી દર્દનાક મોત આપી શકે. તેમ છતાં એણે ઠંડે કલેજે કામ કર્યું! એટલું જ નહિ, યુદ્ધ દરમિયાન જર્મનીના દુશ્મનોને મારવા માટે એ વધુ ક્રૂર તરીકાઓ શોધતો રહ્યો!
પત્નીએ આત્મહત્યા કરી, છતાં…
હેબરની પત્ની ક્લેરાને ઝેરી ગેસના ઉપયોગ સામે સખત વાંધો હતો. એ ઈચ્છતી હતી કે હેબર આ રીતે વિજ્ઞાનનો દુરુપયોગ ન કરે. હેબરની દલીલ હતી કે સામાન્ય સંજોગોમાં વૈજ્ઞાનિક આખી દુનિયાના ભલા માટે કામ કરે છે, પરંતુ યુદ્ધ થાય ત્યારે એણે માત્ર પોતાના દેશનું જ ભલું વિચારવું જોઈએ. ક્લેરા અને હેબર વચ્ચે અંટસ વધી પડી. એક રાત્રે ક્લેરાએ હેબરની જ પિસ્તોલ વડે આત્મહત્યા કરી લીધી. બીજે દિવસે વહેલી સવારે હેબર જર્મની સામે લડતા રશિયન સૈનિકોને ‘સબક’ શીખવવા યુદ્ધ મોરચે નીકળી ગયો!
સૌથી વિચિત્ર લાગે એવી બાબત એ છે કે પ્રથમ વિશ્ર્વયુદ્ધ સમાપ્ત થયું એ પછી, ૧૯૧૮માં ફ્રિટ્ઝ હેબરને કૃત્રિમ ફર્ટીલાઈઝર ક્ષેત્રે ક્રાંતિ લાવવા બદલ ‘નોબેલ પ્રાઈઝ’ એનાયત થયું! વાતનો અંત આવવાનો હજી બાકી છે. હેબર બે વિશ્ર્વયુદ્ધો વચ્ચેના સમયગાળામાં પણ પોતાના દેશ જર્મનીને વફાદાર રહ્યો. એની શોધના પ્રતાપે જર્મનીએ ઝાયક્લોન-બી નામક ગેસ બનાવ્યો, જેના વડે બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન અનેક નિર્દોષ યહૂદીઓને ગેસ ચેમ્બરમાં ગૂંગળાવીને મારી નખાયા! નોંધવા જેવી વાત એ હતી કે ફ્રિટ્ઝ હેબર પોતે એક યહૂદી હતો, જે પાછળથી વટલાઈને ખ્રિસ્તી બનેલો, પરંતુ જર્મનીએ જે રીતે યહૂદીઓને વીણી વીણીને સફાયો કરવા માંડયો, એનાથી ડરેલો હેબર દેશ છોડીને ભાગ્યો. પેરિસ, સ્પેન, સ્વિત્ઝરલેન્ડ… એમ વિવિધ સ્થળોએ ભાગતા રહેતા હેબરનું સ્વાસ્થ્ય જવાબ આપવા લાગ્યું, અને ૨૯ જાન્યુઆરી, ૧૯૩૪ને દિવસે સ્વિત્ઝરલેન્ડ ખાતે એનું અવસાન થયું.
…અને ફ્રિટ્ઝ હેબરે નાઝી ગેસ ચેમ્બર્સમાં ગૂંગળાઈને મરી ગયેલા લોકોમાં હેબરનાં કેટલાંક સગાંવહાલા પણ સામેલ હતા. જે માણસે ફર્ટીલાઈઝર્સ શોધીને લાખોને જીવાડ્યા, એણે ઝેરી ગેસ વડે હજારોને માર્યા! યુરિયા સારું છે કે ખરાબ એ જુદી ચર્ચાનો વિષય છે. હેબર સાધુ હતો કે રાક્ષસ?!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular