અભિવ્યક્તિની સ્વતંત્રતા, પણ સ્વચ્છંદતા નહીં

ઉત્સવ

*નૂપુર શર્મા કેસમાં સુપ્રીમ કોર્ટનું આવકાર્ય વલણ
* જસ્ટિસ સૂર્યકાંત-પારડીવાળાએ દાખલો બેસાડ્યો
*ટીવી ચેનલોને પણ મનસ્વી ડિબેટ અંગે નિર્દેશિકા

કારણ-રાજકારણ -ડૉ. હરિ દેસાઈ

ભારતીય બંધારણે વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો મૂળભૂત અધિકાર પ્રત્યેક નાગરિકને બક્ષ્યો છે, પરંતુ એ બેફામપણે અન્યોને દુ:ખ પહોંચાડવા કે વાણીવિલાસ કરીને દેશની પ્રજા કે પ્રજાના અમુક વર્ગ કે કોઈ ધર્મ વિશેષની ભાવનાઓ ભડકાવવા માટે છૂટ આપતો નથી. એના પર વાજબી નિયંત્રણો છે.
એ હકીકતને ફરી એકવાર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો સૂર્યકાંત અને જમશેદ
બરજોર પારડીવાળાએ ઇસ્લામના સંસ્થાપક મહંમદ પયગંબર સાહેબ અંગે વાંધાજનક ટિપ્પણ કરનાર સત્તારૂઢ ભારતીય
જનતા પક્ષનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની અરજી અંગે શુક્રવાર, ૧ જુલાઈ,૨૦૨૨ના રોજ હાથ ધરેલી સુનાવણીમાં પ્રતિપાદિત કરી છે.
સમગ્ર દેશને ઊહાપોહની અગનજ્વાળામાં ઝીંકનાર નૂપુર શર્માને ભાજપમાંથી રુખસદ અપાયા છતાં એમની સામે દેશભરમાં અનેક રાજ્યોમાં ફોજદારી ખટલા નોંધાયા. આ બધા ખટલા દિલ્હી સ્થળાંતરિત કરાવવાની અરજી સાથે નૂપુર શર્મા સુપ્રીમમાં આવ્યાં હતાં, પરંતુ સુપ્રીમની ખંડપીઠે તેમનો બરાબરનો ઉધડો લીધો.
નૂપુરના ધારાશાસ્ત્રી મનિન્દર સિંહે ખંડપીઠના વલણને જોઈને અરજી પાછી ખેંચી લેવાની રજા માંગી હતી. તેમને એ માટે અદાલતે મંજૂરી આપી હતી. સુપ્રીમે અરજીને દાખલ કરવાનો ઇનકાર કરીને નૂપુરને હાઈ કોર્ટનો દરવાજો ખટાખટાવવાનું સૂચવ્યું હતું. અદાલતનો અંતરાત્મા સંતુષ્ટ નથી. તમે અન્ય ઉપાયનો લાભ લ્યો.
જોકે આ પ્રકરણમાં બંને ન્યાયાધીશોએ જે ટિપ્પણો કરી એ ઐતિહાસિક
સાબિત થશે. એણે (નૂપુરે) ટીવી ચેનલ પર જઈને દેશની માફી માગવી જોઈએ.
એણે શરતી માફી માંગી છે. એમાં પણ મોડું કર્યું છે.
કોઈ એક રાષ્ટ્રીય રાજકીય પક્ષની પ્રવક્તા હોવાને કારણે કોઈની વિરુદ્ધ અપમાનજનક વાતો કરવાનો પરવાનો મળી જતો નથી, એવો ઉલ્લેખ કરીને સુપ્રીમ કોર્ટે મામલાની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરની ગંભીરતા દર્શાવી હતી.
ઘણા દેશોમાં નૂપુરની ટિપ્પણ સંદર્ભે ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. મિત્ર દેશો સાથેના ભારતના સંબંધો પણ કથળે એવો આ અટકચાળો હતો. એટલે જ સુપ્રીમે આકરું વલણ અપનાવ્યું હતું.
ટીવી ચેનલ પર ડિબેટ
અદાલતો સમક્ષના વિચારાધીન એવા રાષ્ટ્રીય અને ધાર્મિક દ્રષ્ટિએ સંવેદનશીલ મુદ્દાઓ અંગે ટીવી ચેનલો પર ડિબેટ કરવામાં પણ કેવી તકેદારી રાખવાની જરૂર છે એ સંદર્ભે પણ સુપ્રીમે યથાયોગ્ય અને આવકાર્ય ટિપ્પણ કરી હતી.
સુપ્રીમનો પ્રશ્ર્ન હતો: ૨૭ મેના રોજ જ્ઞાનવાપી મસ્જિદ અંગે નૂપુરે પયગંબર સાહેબ વિશે આવી વિવાદવિસ્ફોટ સર્જનારી ટિપ્પણ કરી. હકીકતમાં ટીવી ચેનલે અદાલતમાં વિચારાધીન મુદ્દે ડિબેટ કેમ કરી? માત્ર એજન્ડાને આગળ વધારવા માટે જ. અને નૂપુર ડિબેટના દુરુપયોગથી વ્યથિત હતી તો એણે એન્કર વિરુદ્ધ એફઆઈઆર કેમ ના નોંધાવી? સુપ્રીમનું વલણ બહુ સ્પષ્ટ હતું કે અદાલત સમક્ષ વિચારાધીન આ મામલામાં ટીવી ચેનલને ડિબેટ કરવાનો અધિકાર નથી. અર્ણવ ગોસ્વામીના કેસનો પણ સંદર્ભ અહીં આવ્યો.
સુપ્રીમનું કહેવું હતું કે આ લોકો બિલકુલ ધાર્મિક છે નહીં અને ભડકાઉ નિવેદનો આપે છે. અરજીમાં અહંકારની વાસ આવે છે કે દેશમાં મેજિસ્ટ્રેટ એમના માટે બહુ જ
પામર છે.
જોકે જસ્ટિસ કાંતે પત્રકાર અને પ્રવક્તા વચ્ચેના ભેદને પણ સ્પષ્ટ કર્યો. નૂપુર શર્માનાં બેજવાબદાર નિવેદનોને અદાલતે વખોડ્યાં હતાં.
નૂપુર થકી દેશમાં ઉશ્કેરાટ
સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટ કહેવાનું હતું કે એણે (નૂપુરે) જ દેશની ભાવનાઓને ભડકાવી છે. દેશમાં આને પગલે જે કંઈ થઇ રહ્યું છે એના માટે આ મહિલા એકલી જ જવાબદાર છે.એણે ટીવી ચેનલ પર જઈને માફી માગવી જોઈએ. માફી માંગવામાં પણ એણે ઘણો વિલંબ કર્યો અને એ પણ શરતી માફી માંગી હતી.
નૂપુરની મહંમદ પયગંબર સાહેબ અંગેની બેજવાબદાર ટિપ્પણના પ્રતાપે દુનિયાભરમાં નિંદા થઇ એટલું જ નહીં, ૧૬ ઇસ્લામિક દેશોએ તો એ અંગે વિરોધ નોંધાવ્યો. સત્તારૂઢ પક્ષની પ્રવક્તાના આવા બેજવાબદાર નિવેદનના ઉગ્ર પ્રત્યાઘાતો જોતાં નૂપુર શર્માને પક્ષમાંથી નિલંબિત કરવામાં આવી છે. મુંબઈ, હૈદરાબાદ અને શ્રીનગરમાં નૂપુર સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. કોલકાતા હાઈ કોર્ટે એક જાહેરહિતની અરજી અંગે રાજ્ય સરકારનો મત જાણવા માગ્યો છે.
અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય કેટલું
ભારતીય બંધારણમાં નાગરિકના મૂળભૂત અધિકારોના અનુચ્છેદ ૧૯ અન્વયે ૧૯(૧)(ક) વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો અધિકાર આપે છે. જોકે આ અધિકાર હેઠળની સ્વતંત્રતા નિરપેક્ષ નથી. એના પર વાજબી નિયંત્રણ અવશ્ય લાગુ પડે છે.
વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યને લગતા અધિકારમાંથી જ અખબારી સ્વાતંત્ર્યનો અધિકાર સુપ્રીમ કોર્ટના ૧૯૬૨ના ચુકાદા અન્વયે પ્રાપ્ત થાય છે. બંધારણના અનુચ્છેદ ૧૯(૧)(ક) હેઠળ મળતા અધિકારને અનુચ્છેદ ૧૯(૨) અન્વયે અમુક વાજબી નિયંત્રણોમાં મૂકવામાં આવે છે.
આના સંદર્ભમાં (૧) ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા (૨) રાજ્યની સલામતી (૩) વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધો (૪)જાહેર વ્યવસ્થા (૫) શિષ્ટાચાર અને નીતિમત્તાના હિતમાં તેમ જ અદાલતી તિરસ્કાર તથા માનહાનિ સંદર્ભે અમુક વાજબી નિયંત્રણો મૂકવામાં આવે છે. આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદાઓ પણ વાજબી નિયંત્રણોનું સમર્થન કરે છે. નવાઈ એ વાતની છે કે દેશમાં નાગરિકને આઝાદી એટલી બધી છે કે સુપ્રીમ કોર્ટ થકી નૂપુર શર્માની અરજીની સુનાવણી દરમિયાન ન્યાયાધીશોએ કરેલી ટિપ્પણો દૂર કરવા કે પરત ખેંચવા માટેની જાહેરહિતની અરજી પણ એ જ દિવસે મુખ્ય ન્યાયાધીશ રામન્ના સમક્ષ રજૂ થઇ ચૂકી હતી! કાનૂની દાવપેચમાં ભારતીય નાગરિક અને તંત્ર અટવાતું રહે છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.