કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: ૪)
નામ: ઉષા ઉત્થુપ
સ્થળ: સ્ટુડિયો વાઈબ્રેશન, રાધાનાથ ચૌધરી રોડ, કોલકાતા
સમય: ૨૦૨૩
ઉંમર: ૭૫ વર્ષ
આપણી કારકિર્દી જબરજસ્ત પ્રસિદ્ધિ અને સફળતાના શિખરે હોય અને જિંદગી પણ પ્રમાણમાં ગોઠવાયેલી, સરળ લાગતી હોય ત્યારે અચાનક કશુંક બદલાય – ૧૮૦ ડિગ્રી ફરી જાય ત્યારે એક વ્યક્તિ શું કરે?
મારી સ્થિતિ પણ કંઈક એવી જ હતી. રામેશ્ર્વર ઐયર સાથે મારાં લગ્નને પાંચ વર્ષ થયાં હતાં. હું ૨૪ વર્ષની હતી, પણ હજી સુધી અમે સંતાનનું પ્લાનિંગ કર્યું નહોતું. સાચું પૂછો તો અમારી વચ્ચે એવી કોઈ વાત કદી થઈ જ નથી. મારા શોઝ અને જિંગલનું કામ ખૂબ સારું ચાલતું હતું. એવામાં હું ‘ટ્રિન્કાઝ’ નાઈટ ક્લબના કોન્ટ્રાક્ટ સાથે કોલકાતા ગઈ. ત્યાં મને જાની ચાકો ઉત્થુપ મળ્યા… એમણે મારા પતિને કહ્યું કે એ મને પ્રેમ કરે છે. આ બધું એટલું ઝડપથી બન્યું કે હું કશું સમજી જ શકી નહીં. એ રાત્રે હું ક્લબમાંથી ઘરે આવી ત્યારે રામુએ મને પૂછ્યું, ‘એણે તો મને જે કહ્યું તે કહ્યું, તું એના વિશે શું અનુભવે છે? એ પણ મારે જાણવું જરૂરી છે.’ કોણ જાણે કઈ રીતે મારામાં હિંમત અને નિખાલસતા આવી ગઈ, મેં રામુને કહ્યું, ‘હું પણ એના તરફ આકર્ષાઈ છું. એ મને ગમે છે.’ રામુ થોડી વાર મારી સમક્ષ જોઈ રહ્યો અને પછી એણે એના હાથમાં પકડેલી પ્લેટ છૂટી ફેંકી. એ રાત અમારી વચ્ચે ભયાનક વીતી. ઉશ્કેરાયેલા રામુએ તોડફોડ કરી. પોતાની બેગ ભરી લીધી. હું આખી રાત રડતી રહી, પણ એણે મારા તરફ જોવાની દરકાર સુધ્ધાં કરી નહીં. એ ભયાનક ગુસ્સામાં રૂમમાં આંટા મારતો રહ્યો. અંતે સ્યુટ રૂમના આગળના ભાગમાં આવેલા ડ્રોઈંગ રૂમમાં જઈને એણે દરવાજો અંદરથી બંધ કરી દીધો. મેં પણ એને બોલાવવાની કે વાત કરવાની કોશિશ કરી નહીં.
બીજે દિવસે રામુ કોલકાતાથી ચાલી ગયો. મારો કોન્ટ્રાક્ટ ઓન હતો એટલે મારે તો શોઝ કરવા પડે એમ હતું. મેં જોશુઆ સાથે એ દિવસે દિલ ખોલીને વાત કરી. એ પરિણીત હતો. એણે મને શાંતિથી પૂછ્યું, ‘તારું મન શું ઈચ્છે છે, તારો પોતાનો અવાજ સાંભળવાનો પ્રયત્ન કર. એક કલાકાર માટે સૌથી અગત્યની વાત એ છે કે એ પોતાના હૃદયની વાતને સમજે, સાંભળે અને એ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરે. તું જો બંધિયાર વાતાવરણમાં રહીશ તો તારું સંગીત મરી જશે.’ મને એની વાત સાચી લાગી. એટલે મેં નિર્ણય કર્યો કે હું મુંબઈ જઈને આ સંબંધને શાંતિથી પૂરો કરીશ…
દાદરના અમારા ઘરમાં એ દિવસે હું દાખલ થઈ ત્યારે મને લાગ્યું કે હું કોઈ બીજાના ઘરમાં આવી છું. એ મારું ઘર જ નહોતું. મેં ધીમે ધીમે મારો સામાન ભેગો કર્યો. બેગ ભરી ત્યાં સુધી ઘરમાં કોઈએ મને કશું જ પૂછ્યું નહીં, કદાચ રામુએ સૌને કોલકાતામાં બનેલી ઘટના વિશે જણાવી દીધું હોય… હું સામાન લઈને નીકળતી હતી ત્યારે મારી નણંદ મારી પાસે આવી અને એણે મારા ખભે હાથ મૂકીને કહ્યું, ‘અમને તારા તરફથી કોઈ મન-દુ:ખ નથી. તને જે ગમે તે કર.’ આટલું સાંભળતાં જ મને ખૂબ રાહત થઈ.
હું અપ્પાને ત્યાં રહેવા આવી ગઈ. જોકે અપ્પાએ મને સ્પષ્ટ કહી દીધું, ‘હું તારી સાથે સહમત નથી. લગ્ન નિભાવવાં એ ભારતીય સંસ્કૃતિની પરંપરા છે. તારી મા અને મારી વચ્ચે કોઈ દિવસ ઝઘડો જ નહીં થયો હોય? અમે બધી વાતે સહમત નથી તેમ છતાં તમને છએ ભાઈ-બહેનને આનંદથી મોટાં કર્યાં છેને?’ હું દલીલ કરવા માગતી હતી, પરંતુ મારી માએ એની મોટી માછલી જેવી આંખોથી જ મને ‘ના’ કહી દીધી. હું ચૂપ થઈ ગઈ. અપ્પાએ એટલું ચોક્કસ કહ્યું, ‘તું અમારી દીકરી છે અને આ તારું ઘર છે, હંમેશાં માટે. હું તને ક્યારેય અહીંથી જવાનું નહીં કહું, પણ છૂટાછેડાના તારા નિર્ણયમાં હું બિલકુલ સહકાર નહીં આપું.’
મારી બહેન ઈન્દિરા એ જ ઘરમાં પરણેલી હતી, એટલે એણે પણ મૌન રહીને આખી વાતમાં પોતાને દૂર રાખવાનું પસંદ કર્યું, પરંતુ ઉમા અને માયા મારી સાથે હતાં. એમણે મને હિંમત આપી અને મેં રામુ સામે ડિવોર્સનો કેસ ફાઈલ કર્યો. નવાઈની વાત એ હતી કે રામુએ એ કેસનો કોઈ વિરોધ ન કર્યો એટલું જ નહીં, એણે મને મળવાનો કે અમારી વચ્ચેના પ્રોબ્લેમને સોલ્વ કરવાનો, કોઈ સંવાદ કરવાનો કે વાતચીત કરીને ડિવોર્સનો આ નિર્ણય બદલવાનો પ્રયાસ સુધ્ધાં કર્યો નહીં.
આ બધા દિવસો દરમિયાન મેં જાની ઉત્થુપનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ નથી કર્યો. એને ડિવોર્સની આ બધી વાતો વિશે કશું જ જણાવ્યું નહોતું. દરમિયાનમાં ટ્રિન્કાઝ તરફથી ફરી એક કોન્ટ્રાક્ટ આવ્યો. રામુ મારી સાથે નહોતો. હું સહેજ અસંમજસમાં હતી, પરંતુ જોશુઆ અને પૂરીએ મને કહ્યું કે ‘કોઈ તકલીફ નહીં પડે.’ હું કોલકાતા ગઈ.
ત્યારે હું ફરી એક વાર ઉત્થુપને મળી. અમે કેટલીયે સાંજ સાથે વિતાવી. મને સમજાયું કે હું જે પ્રકારના માણસ સાથે જીવી શકું એવો માણસ આ ઉત્થુપ હતો… એ મને સમજી શકતો. મારા પેશનને, સંગીતની મારી સાધનાને અને મારી આશા-નિરાશા, મહત્ત્વાકાંક્ષાઓને એ બરાબર પામ્યો હતો. જોકે અમે લગ્ન વિશે કે જિંદગીના ભાવિ પ્લાન વિશે કોઈ વાત કરી નહોતી. એને એટલી ખબર પડી ગઈ હતી કે હું રામુ સાથે ડિવોર્સ લઈ રહી છું…
એ દિવસો મારી જિંદગીના સૌથી સારા અને સૌથી ખરાબ દિવસો હતા… એક તરફ મારી કારકિર્દી નવાં નવાં પગથિયાં ચઢી રહી હતી અને બીજી તરફ ડિવોર્સના કેસ માટે હું સાવ એકલી કોર્ટમાં જતી, તારીખ પર તારીખ પડતી-રામુ ક્યારેક
હાજર રહેતો અને ક્યારેક નહીં. કેટલાય ધક્કા ખાધા પછી અંતે મારા ડિવોર્સ ફાઈનલ થયા. જુલાઈ ૨૧, ૧૯૭૧. ભાઈખલ્લા કોર્ટમાંથી બહાર નીકળીને હું ફૂટપાથ પર બેસી પડી.
બંને હથેળી મારા ચહેરા પર ઢાંકીને હું મોટા અવાજે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. જતા-આવતા લોકો રોકાઈ ગયા. સૌ મારી તરફ જોતા રહ્યા… થોડી વારે હું ઊભી થઈ. ટેક્સી પકડીને શિવ મંદિર ગઈ.
મેં કહ્યું તેમ એ મારી જિંદગીના સારા દિવસો પણ હતા. ૧૯૭૦માં મને ફિલ્મોની ઓફર મળવા લાગી. ’૬૯ના ડિસેમ્બરમાં દિલ્હીની ઓબેરોઈ ઈન્ટરનેશનલમાં હું એક અઠવાડિયાના કોન્ટ્રાક્ટ પર હતી ત્યારે મને દેવ આનંદ અને શશી કપૂર મળ્યા. શશી કપૂરે દેવ આનંદની ઓળખાણ કરાવી અને દેવ આનંદે મને એમની ફિલ્મ ‘હરે રામ હરે કૃષ્ણ’માં ગાવાની ઓફર કરી. હું ખુશ થઈ! ત્યાં સુધી મેં ફિલ્મી દુનિયાના પ્લેબેક સિંગિંગમાં ચાલતા પોલિટિક્સની વાતો જ સાંભળી હતી. દેવ આનંદની ફિલ્મમાં ગાતી વખતે મને પહેલી વાર આ પોલિટિક્સનો અનુભવ થયો. જે ગીત મારે અને લતાજીએ ગાવાનું હતું એ અંતે આશાજીને આપી દેવામાં આવ્યું એટલું જ નહીં, પછીથી આશાજીની સાથે જે ગીત મારે ગાવાનું હતું એમાં પણ મારી લાઈનો ઘટાડીને આશાજીને આપવામાં આવી… એ બે બહેનોએ ફિલ્મી દુનિયામાં વર્ષો સુધી કોઈ સારી ગાયિકાને આગળ આવવા દીધી નથી એવું મેં સાંભળ્યું હતું, પરંતુ ૧૯૭૦થી ’૭૨નાં એ વર્ષો દરમિયાન મને એમના રાજકારણનો અનુભવ થયો. ઓ. પી. નૈયર, આર. ડી. બર્મન જેવા અનેક સંગીતકારો મારી સાથે કામ કરવા માગતા હતા, પરંતુ આશાજી ને લતાજીના ભયથી કોઈ મને બોલાવતું નહીં… જોકે આર. ડી. બર્મનને ‘દમ મારો દમ’ વખતે મને થયેલો અન્યાય ખૂબ ખૂંચ્યો હતો. એમને કોઈક રીતે એ નુકસાન ભરપાઈ કરવું હતું. ‘બોમ્બે ટુ ગોઆ’ ફિલ્મ બનતી હતી ત્યારે આર. ડી. મારી પાસે આવ્યા અને એમણે કહ્યું કે મારું એક ગીત ‘રેઈન’ એમને મારા જ અવાજમાં રેકોર્ડ કરવું છે એટલું જ નહીં, પડદા ઉપર પણ એ ગીત હું જ ગાઉં એવો એમણે આગ્રહ રાખ્યો.
‘બોમ્બે ટુ ગોઆ’ ફિલ્મની સિક્વન્સમાં એક્ચ્યુઅલી શૂટ કરવામાં આવ્યું, ‘એન્ડ નાઉ લેડીઝ એન્ડ જેન્ટલમેન, વી પ્રાઉડલી પ્રેઝન્ટ ટુ યુ ધ વન એન્ડ ઓન્લી ઉષા ઐયર…’ એ ગીત તારદેવ ફિલ્મ સેન્ટરમાં રેકોર્ડ કરવામાં આવ્યું. જોકે એ ગીત પછી અમિતાભ બચ્ચન, આર. ડી. બર્મન અને બીજા કેટલાય કલાકારોએ મારી સિફારિશ કરી. મંગેશકર બહેનોએ હિન્દી સિનેમામાં જે જે બેરિકેડ ઊભાં કર્યાં હતાં એ ધીરે ધીરે ખૂલવા લાગ્યાં. એક પછી એક લોકો મને બોલાવવા લાગ્યા… અને ત્યાં શરૂ થયો બપ્પી લહેરીનો જમાનો. ડિસ્કોનો એક જમાનો આવ્યો, જેમાં મેં ખૂબ ગીતો ગાયાં. એસ. પી. બાલાસુબ્રમણ્યમ, બપ્પી લહેરી, શંકર જયકિશન, આર. ડી. બર્મન જેવા સંગીતકારોએ મારી સાથે કામ કર્યું. મને ફિલ્મોમાં કામ કરવાની ઓફર આવવા લાગી. હિન્દી સિનેમાને પાર કરીને મેં હોલીવુડની ફિલ્મો માટે પણ ગાયું. જેમ્સ બોન્ડની સિરીઝ માટે મેં ‘થન્ડર બોલ’, ‘યુ ઓન્લી લિવ ટ્વાઈસ’ અને ‘ડાયમંડ્સ આર ફોર એવર’ માટે ગાયું. એ સિવાય પણ અનેક હોલીવુડ ફિલ્મો માટે મેં મારો અવાજ આપ્યો.
મર્ચન્ટ આઇવરી પ્રોડક્શનની ઈંગ્લિશ ફિલ્મ ‘બોમ્બે ટોકી’ માટે પણ મેં બે અંગ્રેજી ગીતો ગાયાં… કારકિર્દી એની ટોચે હતી અને એકલતા પણ એની પૂરી તાકાત સાથે મને વીંટળાઈ વળી હતી. મારામાં હિંમત નહોતી કે હું ઉત્થુપને લગ્ન વિશે પૂછું, પણ અપ્પા અને અમ્મા ઈચ્છતાં હતાં કે હું સેટલ થઈ જાઉં.
(ક્રમશ:)