Homeલાડકી‘મા’ના હુલામણા નામે પ્રખ્યાત થયેલાં ઓરિસ્સાનાં સ્વતંત્રતા સેનાની: રમાદેવી ચૌધરી

‘મા’ના હુલામણા નામે પ્રખ્યાત થયેલાં ઓરિસ્સાનાં સ્વતંત્રતા સેનાની: રમાદેવી ચૌધરી

ભારતની વીરાંગનાઓ-ટીના દોશી

દોમદોમ સાહ્યબી, ભૌતિક સમૃદ્ધિ અને સઘળી સંપત્તિનો ત્યાગ કરીને એમણે આઝાદી આંદોલનમાં ઝુકાવ્યું અને ‘મા’ના હુલામણા નામે પ્રખ્યાત થયાં….
એમનું નામ રમાદેવી ચૌધરી. સ્વતંત્રતા સંગ્રામની આ વીરાંગના ઓરિસ્સાનાં મહિલા સ્વતંત્રતા સેનાનીઓમાં અનોખું સ્થાન ધરાવે છે. શ્રીમંત જમીનદાર કુટુંબનાં હોવા છતાં એમણે સ્વરાજ માટે એશોઆરામનો ત્યાગ કરેલો. આઝાદીની લડત દરમિયાન એમણે અસહકાર આંદોલન, ખાદી ચળવળ અને મીઠાના સત્યાગ્રહમાં ભાગ લીધેલો. જેલવાસ પણ ભોગવેલો. આઝાદી પછી વિનોબા ભાવેના ભૂદાન અને ગ્રામદાન આંદોલનમાં કાર્યરત થયેલાં.
ઓરિસ્સામાં કટક નજીક આવેલા સત્યભામાપુર ગામમાં ૩ ડિસેમ્બર ૧૮૯૯ના જન્મ. અત્યંત શ્રીમંત કાયસ્થ પરિવારમાં. માતા બસંતાકુમારી દેવી. પિતા ગોપાલ વલ્લભદાસ અંગ્રેજ સરકારમાં ડેપ્યુટી કલેકટરના હોદ્દે કાર્યરત હતા. બસંતાકુમારીએ પણ માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ મેળવેલું.
ગોપાલ વલ્લભદાસના મોટા ભાઈ ગોવિંદ વલ્લભદાસ બેરિસ્ટર હતા. એમણે પોતાનું નામ બદલીને મધુસૂદન ડૈશ કરેલું. ઓરિસ્સામાં મધુ બાબુના નામે જાણીતા થયેલા. વંચિતો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા. એમના કલ્યાણ માટે ઓરિસ્સામાં કુટિર ઉદ્યોગની સ્થાપના કરેલી. આ પ્રવૃત્તિઓએ રમાદેવીને પ્રભાવિત કરેલાં. એમની પાસેથી કાંતણકળા શીખ્યાં. ભણેલાંગણેલાં પરિવારનાં હોવાથી રમાદેવી ભણ્યાં ખરાં, પણ એમનું શિક્ષણ ઔપચારિકપણે થયું નહોતું.
ભણવાનું પૂરું થયું, ન થયું ત્યાં તત્કાલીન રિવાજ પ્રમાણે ૧૫ વર્ષની ઉંમરે એમનાં લગ્ન ગોપબંધુ ચૌધરી સાથે લેવાયાં. ગોપબંધુ કટકના પ્રખ્યાત વકીલ ગોકુલાનંદ ચૌધરીના પુત્ર હતા. ગોકુલાનંદ કટક જિલ્લાના જગતસિંહપુરાના ખેડાસ ગામના કાયસ્થ જમીનદાર કુટુંબના હતા. જોકે, લગ્નના ત્રણેક માસમાં જ રમાદેવીના પિતા અને સસરાનું મૃત્યુ થયું.
અનુસ્નાતક થયા પછી ગોપબંધુ કોલકાતામાં વકીલાતનો અભ્યાસ કરી રહેલા, પણ પિતાનું મૃત્યુ થતાં કટક પાછા ફર્યા. ડેપ્યુટી કલેકટરની સરકારી નોકરી સ્વીકારી લીધી. ગોપબંધુ સાથેના સુખી દાંપત્યના પરિપકરૂપે રમાદેવીનાં સંસારવૃક્ષ પર ત્રણ ફૂલ મહોર્યા. બે દીકરા અને એક દીકરી. સૌથી નાનો દીકરો અઢી વર્ષની વયે પરલોક સિધાવી ગયો. બે બાળકો મનમોહન અને અન્નપૂર્ણાનું રમાદેવી લાલનપાલન કરવા લાગ્યાં.
અત્યાર સુધી જિંદગી પાણીના વહેણની જેમ સરળતાથી વહી રહેલી, એવામાં સ્વતંત્રતા સંગ્રામનો વંટોળ દેશભરમાં ફૂંકાયો. નબકૃષ્ણ ચૌધરીએ સ્વરાજની લડતમાં ભાગ લેવા મહાવિદ્યાલયનું શિક્ષણ પડતું મૂક્યું. ગોપબંધુએ સરકારી નોકરીને તિલાંજલિ આપી.
વિધાતાની છઠ્ઠી મુજબ જીવનના આ વળાંકે રમાદેવી મહાત્મા ગાંધીના સંપર્કમાં આવ્યાં. વર્ષ ૧૯૨૧. ગાંધીજી કટકમાં મહિલાઓની સભામાં ભાષણ કરી રહ્યા હતા. રમાદેવી ગાંધીજીના દર્શન કરવા માટે આ સભામાં ઉપસ્થિત રહેલાં. તેઓ ગાંધીજીને પૂજનીય માનતાં. ગાંધીજીનું ભાષણ પૂરું થયા પછી રમાદેવી મંચ પર ગયાં. એમણે હાથે વણેલાં સૂતરનો દડો ગાંધીજીને અર્પણ કર્યો. એ જ ક્ષણે રમાદેવીએ પ્રતિજ્ઞા કરી કે તેઓ ગાંધીજીના માર્ગનું અનુસરણ કરશે અને રાષ્ટ્રીય આંદોલનમાં સક્રિયપણે ભાગ લેશે.
રમાદેવીએ સંકલ્પ કર્યો અને નિભાવી જાણ્યો. આઝાદીના જંગમાં તન, મન અને ધનથી એમણે ઝુકાવ્યું. ગાંધીજીના માર્ગદર્શનમાં રમાદેવીએ પતિ ગોપબંધુ સાથે અસહકાર આંદોલનમાં સક્રિયતાથી ભાગ લીધો. રમાદેવી ગામેગામ જઈને મહિલાઓને ભારતના સ્વાધીનતા સંગ્રામમાં જોડાવા માટે સમજાવતાં. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાં જોડાઈને તેમણે કીમતી વસ્ત્રો, આભૂષણો અને મોંઘીદાટ વૈભવી ચીજવસ્તુઓનો ત્યાગ કર્યો. રાષ્ટ્રીય આંદોલનના પ્રતીકસમા ખાદીનો સ્વદેશી પહેરવેશ અપનાવી લીધો.
વર્ષ ૧૯૩૦… ગાંધીજીએ સ્વતંત્રતા સંગ્રામમાં સીમાચિહ્નરૂપ બની ગયેલો મીઠાનો સત્યાગ્રહ કર્યો. ૧૨ માર્ચ ૧૯૩૦ના ઐતિહાસિક દાંડીકૂચનો આરંભ થયેલો. દેશભરમાં સ્વતંત્રતા સેનાનીઓ મીઠું પકવીને સત્યાગ્રહમાં સહભાગી થયા. ઓરિસ્સામાં નમક સત્યાગ્રહનો આરંભ ઈંચુડીમાં આચાર્ય હરિહર દાસના નેતૃત્વમાં થયેલો.
મીઠાના સત્યાગ્રહમાં રમાદેવીએ ઝંપલાવ્યું. ઓરિસ્સાની સ્ત્રીઓને સંગઠિત કરીને સત્યાગ્રહની આગેવાની લીધી. અભિયાનને વેગવંતું બનાવવા ઈંચુડીથી કુજાંગ ગયાં. કુજાંગની રાણીને સત્યાગ્રહમાં સામેલ થવા મનાવી લીધાં અને ઈંચુડી આવવા રાજી કર્યા. આ સમાચાર દાવાનળની જેમ સમગ્ર વિસ્તારમાં પ્રસરી ગયા. કુજાંગની રાણી સત્યાગ્રહમાં ભાગ લેવા માટે રમાદેવી સાથે આવી રહ્યાં હોવાની જાણ થતાં જ હજારોની સંખ્યામાં ગ્રામીણ મહિલાઓ ઘરમાંથી નીકળી પડી. નિરક્ષર રૂઢિચુસ્ત ગામડાંની સ્ત્રીઓમાં અચાનક આત્મવિશ્ર્વાસનું ઊગી નીકળવું અને તેમનું સ્વતંત્રતા સંગ્રામમાં સામેલ થવું એ આશ્ર્ચર્યજનક જ હતું. રમાદેવીનું સમર્પણ આ ચમત્કાર કરી શક્યું હતું!
સમર્પણને પગલે જેલવાસ થયો. ૮ નવેમ્બર ૧૯૩૦ના રમાદેવી પહેલી વાર કારાગારનાં કેદી બન્યાં. જોકે, ગાંધી-ઈરવિન સમજૂતીને પગલે સજાની મુદત પૂરી થયા પહેલાં જ તેમને જેલમુક્ત કરાયાં. તેમનું ઊમળકાભેર સ્વાગત કરવા માટે બાલાસોર રેલવે સ્ટેશનથી કટક રેલવે સ્ટેશન સુધીના રસ્તે ભીડ ઊમટી પડેલી. આખીયે ટ્રેનને ફૂલોથી શણગારવામાં આવેલી.
આઝાદીની ચળવળમાં રમાદેવીની પ્રવૃત્તિઓનો વ્યાપ વિસ્તરતો રહ્યો. તેઓ હરિજન સેવક સંઘની ઓરિસ્સા શાખાનાં સંયુક્ત સચિવ બન્યાં. વર્ષ ૧૯૩૪… ગાંધીજીએ પોતાની પ્રસિદ્ધ હરિજન પદયાત્રાનો આરંભ કર્યો. મધ્ય પ્રદેશથી સંબલપુર થઈને એમણે ઓરિસ્સામાં પ્રવેશ કર્યો. ઓરિસ્સા સંઘના સચિવ તરીકે કાર્યક્રમની જવાબદારી રમાદેવીને ખભે મુકાયેલી.
શિસ્ત અને અનુશાસનની બાબતમાં ગાંધીજીનો અભિગમ અત્યંત કઠોર હતો. તેઓ સ્વયંસેવકોને ભોજન પીરસવાનો સમય, વિભિન્ન શિબિરોમાં રોકાણ દરમિયાન એમના આરામ, સભાઓમાં શિસ્ત, સ્વચ્છતા, સ્વાસ્થ્યની જાળવણી તથા શૌચાલયો માટે ખાળકૂવા તૈયાર કરવા જેવી સફાઈની સુવિધાઓ, ભોજન પછી એંઠી પતરાળીઓને ખાડામાં નાખવી અને અંતે સ્થાન છોડતાં પહેલાં ખાડાઓ અને ખાળકૂવાને માટીથી ભરીને સંપૂર્ણ સ્થાનની સફાઈ પર વિશેષ ધ્યાન આપતા. આ સમગ્ર કાર્ય રમાદેવીએ એટલી પ્રતિબદ્ધતાથી પાર પાડ્યું કે ઠક્કરબાપા અને ખુદ ગાંધીજીએ કામ પ્રત્યેની રમાદેવીની લગન, નિષ્ઠા અને ધગશની ભરચક પ્રશંસા કરી.
રમાદેવીને ગાંધીજીનો સત્સંગ કરવાનો લહાવો પણ મળ્યો. બન્યું એવું કે રમાદેવીનાં માતુશ્રી બસંતાકુમારી અને એમનાં કાકા મધુસૂદન દાસનું થોડા થોડા અંતરે નિધન થયું. રમાદેવી શોકમાં ગરકાવ થયાં. ગાંધીજીને આ બાબતની જાણ થતાં એમણે રમાદેવીને સધિયારો આપવા પોતાની પાસે બોલાવી લીધાં. આ સમયગાળા દરમિયાન રમાદેવીને ગાંધીજીને સમજવાનો અવસર પ્રાપ્ત થયો. ગાંધીજીથી પ્રભાવિત થઈને સંપૂર્ણપણે સમર્પિત થઇ ગયાં. એમણે ગાંધીજીના હરિજન-કોષમાં પોતાનાં સુવર્ણ અલંકારો દાન કરી દીધાં. સોનાનાં ઘરેણાંનું વજન હતું અડધો કિલો!
ઓરિસ્સાથી વિદાય લેતી વેળાએ ગાંધીજીએ એક પત્રકાર સંમેલનને સંબોધન કર્યું. તેમાં પણ રમાદેવીનાં વખાણ કરતાં કહ્યું: પદયાત્રા દરમિયાન રમાદેવી તથા એમના સાથી કાર્યકર્તાઓએ કરેલાં કાર્યોને જોઇને હું વિસ્મય પામ્યો છું. મેં જોયું છે કે એમણે સહજતાથી અને આનંદપૂર્વક આ કાર્ય પાર પાડ્યું છે. એ સાથે મેં તેમને ધૈર્યની અત્યંત આકરી કસોટીમાંથી પસાર થતાં પણ જોયાં છે!
ગાંધીજીના મુખેથી પ્રશંસા સાંભળીને રમાદેવી રાજી તો થયાં, પણ ફુલાઈને ફાળકો ન થયાં. એ સમજતાં હતાં કે પોતાની જવાબદારીઓ વધી ગઈ છે. એ જવાબદારીને પગલે ૧૯૪૨ના ભારત છોડો આંદોલનમાં એમણે ભાગ લીધો. અંગ્રેજ સરકારે એમની ધરપકડ કરી. ફરી જેલવાસ અને ફરી છુટકારો.
દેશ આઝાદ થયા પછી રમાદેવીએ વિનોબા ભાવેના ભૂદાન આંદોલનમાં કામ કર્યું. ભૂદાન ચળવળ દેશભરમાં પ્રસરી ગયેલી. ઓરિસ્સામાં ભૂદાનનો અને ગ્રામદાનનો સંદેશો ફેલાવવાનું કામ રમાદેવીએ કર્યું.
આઝાદી પહેલાં અને આઝાદી પછી રમાદેવીએ દેશ માટે જે કામ કર્યું તેને કારણે એ ઓરિસ્સામાં ‘મા’ ના નામે જાણીતાં થઇ ગયાં. તેમનું મૃત્યુ ૨૨ જુલાઈ ૧૯૮૫ના થયું, પરંતુ આજે પણ ‘મા’ શબ્દ ઉચ્ચારતાં જ ઓરિસ્સાવાસીઓને રમાદેવીનું જ સ્મરણ થાય છે!

RELATED ARTICLES

Most Popular