સ્વાતંત્ર્યવીર હરિદાસ દત્ત

ઉત્સવ

ઈતહાસ પાછળનો ઈતિહાસ-પ્રફુલ શાહ

સ્વાતંત્ર્યવીર હરિદાસ દત્ત (૧૬ નવેમ્બર, ૧૮૯૦ – ૨૯ ફેબ્રુઆરી, ૧૯૭૬) એટલે બંગાળી સાવજ. સ્વાતંત્ર્ય સંગ્રામમાં બંગાળની એક વિશિષ્ટતાની વ્યવસ્થિત નોંધ લેવાની જરૂર છે. બ્રિટિશ શાસનને ઉખેડી ફગાવવા માટે બંગાળમાં અનેક ગુપ્ત ક્રાંતિકારી જૂથ સક્રિય હતા. એમાંથી યુગાન્તર, અનુશીલન, મુક્તિ સંઘ, આત્મોન્નતિ, વિપિન ગાંગુલી ગ્રૂપ વગેરે અગ્રીમ હરોળમાં હતા.
હાલના બાંગલાદેશના ઢાકામાં આવેલા નાગેશ્ર્વરી ગ્રામમાં હરિદાસનો જન્મ. પિતા શ્રીકૃષ્ણચંદ્રની પ્રેરણાથી તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવ્યું. એમના માર્ગદર્શકમાં હેમેન્દ્ર ઘોષ અને શ્રી શપાલ ખરા. હરિદાસ વરિષ્ઠ ક્રાંતિકારી હેમચંદ્ર ઘોષના સંપર્કમાં આવ્યા.
એ જ વરસે મુક્તિ સંઘમાં જોડાઈ ગયા. ૧૯૧૨માં હરિદાસે ખગેન્દ્રનાથ દત્ત સાથે મળીને અંગ્રેજોને આંચકો આપવા માટે જબરદસ્ત પરાક્રમ કરવાનો નિર્ણય લીધો.
કોઈ પણ આંદોલન માટે રૂપિયાલાલ જોઈએ જ. સશસ્ત્ર લડત માટે હથિયારો વગર ન ચાલે. પરંતુ સાથોસાથ અંગ્રેજોના અત્યાચારોનો જડબાતોડ જવાબ પણ અવશ્ય આપવા પડેને? દત્ત અને દાસ જઈને જગતદાલ સ્થિત એલેકઝાંડર જયુટ મિલમાં મજૂર તરીકે જોડાઈ ગયા, ત્યાં ત્રણેક મહિના નોકરી કરી, પરંતુ આ નોકરી સ્વાતંત્ર્ય સંગ્રામથી ફારગતિ નહોતી.
બલકે એક અંગ્રેજ એન્જિનિયરનો વધ કરવા માટેની વ્યવસ્થા માત્રા હતી. જોકે આ પ્રયાસ સફળ ન થયો અને ભાગી છૂટયા.
થોડો સમય લપાવા, છૂપાવાથી શાંતિમાં કાઢ્યા. પરંતુ આ આરામનો નહિ, વિચારવાનો વખત હતો. ૧૯૧૪માં હજી પહેલું વિશ્ર્વયુદ્ધ શરૂ થયું નહોતું પણ બ્રિટન-જર્મન સામસામા આવવાનાં પૂરેપૂરાં એંધાણ આવવા માંડ્યા હતા.
આ અવસરનો લાભ લઈને બ્રિટિશ હકુમત
સામે સશસ્ત્ર ક્રાંતિનો બૂંગિયો ફૂકવાનો કાર્યક્રમ
તૈયાર થવા માંડ્યો. આમાં મુખ્ય ભૂમિકા
રાસબિહારી બસુ અને યતીન મુખર્જી ભજવે એવું નક્કી થયું.
આ યોજનાને કાર્યાન્વિત અને સફળ બનાવવા તથા શસ્ત્રો ભેગા કરવા માટે બધા ક્રાંતિકારી સાથીઓમાં વ્યાપક ચર્ચા-વિચારણા થવા માંડી હતી.
એ સમયે હરિદાસ દત્ત આત્મોન્નતિ સંઘમાં સક્રિય કાર્યકર્તા બની ચૂક્યા હતા. બધા જૂથના સભ્યોને સતાવતી એકમાત્ર સમસ્યા હતી શસ્ત્ર મેળવવાની.
એ સમયે વિપિન ગાંગુલી ગ્રૂપના ‘હાબુ’ તરીકે જાણીતા શ્રીશચંદ્ર મિત્રાએ હરિદાસ દત્તને જણાવ્યું કે આર. બી. રોડ્ડા એન્ડ કંપનીના શસ્ત્રોનો જથ્થો કસ્ટમમાં આવવાનો છે. આ જથ્થામાં જર્મન બનાવટની ૫૦ માઉઝર પિસ્તોલ અને ૫૦ હજાર કારતૂસ હતા.
ક્રાંતિકારીઓ જાણતા હતા કે આ પિસ્તોલની વિશિષ્ટતા જરૂર પડ્યે એનો રાઈફલની જેમ
ઉપયોગ થઈ શકે અને તત્કાલીન ઉપલબ્ધ શસ્ત્રોમાં સૌથી વધુ મારક – જીવલેણમાં એની ગણતરી થતી હતી.
અંગ્રેજોની કોઈ રાઈફલ એના જેટલા અંતરે નિશાન વીંધી શકતી નહોતી. કાનફુસી એવી ય ખરી કે આ શસ્ત્રોનો ઓર્ડર તિબેટના દલાઈ લામાએ આપ્યો હતો.
આ વિગત અને વર્ણન સાંભળીને ક્રાંતિકારીઓની આંખમાં એકદમ ચમક આવી ગઈ. જો
અંગ્રેજોને બરાબરના હંફાવવા માટે માઉઝરથી વિશેષ શું મળે?
એટલે સરકારી ચોપડે ‘રોડ્ડા આર્મ્સ હેઈસ્ટ’ તરીકે નોંધાયેલી આ ઘટનાને સાકાર કરવાનું બીડું ઝડપ્યું.
બિપિન બિહારી ગાંગુલી, બાધા જતીન,
અનુકુલ મુખર્જી અને હરિદાસ દત્ત વગેરેએ આ માટે તારીખ મુક્કર થઈ ૧૯૧૪ની ૨૬મી ઑગસ્ટની. (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.