સ્વાતંત્ર્યવીર હરિદાસ દત્ત-૩

ઉત્સવ

ઈતિહાસ પાછળનો ઈતિહાસ -પ્રફુલ શાહ

યોજના મુજબ કસ્ટમ્સમાંથી શ-દારૂગોળા બહાર તો કઢાયા. હવે મહત્ત્વનું હતું એને સલામત રીતે નિર્ધારિત સ્થાને લઈ જવાનું. ડેલહાઉઝીના ટેલિફોન ભવનની સામેથી આર. બી. રોડ્ડા કંપની તરફ છ ભેંસગાડી આગળ ધપવા માંડી. એ સમયે હરિદાસજીએ ઈરાદાપૂર્વક પોતાની બળદગાડીને ધીમેકથી બહુ બજાર તરફ વાળી દીધી. નક્કી કર્યા મુજબ બળદગાડીથી થોડા પાછળ શ્રીશ મિત્રા અને ખગેનદાસ આવી રહ્યા હતા. મોકાની નજાકત સમજીને હરિદાસ બળદગાડીને ઝડપભેર ચલાવવા માંડ્યા. અચાનક એમની નજર સામે પડી અને એકદમ સાવધ થઈ ગયા.
બેન્ટીક સ્ટ્રીટ અને ગલોશચંદ્ર એવન્યૂના વળાંક પર પોલીસવાળા ફરજ બજાવતા હતા. દિલના ધબકારા વધી ગયા, પણ ચહેરા પરની સ્વસ્થતા ટકાવી રાખી. બધું એકદમ સામાન્યવત્ હોય એ રીતે હરિદાસ બળદગાડી ચલાવતા રહ્યા અને કોઈ સમસ્યા વગર બળદગાડી આગળ નીકળી ગઈ. મનોમન સહેજ હાશકારો અનુભવીને આગળ ધપવાનું ચાલુ રાખ્યું. મલંગ લેનની નજીકના મેદાનમાં આવેલી એક લોખંડની દુકાનમાં બધો સામાન મૂકીને બળદગાડી છોડી દેવાઈ.
ત્યાર બાદ અનુકુલ મુખર્જી જઈને કાલી બાંસના ઘરેથી ઘોડાગાડી લઈ આવ્યા. લોખંડની દુકાનમાંથી લૂંટ માટે લીધેલા હથિયાર અને લૂંટેલા શ-દારૂગોળા બહુ બજારમાં જેલિયાપાડા સ્થિત ભૂજંગ ભૂષણ ઘરની હવેલીમાં કાળજીપૂર્વક પહોંચાડી દેવાયા.
બીજે દિવસ એટલે કે ૧૯૧૪ની ૨૦મી ઑગસ્ટે સંપૂર્ણ કલકત્તામાં સરકારે ઘોષણા કરાવી કે દરેક મકાનમાલિક પોતાના ભાડૂતની જાણકારી સ્થાનિક પોલીસમથકમાં આપી દે. સૌ સમજી ગયા શોની લૂંટના સનસનાટીભર્યા સમાચારની ગરમીનું આ પરિણામ છે. સરકારી જાસૂસોની આંખો એક-એક વ્યક્તિમાં લૂંટારાઓને શોધતી હતી. હકીકતમાં સરકારનું નાક કપાઈ ગયું હતું અને જો આ કેસ ન ઉકેલાય તો ઘણાંના માથા વીંધાઈ જવાની ભીતિ હતી.
આ બધુ ધ્યાનમાં રહીને સાવચેતી ખાતર શ્રીશ મિત્રા સહિત બે જણા તાત્કાલિક કલકત્તા છોડીને રંગપુર જતા રહ્યા. ત્યાં બંને નાગેશ્ર્વરી ગામમાં ક્રાંતિ સમર્થક ડૉ. સુરેન્દ્રનાથ વર્ધનના ઘરમાં રહેવા માંડ્યા.
આ સાથે લૂંટેલી પિસ્તોલો વહેંચી લેવાઈ. પરંતુ ૫૦ હજાર કારતૂસના ૧૧ બોક્સ હજી બાકી હતા. આ બોક્સને એકદમ તાકીદે સલામત સ્થળે સંતાડી દેવા જરૂરી હતા. આમેય ભૂજંગ ભૂષણ ઘરના બંગલોમાં લાંબો સમય આ જોખમ રાખવાનું ભારે પડી શકે એમ હતું એટલે બ્રિટિશ મર્ચન્ટ ઑફિસમાં કામ કરતા હરિશ સિકદરની મદદથી બડા બજારની બાંસ તલ્લા લેનમાં એક ગોદામ ભાડે લઈ લેવાયું. અહીં કારતૂસના અગિયાર બોક્સ મૂકી દેવાયાં. સરકારની જાહેરાત બાદ ગોદામનો દરવાન હરિદાસ દત્તને ગોતવા માંડ્યો, કારણ કે ગોદામ તેમના નામે ભાડે લેવાયું હતું.
એક દિવસ દરવાને ગોદામ સામે ડ્યુટી બજાવતા અલી હુસૈન નામના કોન્સ્ટેબલ સામે હરિદાસ દત્ત સામે આંગળી ચીંધીને કહ્યું કે ગોદામ આ સાહેબે ભાડે રાખ્યું છે. અલી હુસૈને હરિદાસજીને પગથી માથા સુધી જોયા. પછી વધુ નજીક આવીને કહ્યું કે આપે પોલીસ મથકે આવીને ઈનચાર્જને બધી માહિતી આપવી પડશે. હરિદાસજીએ જરાય અચકાટ વગર એની સાથે ચાલવા માંડ્યું. પગ સાથે મગજમાં વિચાર ચાલતા હતા કે અલી હુસૈનને હાથતાળી આપીને કેવી રીતે ભાગી જવું? (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.