ગોવાળિયા ટેંક પર ત્રિરંગો ફરકાવનાર સ્વતંત્રતા સેનાની અરુણા આસફ અલી

લાડકી

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

એ વીરાંગનાએ આઝાદી આંદોલનની હિન્દ છોડો લડત દરમિયાન મુંબઈના ગોવાળિયા ટેંક મેદાનમાં ધ્વજ લહેરાવીને અંગ્રેજોને પડકારેલાં, એથી ૧૯૪૨ની ‘રાણી ઝાંસી’ તરીકે અને ‘ગ્રાન્ડ ઓલ્ડ લેડી ઓફ ઇન્ડિયન ઈન્ડિપેન્ડન્સ મુવમેન્ટ’ તરીકે જાણીતાં થયાં. વર્ડ્સ ઓફ ફ્રીડમ: આઈડિયાઝ ઓફ એ નેશન નામનું પુસ્તક લખ્યું, એમના નામની ટપાલ ટિકિટ છે. હોસ્પિટલો છે, કોલેજો છે અને ઘણી સંસ્થાઓ છે. દેશની રાજધાની દિલ્હીમાં વસંતકુંજ, કિશનગઢ, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી અને આઇઆઇટીને જોડતો માર્ગ પણ એમના નામે છે. એ દિલ્હીનાં મેયર રહ્યાં અને ભારત સરકાર દ્વારા મરણોત્તર ભારતરત્ન પુરસ્કારથી સન્માનિત થયાં…
એ સાહસિક સ્વતંત્રતા સેનાની એટલે અરુણા આસફ અલી ! અરુણાનો જન્મ પંજાબના કાલકાસ્થિત બંગાળી બ્રાહ્મણ એવા ગાંગુલી પરિવારમાં ૧૬ જુલાઈ ૧૯૦૯ના થયો. માતા અંબાલિકાદેવી. પિતા ઉપેન્દ્રનાથ ગાંગુલી. અરુણાનું શાળાકીય શિક્ષણ નૈનિતાલમાં થયું. અહીં ઉપેન્દ્રનાથની માલિકીની રેસ્ટોરન્ટ હતી. અરુણા નાનપણથી જ કુશાગ્ર બુદ્ધિપ્રતિભા ધરાવતાં. ભણવામાં અત્યંત હોંશિયાર. વર્ગમાં કાયમ પ્રથમ ક્રમાંકે આવે. શાળાનો અભ્યાસ પૂર્ણ થતાં લાહોરની સેક્રેડ હાર્ટ કોન્વેન્ટ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. સ્નાતક થયા પછી શિક્ષિકા બન્યાં. કોલકાતાની ગોખલે મેમોરિયલ કોલેજમાં અધ્યાપિકા તરીકે કાર્યરત થયાં.
અહીં અરુણાની જીવનસરિતા સાગરમાં ભળવાના સંજોગો નિર્માયા. અરુણાની મુલાકાત આસફ અલી સાથે થઇ. આસફ અલી વકીલ હતા. સાથે કોંગ્રેસના નેતા પણ હતા. ૧૧ મે ૧૮૮૮ના એક મુસ્લિમ પરિવારમાં જન્મેલા આસફ અલી મુંબઈની સ્ટીફન કોલેજમાં ભણેલા. અભ્યાસ દરમિયાન જ સ્વતંત્રતા સંગ્રામમાં ઝુકાવેલું. એ માટે તેમણે જેલવાસ પણ વેઠેલો. ૧૯૧૪થી આસફ અલી સંપૂર્ણપણે રાષ્ટ્રીય આંદોલનમાં ભાગ લેવા માંડેલા. અરુણા ગાંગુલી આસફ અલીથી અત્યંત પ્રભાવિત થયાં. બન્ને એકમેકની નજીક આવ્યાં. નિકટતા પ્રેમમાં પરિણમી. આસફ અલી અરુણાથી એકવીસ વર્ષ મોટા હતા, છતાં નાતજાત અને ધર્મનાં બેડીબંધનો તોડીને બન્નેએ ૧૯૨૮માં લગ્ન કરી લીધાં. અરુણા ગાંગુલી મટીને આસફ અલી થયાં. બન્નેએ પરિવાર અને સમાજની નારાજગી વહોરવી પડી, પણ બેયનો પ્રેમ શુદ્ધ સુવર્ણની જેમ ઝગારા મારતો. અગ્નિપરીક્ષામાંથી પસાર થઈને અને કસોટીની એરણે ચડીને એમનો પ્રણય વધુ નીખર્યો. લગ્ન થયાં ત્યારે અરુણાની ઉંમર ૨૧ વર્ષ અને આસફ અલીની ઉંમર ૪૨ વર્ષ હતી. પણ બન્નેનો પ્રેમ પરિપક્વ હતો. બન્નેએ આઝાદી આંદોલનમાં બહુમૂલ્ય યોગદાન કર્યું. રાષ્ટ્રીય આંદોલનોમાં આગળ પડતો ભાગ લેવા લાગ્યાં. અરુણા મહાત્મા ગાંધીજી અને મૌલાના અબુલ કલામ આઝાદ જેવા રાજનેતાઓની સભામાં જવા લાગ્યાં. લોકનાયક જયપ્રકાશ નારાયણ, રામ મનોહર લોહિયા અને અચ્યુત પટવર્ધનના વિચારોથી પ્રભાવિત થયાં.
દરમિયાન ૧૯૩૦માં ગાંધીજીએ નમક સત્યાગ્રહ કર્યો. નમક સત્યાગ્રહની પૂર્વભૂમિકા સ્પષ્ટ હતી. ૧૯૨૯માં લાહોરમાં કોંગ્રેસનું અધિવેશન મળેલું. આ અધિવેશનમાં ‘પૂર્ણ સ્વરાજ’ મેળવવાનો ઠરાવ પસાર થયો અને તે માટેની લડતનો દોર ગાંધીજીના હાથમાં સોંપાયો. ગાંધીજીનું મનોમંથન શરૂ થયું. સત્ય અને અહિંસા સિવાયનો માર્ગ ગાંધી કદી નહીં લે તે વાત નિશ્ર્ચિત હતી. દેશના વધુમાં વધુ લોકો જોડાઈ શકે તેવી લડતના માધ્યમની શોધમાં તેઓ હતા. એમાંથી તેમને ‘નમકવેરો’ લાદ્યો. મીઠા ઉપર બ્રિટિશ સરકારે ૨૪૦૦ ટકા વેરો નાખેલો. તે દ્વારા છ કરોડ રૂપિયા સરકારની તિજોરીમાં જમા થતા. ગરીબ-તવંગર, આબાલ-વૃદ્ધ સૌને મીઠા ઉપરનો વેરો લાગુ પડતો. દેશના તમામ વર્ગના લોકોને સીધી રીતે સ્પર્શે તેવો આ મુદ્દો ગાંધીજીએ પકડ્યો. અને સ્વરાજની લડત માટે મીઠા ઉપરના વેરાની નાબૂદી : નમક સત્યાગ્રહ કરવાનું એલાન કર્યું.
ગાંધીજી કહેતા કે, જે સત્ય હોય તે કરવું તેનું જ નામ સત્યાગ્રહ છે. સત્યાગ્રહનો આધાર કેવળ સત્ય ઉપર અને સત્યાગ્રહીની તપશ્ર્ચર્યા ઉપર રહેલો છે.. વળી સત્યાગ્રહી એટલે કોણ તે ગાંધીજીએ સમજાવેલું. એમણે કહેલું કે, મરવાનું તો સૌને છે. માણસ વીજળી પડવાથી મરે યા તો હૃદય બંધ પડવાથી કે શ્ર્વાસ બંધ પડવાથી મરે. સત્યાગ્રહી એવું મરણ ન ઈચ્છે, ન તો એવું મરણ ઈશ્વર પાસે માગે. પોતાની ફરજ બજાવતાં હસતે મોઢે મરણને ભેટવું એમાં સત્યાગ્રહીની કળા રહેલી છે.
અરુણા આસફ અલી નમક સત્યાગ્રહમાં ભાગ લઈને સત્યાગ્રહી બન્યાં. પહેલી વાર આઝાદી આંદોલનમાં સક્રિયપણે જોડાયાં. તેમણે આંદોલનનું નેતૃત્વ પણ કર્યું. સાર્વજનિક સભાઓને સંબોધન કર્યું. સરઘસ કાઢ્યાં. સ્વાભાવિક જ અંગ્રેજ પોલીસે અરુણાની ધરપકડ કરી. એક વર્ષનો કારાવાસ થયો. જેલમુક્ત થયા પછી અરુણા ફરી આંદોલનોમાં ભાગ લેવા માંડ્યાં. જોકે ૧૯૩૨માં વ્યક્તિગત સત્યાગ્રહ કરીને અરુણાએ ફરી જેલવાસ ભોગવવો પડ્યો. એમને તિહાર જેલમાં કેદ કરાયાં. જેલમાં રાજકીય કેદીઓ સાથે દુર્વ્યવહાર થઇ રહેલો. આક્રમક અરુણા એના વિરોધમાં ભૂખ હડતાળ પર ઊતર્યા. પરિણામે રાજકીય કેદીઓ સાથેના વર્તનમાં થોડો સુધારો થયો.
દસ વર્ષ પછી…. ૧૯૪૨માં અરુણા અને આસફ અલીએ કોંગ્રેસ અધિવેશનમાં ભાગ લીધો. ૮ ઓગસ્ટના ભારત છોડો આંદોલનનો ઐતિહાસિક ઠરાવ પસાર થયો. કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરાઈ. અરુણાએ સક્રિય સેનાનીની ભૂમિકા ભજવી. ગોવાળિયા ટેંકના મેદાનમાં ત્રિરંગો ફરકાવીને બહાદુર અરુણાએ જાલીમ અંગ્રેજોને જડબાતોડ જવાબ આપ્યો. હેબતાયેલી અંગ્રેજ સરકારે અરુણાનાં સાહસિક પગલાંને પગલે એમની ધરપકડ માટે પાંચ હજાર રૂપિયાના ઇનામની ઘોષણા કરી. એમના નામનું વોરંટ કાઢ્યું. અરુણાની સઘળી સંપત્તિ જપ્ત કરીને લીલામ કરી દીધી. પણ લડાયક મિજાજનાં અરુણા પકડાયાં નહીં. ભૂગર્ભમય થઇ ગયાં.
અરુણા ભૂગર્ભવાસ દરમિયાન બીમાર પડ્યાં. આ જાણીને ગાંધીજીએ એમને આત્મસમર્પણ કરવાની સલાહ આપી. આખરે અંગ્રેજ સરકારે ૨૬ જાન્યુઆરી ૧૯૪૬ના અરુણાના નામનું ધરપકડનું વોરંટ રદ કર્યું. એ પછી અરુણાએ શરણાગતિ સ્વીકારી.
દરમિયાન બહુમુખી પ્રતિભા ધરાવતાં અરુણાએ ડો. રામ મનિહાર લોહિયા સાથે મળીને ઇન્કલાબ નામની પત્રિકાનું સંચાલન કરેલું. આ પત્રિકાના માર્ચ ૧૯૪૪ના અંકમાં તેમણે લખ્યું કે, આઝાદીની લડાઈ માટે હિંસા-અહિંસાના વિવાદમાં ન પડવું જોઈએ. ક્રાંતિનો આ સમય વિવાદમાં ગુમાવવાનો નથી. હું ઈચ્છું છું કે, આ સમયે દેશનો દરેક નાગરિક પોતાની રીતે ક્રાંતિનો સિપાહી બને.
ક્રાંતિના આ સિપાહીઓની અહિંસક લડતને પરિણામે અંતે દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી. એ સમયે અરુણા સોશિયાલિસ્ટ પાર્ટીનાં સભ્ય હતાં. એ સમયે સોશિયાલિસ્ટ પાર્ટી કોંગ્રેસની રૂપરેખાનો જ એક હિસ્સો હતી. પણ ૧૯૪૮માં અરુણા અને સમાજવાદીઓએ મળીને નવી સોશિયાલિસ્ટ પાર્ટી બનાવી. દરમિયાન અરુણા પર દુ:ખના ડુંગર ખડકાણા. અમેરિકાના પ્રથમ રાજદૂત અને ઓરિસ્સાના રાજ્યપાલ તરીકે ફરજ બજાવ્યા પછી ૧ એપ્રિલ ૧૯૫૩ના આસફ અલીએ ચિરવિદાય લીધી. અરુણા અંગત આઘાત જીરવી ગયાં. રાજકારણમાં સક્રિય રહ્યાં.
બે વર્ષ પછી અરુણા ૧૯૫૫માં કોમ્યુનિસ્ટ પાર્ટીમાં ભળી ગયાં. અરુણા તેની કેન્દ્રીય સમિતિનાં સભ્ય અને ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસનાં ઉપાધ્યક્ષ બન્યાં. ૧૯૫૮માં અરુણાએ કોમ્યુનિસ્ટ પાર્ટી છોડી. દિલ્હીનાં મેયર બન્યાં. ૧૯૭૫માં તેમને લેનિન શાંતિ પારિતોષિક અને ૧૯૯૧માં જવાહરલાલ નેહરુ પુરસ્કારથી નવાજવામાં આવ્યાં. ૨૯ જુલાઈ ૧૯૯૬ના તેમનું નિધન થયું. તેના બે વર્ષ બાદ, ૧૯૯૮માં મરણોત્તર ભારતરત્નના પુરસ્કારથી સન્માનિત કરાયાં.
અરુણા આજે આપણી વચ્ચે નથી, જો હોત તો પોતાનો પરિચય આ બે પંક્તિમાં આપ્યો હોત કે,
હું સ્વયં બહુ પ્રભાવશાળી છું, ના ખપે અન્યનો પ્રભાવ મને
સોનું સો ટચનું છું, નથી પિત્તળ, ન હો વિશ્ર્વાસ, તો તપાવ મને.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.