સાયબર ઠગે કમિશનરને નામે ગિફ્ટ કાર્ડ્સની માગણી કરતા મેસેજ અધિકારીઓને મોકલાવ્યા

અવર્ગીકૃત આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વરિષ્ઠ અધિકારીઓને નામે ડિજિટલ ગિફ્ટ કાર્ડ મગાવતા મેસેજ જુનિયર અધિકારીઓને અને નાગરિકોને આવતા હોવાના કિસ્સા છેલ્લા થોડા સમયમાં વધી ગયા છે. હવે સાયબર ઠગો દ્વારા મુંબઈના પોલીસ કમિશનર વિવેક ફણસલકરને નામે આવા મેસેજ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને મોકલવામાં આવ્યા છે.
ડિજિટલ ગિફ્ટ કાર્ડ્સ મગાવતા વ્હૉટ્સઍપ મેસેજ મોકલાવનારા અજાણ્યા શખસે ડીપી (ડિસ્પ્લે પિક્ચર)માં વરદી પહેરેલા પોલીસ કમિશનર ફણસલકરની તસવીરનો ઉપયોગ કર્યો છે. મેસેજમાં ૧૦ હજાર રૂપિયાના મૂલ્યનાં એમેઝોનનાં ઈ-કોમર્સનાં ૨૦ ડિજિટલ ગિફ્ટ કાર્ડ્સ મોકલવાનું જણાવવામાં આવ્યું છે, એમ એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.

ઠગ કમિશનરને નામે લખે છે, હું હમણાં અત્યંત તાકીદની મીટિંગમાં છું અને ફોન કૉલ્સ પણ રિસીવ કરી શકતો નથી. આથી મારે માટે તમે તુરંત એક કામ કરો એવી વિનંતી છે. અમુક સંભવિતોનાં નામ તમને આપું છું. હું પોતે મીટિંગમાં હોવાથી આ કામ કરી શકતો નથી અને મારી પાસે હાલમાં કોઈ કાર્ડ્સ પણ નથી.
મારે એક કલાકમાં ગિફ્ટ કાર્ડ્સ મોકલાનાં છે. તો તમે કેટલા સમયમાં તેની વ્યવસ્થા કરશો. કયા પ્રકારનું કાર્ડ અને કેટલી રકમનું કાર્ડ ખરીદી કરવાનું છે તેની માહિતી હું તમને મોકલું છું. દિવસને અંતે હું તમને રૂપિયા પાછા આપી દઈશ, એમ મેસેજ જણાવે છે.

અગાઉ એડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (એડીજી) અને એક પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (એસપી)ને નામે પણ આવા જ મેસેજ મોકલવામાં આવ્યા હતા. કહેવાય છે કે ઉપરીઓ ખુશ થશે, એવું ધારીને અનેક પોલીસ અધિકારીઓ તે સમયે ગિફ્ટ કાર્ડ્સ ખરીદીને ફસાયા હતા. મુંબઈ પોલીસ દ્વારા અપીલ કરાઈ છે કે આવા મેસેજથી સતર્ક રહેવું અને તેનાથી છેતરાવું નહીં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.